Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

યુપીમાં પુત્રીના લગ્ન માટે મદદ માગી તો દાતાઓ ઉમટી પડ્યા

સોશિયલ મીડિયાનું સકારાત્મક પાસું : મજૂર પરિવારના વડાએ સોશિયલ મીડિયા ઉપર લગ્નના ખર્ચ માટે બળાપો ઠાલવતા લોકો મદદ માટે દોડી આવ્યા

હમિરપુર, તા. ૨૨ : ઉત્તર પ્રદેશના હમીરપુરમાં જ્યારે એક જમીન વિહોણા પિતાએ તેની પુત્રીના લગ્ન માટે થનાર ખર્ચ અને પોતાની નબળી પરિસ્થિતિ અંગે સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવ્યો ત્યારે તેમને આશા પણ નહોતી કે રીતે તમને મદદ મળી રહેશે. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો આવ્યો અને સામાજિક કાર્યકરો મદદ માટે તેના દરવાજા પર કતારબદ્ધ હતા. અગ્રણી સમાજસેવકોએ જાન આગમનના થોડા કલાકો બાકી હતા ત્યાં ભેગા થઈને લગ્ન માટે જરુરી મંડપ, ઘરેણાં, કપડાં અને અન્ય સામાનથી લઈને જમવાની વ્યવસ્થા અને જાનૈયાઓના સ્વાગત તૈયારી પણ કરી દીધી હતી. સામાજીક કાર્યકર્તાઓને કન્યાવાળાની જેમ વરરાજા અને જાનૈયાનું સ્વાગત કરતા જોઈને છોકરાવાળા આશ્ચર્માં પડી ગયા હતા.

હમીરપુર શહેરના ડિગ્ગી રમેડી વિસ્તારમાં રહેતા સંતરામ જમીન વિહોણા છે. તેઓ મજૂર તરીકે કામ કરીને જેમ તેમ પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. તેમણે પોતાની પુત્રી શિલ્પીના લગ્ન ફતેહપુર જિલ્લાના મથુરાપુર ગામમાં રહેતા રાહુલ સાથે નક્કી કર્યા હતા. લગ્ન રવિવારે હતા. લગ્નને લઈને ઘરમાં કોઈ વ્યવસ્થા હોવાને કારણે પિતા પરેશાન થઈ ગયા. સંબંધીઓથીઓ લઈને દરેક જગ્યાએ તેમણે રુપિયાની વ્યવસ્થા માટે હાથ લાંબવ્યો હતો પરંતુ કોઈ તેમની મદદ માટે આગળ આવ્યું નહીં. પછી તેણે સોશિયલ મીડિયા દ્વારા મદદ લેવાનું નક્કી કર્યું.

ગરીબ પિતાની લાચારી જોઇને બુંદેલખંડ રક્તદાન સમિતિના પ્રદેશ અધ્યક્ષ અશોક નિશાદ ઉર્ફે ગુરુએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને લોકોને ગરીબ પુત્રીના લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. ગરીબ પિતાને સોશિયલ મીડિયામાં આંસુઓ સારતા જોઈ કોવિડ ફાઇટર્સ ગ્રુપ અને સામાજિક કાર્યકરોએ પુત્રીના લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી. કોવિડ ફાઇટર્સના જાવેદે ગરીબ પુત્રીના લગ્ન માટે આર્થિક મદદ કરી, જ્યારે બુંદેલખંડ રક્તદાન સમિતિની આગેવાની હેઠળ ચાલીસ લોકોએ સિત્તેર હજાર રૂપિયાની લગ્નની વસ્તુઓ ભેટ કરી.

બુંદેલખંડ રક્તદાન સમિતિના પ્રદેશ અધ્યક્ષ અશોક ગુરુએ સોમવારે જણાવ્યું હતું કે લગ્નને ભવ્ય બનાવવા માટે એક મંડપ ગોઠવવામાં આવ્યો. ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન, સોફાસેટ, કુલર, આલમારી, વાસણો સહિત તમામ જરૂરી ઘરવખરી છોકરીને આપવામાં આવે હતી. છોકરીને ઘરેણાં અને અન્ય ભેટો સોગાતો પણ આપવામાં આવી છે.

ગરીબ યુવતીના લગ્નમાં જાનૈયાઓનું સ્વાગત કરતી વખતે સમાજના કાર્યકરો દ્વારા લગ્નની તમામ વિધિ કરવામાં આવી હતી. ટિપ્પણીથી લઈને વિદાય સુધીની બધી વિધિઓ ધામધૂમથી પૂર્ણ થતાં જોઈને પિતાની આંખોમાં આંસુ ભરાયા. અશોક ગુરુએ જણાવ્યું હતું કે ચાલીસ લોકોની ટીમે લગ્નને ધામધૂમથી પૂર્ણ કરવામાં મદદ કરી છે. તેમજ યુવતીના ભાઈ બનીને વિદાય પણ કરી હતી.

(8:00 pm IST)