Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

સિક્કીમ મોરચે ચીને સેનાના તિબેટિયન યુવાનો તૈનાત કર્યા

સરહદ પર નવી મુસિબતો ઊભી કરતું ચીન : સૈનિકોની ટુકડીને મિમાંગ ચેટનના નામથી ઓળખવામાં આવી રહી છે, બે બેચમાં ૧૦૦-૧૦૦ યુવાઓ સામેલ

ગંગટોક, તા. ૨૨ : કોરોના સામે ઝઝૂમી રહેલા ભારત માટે સરહદ પર ચીન નવી મુસિબતો ઉભી કરી રહ્યુ છે. તાજેતરમાં ચીને અરુણાચલ મોરચે રોડ-રસ્તા અને એરબેઝ બનાવવાની ઝડપ વધારી હોવાના અહેવાલ આવ્યા હતા.

હવે સિક્કિમ મોરચે ચીને પોતાના સૈનિકો તૈનાત કર્યા છે. સિકિક્મ અને ભુટાન વચ્ચે વ્યૂહાત્મક રીતે બહુ મહત્વની ચુંબી ખીણમાં જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સૈનિકોની ટુકડીમાં તિબેટીયન યુવાઓ સામેલ છે. જેમને ચીન દ્વારા તાલીમ આપવામાં આવી છે.

સૈનિકોની ટુકડીને મિમાંગ ચેટનના નામથી ઓળખવામાં આવી રહી  છે. બે બેચમાં ૧૦૦-૧૦૦ યુવાઓ સામેલ છે. જેમાંથી ૧૦૦ યુવાનોની ટ્રેનિંગ પુરી થયા બાદ તેમને ચુંબી ખીણના વિવિધ લોકેશન પર તૈનાત કરાયા છે. બીજી બેચની હજી તાલીમ ચાલી રહી છે.

ચીનની સેના તિબેટના લોકોની સ્થાનિક હવામાન સાથે અનુકુલન સાધવાની ક્ષમતા, ભાષાના જ્ઞાન અને વિસ્તાર અંગે તેમની પાસે રહેલી જાણકારીનો લાભ ઉઠાવવા માંગે છે. સરહદ નજીક તિબેટિયન યુવાનોને તૈનાત કરીને ચીન સ્થાનિક લોકોની જાણકારીનો ફાયદો પણ લેવા માંગે છે.

ભારતે વર્ષોથી તિબેટિયન યુવાનોની ભરતી કરીને સ્પેશિયલ ફ્રન્ટીયર ફોર્સ બનાવી છે. જેમાં ૧૦૦૦૦ તિબેટિયન જવાનો હોવાનુ કહેવાય છે. ફોર્સ ભારતીય સેના નહીં પરંતુ ભારતની ગુપ્તચર એજન્સી રોના હાથ નીચે કામ કરે છે. તેની કામગીરી એટલી ગુપ્ત છે કે, સેનાને પણ તેની મોટાભાગની હિલચાલની જાણકારી હોતી નથી.

(7:57 pm IST)