Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

ભારતીય રાજકારણીની છાપ રાહુલના લીધે ખરાબ થઈ છે

રાહુલ ગાંધી પર અરૂણ જેટલીના તીવ્ર પ્રહારો : રાહુલ ગાંધીને લોકસભાના મંચ ઉપર યોગ્ય દલીલ રજુ કરીને પાર્ટીની સ્થિતિ સુધારવા માટે તક હતી પણ નિષ્ફળ

નવી દિલ્હી,તા. ૨૧ : ફ્રાંસના પ્રમુખ મેક્રોન સાથે વાતચીતને લઈને ખોટી માહિતી આપવાનો રાહુલ ગાંધી પર આક્ષેપ કરતા કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીએ આજે કહ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વિશ્વ સમક્ષ એક ભારતીય રાજકારણીની ખોટી ઈમેજ રજુ કરી દીધી છે. શુક્રવારના દિવસે લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત દરમ્યાન ચર્ચામાં ભાગ લેતા રાહુલે કહ્યું હતું કે મેક્રોને તેમને કહ્યું હતું કે રાફેલ ડિલમાં કોઈ પણ બાબત ગુપ્ત રાખવામાં આવે તેવી કોઈ સમજૂતિ થઈ નથી. જોકે મોડેથી ફ્રાંસ સરકારે આ નિવેદનને રદિયો આપ્યો હતો. રાહુલ ગાંધીએ ફ્રાંસના પ્રમુખ સાથે થયેલી વાતચીતને પણ ખોટી રીતે રજુ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે રાહુલે પોતાની વિશ્વસનિયતાને નુકસાન પહોંચાડ્યું છે. સાથે સાથે ભારતીય રાજકારણની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડ્યું છે. ફેસબુક પોસ્ટમાં જેટલીએ આ મુજબની વાત કરી છે. પ્રધાને કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ચર્ચા દરમિયાન મોટાભાગે આધાર વગરની વાત કરી હતી. ચર્ચામાં આ પ્રકારની બાબત રજુ કરીને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે. વડાપ્રધાનને પસંદ કરનાર લોકોએ ક્યારેય પણ આ પ્રકારની બાબતને અને જુઠ્ઠાણને ચલાવશે નહીં. જેટલીએ એમ પણ કહ્યું હતું કે ચર્ચામાં ભાગ લેવાની બાબત સામાન્ય રીતે ખૂબ સારી હોય છે. રાજકીય પક્ષોએ પોતાના મુદ્દા ઉઠાવવાની તક હોય છે. રાજકીય સ્તર આમા જાળવવામાં આવે તે જરૂરી છે. સરકારની સામે અવિશ્વાસની દરખાસ્ત ગંભીર બાબત છે. આ કોઈ સામાન્ય કાર્યક્રમ નથી. પ્રધાને કહ્યું હતું કે જ્યારે ચર્ચામાં ભાગ લેનાર કોઈ વ્યક્તિ અને તે પણ કોઈ રાષ્ટ્રીય પાર્ટીના પ્રમુખ વડાપ્રધાન ઉપર આ પ્રકારના આક્ષેપો કરે છે ત્યારે દરેક વ્યક્તિ તેની નોંધ લે છે. દરેક શબ્દોને ખૂબ જ સાવધાની પૂર્વક રજુ કરવા જોઈએ. એનડીએ સરકારની સામે શુક્રવારના દિવસે અવિશ્વસની દરખાસ્ત લાવવામાં આવી હતી જે પડી ગઈ હતી. લોકસભામાં દરખાસ્તની વિરૂદ્ધમાં ૩૨૫ મત અને તરફેણમાં ૧૨૬ મત પડ્યા હતા. ગાંધીએ એનડીએ સરકાર ઉપર વચનો પૂર્ણ નહીં કરવાના આક્ષેપો કર્યા હતા. રાફેલ ડિલનો મુદ્દો ઉઠાવ્યો હતો. ગાંધીએ સારા મંચમાં યોગ્ય નિવેદન કરવાની તક ગુમાવી દીધી છે. તેમની પાર્ટીના હિતમાં પણ યોગ્ય દલીલબાજી સારી રહી હોત. જેટલીએ ઉમેર્યું હતું કે મૂળભૂત મુદ્દાઓને ઉઠાવવામાં આવ્યા ન હતા. પ્રોટોકોલ તરફ પણ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. રાફેલ ફાઈટર જેટ સમજૂતિની ગુપ્તતા અંગે વાત કરતા જેટલીએ કહ્યું હતું કે યુપીએ સરકાર ગુપ્ત સમજૂતિમાં પોતે પણ પહોંચી હતી. રાહુલે વારંવાર દર્શાવ્યું હતું કે તેઓ વાસ્તવિકતાની અવગણના કરી રહ્યા હતા. ફાઈનાન્સિયલ વિગતોની જાહેરાત ઉપર બિનજરૂરી રીતે વાત કરી રહ્યા હતા.

(12:00 am IST)