Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

સેનેટરી નેપકિનને જીએસટીમાંથી મુક્ત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય

જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનેક ચીજો પર ટેક્સ ઘટાડાયો : સ્ટોન, માર્બલ, રાખડી ઉપર કોઈ ટેક્સ નહીં : ૧૦૦૦ સુધીના ફુટવેર ઉપર પાંચ ટકા ટેક્સ : વોટર કુલર, પરફ્યુમ, ટોયલેટ સ્પ્રે ઉપર ૧૨ ટકાનો ટેક્સ

નવી દિલ્હી, તા.૨૧ : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં અનેક ચીજો પર રાહત આપવાની જાહેરાત કરાઈ હતી. સેનેટરી નેપકિનને ટેક્સ મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અન્ય ચીજો ઉપરથી પણ ટેક્સ ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આજે લેવામાં આવેલા તમામ નિર્ણય ૨૭મી જુલાઈથી અમલી કરવામાં આવશે. જીએસટી કાઉન્સીલની બેઠક હાલના નાણામંત્રી પિયુષ ગોયલના નેતૃત્વમાં યોજાઈ હતી. બેઠક બાદ પિયુષ ગોયલે કહ્યું હતું કે સેનેટરી નેપકિન ઉપરાંત સ્ટોન, માર્બલ, રાખડી, સાલના પત્તા ઉપર કોઈ ટેક્સ લાગુ થશે નહીં. આ ઉપરાંત ૧૦૦૦ રૂપિયા સુધીના ફુટવેર પર હવે પાંચ ટકા ટેક્સ લાગુ થશે. પહેલા આ રકમ ૫૦૦ રૂપિયાની હતી. ઉપરાંત લિથિયમ, આયર્ન બેટરી, વેક્યુમ ક્લિનર, ફુડ ગ્રાઈન્ડર, મિક્સર, સ્ટોરેજ વોટર હિટર, ડ્રાયર, પેઈન્ટ, વોટર કુલર, મિલ્ક કુલર, આઈસ્ક્રીમ કુલર્સ, પરફ્યુમ, ટોયલેટ સ્પ્રેને ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાંથી હટાવીને ૧૨ ટકાના ટેક્સ સ્લેબમાં મુકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું છે કે હેન્ડબેગ, જ્વેલરી બોક્સ, પેઈન્ટીંગ માટે લાકડીના બોક્સ, આર્ટવેર ગ્લાસ, હાથથી બનાવવામાં આવેલા લેમ્પ પર ટેક્સને ૧૨ ટકા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાના કારોબારીઓને રાહત આપતા ગોયલે કહ્યું હતું કે પાંચ કરોડ રૂપિયા સુધીના ટર્ન ઓવર વાળા ટ્રેડર્સ દર મહિને જીએસટી જમા કરાવશે પરંતુ તેમને ત્રિમાસિક રિટર્ન દાખલ કરવાની જરૂર રહેશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે કાઉન્સિલે ૪૬ સુધારા કર્યા છે. જેને સંસદમાંથી પાસ કરવામાં આવશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સોસોદીયાએ કહ્યું હતું કે સેનેટરી નેપકિનને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સમાંથી મુકત કરવાનો નિર્ણય કરાયો છે. જેથી હવે કોઈ ટેક્સ લાગુ થશે નહીં. તેઓએ આ અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. હજુ સુધી સેનેટરી નેપકિન ઉપર ૧૨ ટકાનો જીએસટી હતો. દિલ્હી સરકારમાં નાણા મંત્રાલય સંભાળનાર સિસોદીયાએ જીએસટી કાઉન્સિલની બેઠકના ભાગરૂપે કહ્યું હતું કે ૨૮ ટકા સ્લેબમાં રહેલી ઘણી વસ્તુઓ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. જાન્યુઆરી મહિનામાં આ વર્ષે ગ્વાલિયરના વિદ્યાર્થીઓએ એક ઝુંબેશ ચલાવી હતી. વિદ્યાર્થીઓ સેનેટરી નેપકિન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મેસેજ લખીને આને જીએસટીની બહાર કરવા અને ફ્રી બનાવવાની માંગ કરી રહ્યા હતા. જોકે તેમણે ઉમેર્યું હતું કે ખાંડ ઉપર સેસને લઈને હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.  નાણામંત્રી તરીકેની જવાબદારી હાલમાં અરૂણ જેટલીની ગેરહાજરીમાં પિયુષ ગોયલ સંભાળી રહ્યા છે. બેઠકમાં સામેલ રહેલા અન્ય પ્રધાનોએ પણ મહત્વની વાત કરી હતી. ખાંડ ઉપર સેસના સંબંધમાં કોઈ નિર્ણય કરાયો નથી. મહારાષ્ટ્રના નાણામંત્રી સુધિર મુનગંટીવાએ કહ્યું હતું કે વાંસમાં ટેક્સ સ્લેબ ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરાયો છે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક હવે કેરળમાં થશે. નાણામંત્રીનો કાર્યભાળ સંભાળ્યા બાદ પિયુષ ગોયલના નેતૃત્વમાં આ પ્રથમ બેઠક મળી હતી. પેટ્રોલમાં ઉપયોગ કરાતા એથેનોલમાં જીએસટી ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરાયો છે. જીએસટી કાઉન્સિલની બેઠક પર તમામની નજર હતી.

(10:16 am IST)