Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

લોકડાઉન નિયમના ભંગ બદલ છોકરાઓને નગ્ન કરી સરઘસ

નિયમ ભંગ બદલ પોલીસની અમાનવીય કાર્યવાહી : ભોપાલના તળાવમાં નહાવા પડેલા બાળકોના કપડાં છુપાવી દેવાયા, નગ્ન હાલતમાં સરઘસ કાઢાયું, ઊઠ-બેસ કરાવી

ભોપાલ, તા. ૨૦ : કોરોનાની બીજી લહેરનુ જોર ઓછુ થયુ છે પણ દેશના ઘણા હિસ્સામાં હજી આંશિક લોકડાઉન લાગુ કરાયેલુ છે.

જેમાં મધ્યપ્રદેશનો પણ સમાવેશ થાય છે. જોકે અહીંની રાજધાની ભોપાલમાં લોકડાઉનનો ભંગ કરનારા બાળકોને પોલીસે વિચિત્ર સજા આપી હતી અને પોલીસના વલણની ટીકા પણ થઈ રહી છે. મળતી વિગતો પ્રમાણે ભોપાલના એક તળાવમાં રવિવારે કેટલાક બાળકો લોકડાઉનનો ભંગ કરીને નહાવા પડ્યા હતા.

પોલીસે તળાવમાં કોઈ આત્મહત્યા ના કરે તે માટે તરવૈયાઓને તૈનાત કર્યા છે. તરવૈયાઓએ પોલીસની મદદથી નહાવા પડેલા બાળકોના કપડા છુપાવી દીધા હતા અને પછી પોલીસે કપડા વગર નગ્ન હાલતમાં બાળકોનુ સરઘસ કાડ્યુ હતુ. આવી સ્થિતિમાં પોલીસે બાળકો પાસે ઉઠ બેસ પણ કરાવી હતી. જ્યારે તરવૈયાઓએ તેમના વિડિયો પણ ઉતાર્યા હતા.

લોકડાઉનનો ભંગ કરનારાઓને પોલીસ ક્યારેક અલગ અલગ પ્રકારની સજા આપતી હોય છે પણ બાળકોનુ નગ્ન હાલતમાં સરઘસ કાઢવાની સજા ઘણાને યોગ્ય લાગી નથી. પોલીસે રસ્તા પર તેમને કપડા પહેર્યા વગર ચલાવ્યા હતા. જોકે મામલામાં પોલીસ સામે હજી સુધી કોઈ કાર્યવાહી થઈ હોવાના અહેવાલ જાણવા મળ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં કોરોના સામે ગઈકાલે ૧૬ લાખ લોકોને રસી મુકવામાં આવી હતી. જ્યારે સરકારે ૧૦ લાખનો લક્ષ્યાંક રાખ્યો હતો. રેકોર્ડના કારણે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ખુશ છે.

(7:58 pm IST)