Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

રાજકોટની ભાગોળે રાવકી-માખાવાડ વચ્ચે નદીમાંથી કાઢેલ કામચલાઉ રસ્તે મોટર તણાઈ ગઈ: લાલજીભાઈ ઘેલાણીનું મૃત્યુ: તેમના પત્ની કુસુમબેન અને રિલેટિવ સંગીતાબેનનો બચાવ: અકિલાએ ચાર દિવસ પહેલાં જ ધ્યાન દોર્યું હતું

આજે મોડી સાંજે રાજકોટની જીજેઓ ૩ એલબી ૧૫૫૨ નંબરની ટાટાની ટીઆગો મોટર આ કામ ચલાવ નદીમાંથી પસાર થતી વેળાએ પૂરના પાણીમાં તણાઈ ગઈ હતી. પૂલ ઉપર ઉભેલા લોકોએ જીવના જોખમે બચાવ કાર્ય હાથ ધર્યું હતું.

તેમાં બેઠેલા લાલજીભાઈ ઘેલાણી નામના વ્યક્તિનું કરૂણ મૃત્યુ થયું છે. તેમના પત્ની કુસુમબેન ઘેલાણી અને તેમના સંબંધી સંગીતાબેન રાંક ને બચાવી લેવામાં આવ્યા છે. લાલજીભાઈને મોટરમાંથી બહાર કાઢી ગીરીરાજ હોસ્પિટલ લઇ જવાયેલા અને ત્યાંથી સિવિલ હોસ્પિટલે લઇ જવાતાં તેમનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે.

રાવકીના દિવ્યરાજસિંહ બહાદુરસિંહ જાડેજાએ આ વિગતો અકિલાને જણાવી હતી. અકિલાએ હજી તો ચાર દિવસ પહેલાં જ કહેલ કે મોટો અકસ્માત થાય તે પહેલા આ પૂલનું કામકાજ તાત્કાલિક પૂરું કરાવો. પરંતુ આ પુલનું કામ આજે પણ પૂરું થયું નથી અને નદીમાંથી રસ્તો કાઢેલ ત્યાં પાણી ભરાતા રાવકી અને માખાવડનો સંપર્ક તૂટી ગયો હતો.

રાવકી-માખાવડ નવો ઇન્ડસ્ટ્રીયલ ઝોન શરૂ થયેલ છે, અને અહીં  અનેક કારખાના આવ્યા છે. આ રસ્તો બંધ થતાં સેંકડો કામદારો અને માલિકોને ભારે તકલીફ સર્જાયેલ છે. સત્તાધીશો હજુ પણ બીજા મોટા અકસ્માત સર્જાય તે પહેલા તાકીદે આ પુલનું સમારકામ કરી અને રસ્તો શરૂ કરી દે તેવી લોક લાગણી પ્રવર્તી રહ્યાનું આ વિસ્તારના બકુલ રૂપાણીએ જણાવ્યું છે.

(11:31 pm IST)