Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

કર્ણાટકમાં વહેલી ચૂંટણીના સદર્ભે દેવગૌડાની પીછેહઠ

સ્થાનિક ચૂંટણી માટેની વાત કરી હતી : દેવગૌડા : કર્ણાટકમાં હવે વહેલી ચૂંટણી ચોક્કસ થશે તેવી વાત કરીને રાજકીય ગરમી જગાવ્યા બાદ દેવગૌડાએ નિવેદન બદલ્યું

બેંગ્લોર, તા. ૨૧ : કર્ણાટકમાં મધ્ય અવધિ માટે ચૂંટણીના સંકેત આપીને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી દીધા બાદ જેડીએસના પ્રમુખ દેવગૌડાએ પોતાનું નિવેદન બદલી નાંખ્યું છે. હવે દેવગૌડાએ કહ્યું છે કે, તેઓ વિધાનસભાની નહીં બલ્કે સ્થાનિક ચૂંટણીની વાત કરી રહ્યા હતા. આ પહેલા દેવગૌડાએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, કર્ણાટકમાં મધ્ય અવધિની ચૂંટણી પાકી દેખાઈ રહી છે. કોંગ્રેસી નેતાઓના વલણને લઇને પણ તેઓએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. મધ્ય અવધિની ચૂંટણીને લઇને પોતાના નિવેદન ઉપર ગુલાંટ મારતા મોડેથી દેવગૌડાએ કહ્યું હતું કે, તેઓએ સ્થાનિક ચૂંટણી માટે વાત કરી હતી. વિધાનસભા માટે ચૂંટણીની વાત કરી ન હતી. પાર્ટીને મજબૂત કરવા માટે તેઓ આવ્યા છે. કુમારસ્વામી પણ આવી વાત કરી ચુક્યા છે. ગૌડાએ કહ્યું હતું કે, વર્તમાન સરકાર તેની અવધિ પુરી કરશે. જેડીએસ અને કોંગ્રેસ વચ્ચે ખુબ સારા સંબંધ રહેલા છે. આ પહેલા દેવગૌડાએ ગઠબંધનને લઇને પણ સીધા પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પ્રદેશમાં જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધનના સમર્થનમાં ન હતા. સોનિયા ગાંધીએ તેમની સાથે ગઠબંધન કરવાને લઇને નિવેદન કર્યું હતું. ત્યારબાદ સહમતિ દર્શાવવામાં આવી હતી. ગઠબંધનનો વિચાર તેમની પાર્ટીનો નહીં બલ્કે રાહુલ ગાંધી, યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદનો હતો. કોંગ્રેસના વર્તન ઉપર સવાલ ઉઠાવતા દેવગૌડાએ કહ્યું હતું કે, આમા કોઇ શંકા નથી કે, કર્ણાટકમાં મધ્ય અવધિની ચૂંટણી યોજાશે. કોંગ્રેસે અગાઉ કહ્યું હતું કે, પાંચ વર્ષ માટે સરકારને સમર્થન આપશે પરંતુ તેમના વર્તનને જોઇને કહી શકાય છે કે, કોંગ્રેસ પાર્ટી સરકારને યોગ્યરીતે આગળ ચલાવવા માટે તૈયાર નથી. આવી સ્થિતિમાં કર્ણાટકમાં ફરીવાર ચૂંટણી યોજાઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસથી કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના સંબંધો સારા રહ્યા નથી. મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી અનેક વખત તેમની પ્રતિક્રિયા આપી ચુક્યા છે. પોતાની નારાજગી વ્યક્ત કરીને કુમારસ્વામી કહી ચુક્યા છે કે, આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટી સાથે સંબંધો સુધારવાના પ્રયાસો કરવામાં આવશે પરંતુ કુમારસ્વામી એમ પણ કહી ચુક્યા છે કે, હાલમાં તેઓ ખુબ મુશ્કેલ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના લોકો પુરતા પ્રમાણમાં સહકાર આપી રહ્યા નથી. ભાજપને તેમની વચ્ચે ચાલી રહેલી ખેંચતાણના કારણે સીધો ફાયદો થઇ ગયો છે. કર્ણાટકમાં ભાજપના વરિષ્ઠ નેતા યેદીયુરપ્પા પણ સક્રિય થયેલા છે અને કોંગ્રેસ માટે સમસ્યાઓ સર્જવા પ્રયાસો કરી રહ્યા છે. આગામી દિવસો કોંગ્રેસ માટે પડકારરુપ છે.

(12:00 am IST)