Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

પાકિસ્તાન : ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ લડાયક બની

ઈમરાન અને નવાઝ શરીફની પાર્ટી વચ્ચે સ્પર્ધા : ૨૫મી જુલાઈના દિવસે યોજનારી ચૂંટણીને લઈને પ્રચાર ચરમસીમા પર : કરાંચીની ૨૧ સીટો પર તમામની નજર

કરાંચી,તા. ૨૧ : પાકિસ્તાનમાં ૨૫મી જુલાઈના દિવસે સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે. આને લઈને તમામ રાજકીય પક્ષો પોત પોતાની રીતે તૈયારીમાં વ્યસ્ત બનેલા છે. પાકિસ્તાનના કરાંચીમાં રાજકીય પક્ષોમાં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આનું કારણ એ છે કે છેલ્લા ૨૫ વર્ષમાં આ શહેરમાં અલતાફ હુસૈનનું પ્રભુત્વ હતું. હુસૈન માત્ર એક કોલથી શહેરની સ્થિતિ બદલવાની તાકાત ધરાવતા હતા. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં બે કરોડની વસ્તી ધરાવતા આ શહેરની સ્થિતિ અનેક રીતે બદલાઈ ગઈ છે. એક સમયે દુનિયાના સૌથી ખતરનાક શહેરોમાંથી એક એવા મુત્તાહિદા કૌમી મુવમેન્ટના નેતા અલતાફ હુસૈનનું પ્રભુત્વ હતું. અલતાફ હુસૈન ૧૯૯૨થી લંડનમાં રહે છે પરંતુ હવે દેશની ત્રણ મુખ્ય રાજકીય પાર્ટીઓ આ શહેરમાં કોઈપણ ભય વગર પ્રચાર કરી રહી છે. કરાંચીના એક સંસદીય ક્ષેત્રમાંથી પીપીપીના ઉમેદવાર શહેલા રજાનું કહેવું છે કે કરાંચી આજે શાંતિપૂર્ણ છે. બજારો, બહુમાળી ઈમારતોમાં કોઈ દહેશત નથી. ૨૦૧૩ની સામાન્ય ચૂંટણીમાં મુત્તાહિદા કૌમી મુવમેન્ટને ૨૦માંથી ૧૬ સીટો મળી હતી. ટીકાકારોનું કહેવું છે કે આ તમામ સીટો હિંસા અને ધમકીના બળ ઉપર જીતવામાં આવી હતી. ચૂંટણીના થોડાક મહિના બાદ જ કરાંચીમાં સરકારની કઠોર લશ્કરી કાર્યવાહીથી શહેરમાં અપહરણ અને હત્યાઓના મામલાઓને ઓછી કરી દેવાની ભૂમિકા ભજવી છે. બીજી બાજુ વર્ષ ૨૦૧૬માં મુત્તાહિદા કૌમી મુવમેન્ટના નેતૃત્વમાં આવેલી તિરાડના લીધે પણ અલતાફ હુસૈનની પકડ કરાંચી ઉપર નબળી પડી છે. લંડનના હુસૈનના પ્રતિનિધિઓએ આ સંદર્ભમાં પ્રશ્નોના કોઈ જવાબ આપ્યા નથી. આ પહેલા અનેક વખત હુસૈન પોતાના સમર્થકોને હિંસા માટે ઉશ્કેરીને સ્થિતિનો લાભ લેવાનો આક્ષેપોને રદિયો આપી ચુક્યા છે. હુસૈનનો આક્ષેપ છે કે મુત્તાહિદા કૌમી મુવમેન્ટ નેતાઓને પકડી પાડવામાં આવ્યા છે. પાકિસ્તાન ઈન્સ્ટીટ્યુટ ફોર પીસ સ્ટડીના કહેવા મુજબ કરાંચીમાં જાન્યુઆરી ૨૦૧૩થી આ વર્ષે મે માં ચુંટણી સુધી હિંસાથી આશરે ૫૭ લોકોની હત્યા થઈ છે, ૩૦૦ લોક ઘાયલ થયા છે. પોલીસના કહેવા મુજબ આ વર્ષે હજુ સુધી બે હત્યાના મામલા સપાટી પર આવ્યા છે.  આ ફેરફાર શહેરમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીની ૨૭૨ સીટો પૈકી ૨૧ સીટો કરાંચીમાં છે. સીટોની મોટી સંખ્યા વાળા કરાંચીમાં તમામ રાજકીય પક્ષોએ તાકાત લગાવી દીધી છે. પાકિસ્તાનની સંસદ ત્રિશંકુ રહેશે તો આવી સ્થિતિમાં કરાંચી મારફતે નાની પાર્ટીઓ કિંગમેકરની ભૂમિકા અદા કરી શકે છે. પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા કરવામાં આવેલા સર્વે સાબિતી આપી રહ્યા છે કે આ વખતે ચૂંટણીમાં મુખ્ય ટક્કર ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાન ખાનની પાર્ટી અને પૂર્વ પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટી વચ્ચે છે. નવાઝ શરીફ હાલમાં જેલમાં છે પરંતુ તેમની પાર્ટી સતત બીજી વખત ચૂંટણી જીતી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ઈમરાન ખાન અને નવાઝ શરીફના ભાઈ શાહબાઝ કરાંચીની સીટો પરથી લડી રહ્યા છે. ઓપિનિયન પોલમાં હાલમાં ત્રીજા સ્થાને રહેલી બેનેઝીર ભુટ્ટોના પરિવારની પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી દ્વારા પણ પુરી તાકાત લગાવી દેવાઈ છે.

(12:00 am IST)