Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

લોકસભામાં ત્રિપલ તલાક મુદ્દે તીવ્ર સંગ્રામની સ્થિતિ

રવિશંકર પ્રસાદે , અસાસુદ્દીન ઓવૈસી અને આઝમખાનની પ્રતિક્રિયાઓ : ત્રિપલ તલાક માટે મામલો રાજનીતિ અથવા ધર્મનો નથી પરંતુ મહિલાઓની સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો : રવિશંકર પ્રસાદ

નવી દિલ્હી, તા. ૨૧ : લોકસભામાં આજે ત્રિપલ તલાક બિલ ઉપર જોરદાર સંગ્રામની સ્થિતિ જોવા મળી હતી. મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર બીજી અવધિ માટે સત્તામાં આવ્યા બાદ પોતાના પ્રથમ બિલ તરીકે ત્રિપલ તલાક બિલને લોકસભામાં રજૂ કરવામાં આવ્યા બાદ જોરદાર હોબાળો કર્યો હતો. મોદી સરકારે  છેલ્લી અવધિમાં પણ આ બિલને બે વખત લોકસભામાં રજૂ કર્યું હતું. તે વખતે આ બિલને લોકસભામાં મંજુરી મળી હતી પરંતુ રાજ્યસભામાં બિલને મંજુરી મળી ન હતી. આ બિલને રજૂ કરવામાં આવ્યા બાદ ગૃહમાં ફરીવાર જોરદાર ચર્ચા ચાલી હતી. ગૃહમાં બિલ રજૂ કરતા કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, આ મામલે કોઇ ઇબાદત અને સિયાસતનો નથી. ધર્મ અને રાજનીતિનો નથી પરંતુ મહિલાઓની સુરક્ષા સાથે જોડાયેલો આ મામલો છે. આ મામલો મહિલાઓના સન્માનનો છે. રવિશંકર પ્રસાદે ભારતીય બંધારણની કલમ ૧૫ને વાંચતા કહ્યું હતું કે, મહિલાઓ અને બાળકોના અધિકારોની રક્ષા થાય તે ખુબ જરૂરી છે. આના માટે પોતાની અંદર મનને પ્રશ્નો પુછવા પડશે કે ૭૦ વર્ષ બાદ પણ ભારતીય મહિલાઓની હાલત એટલી ખરાબ કેમ દેખાઈ રહી છે. તલાક કહીને કઈરીતે છુટાછેડા લઇ લેવામાં આવે છે. આ સંદર્ભમાં એઆઈએમઆઈએમના સાંસદ અસાસુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે, આ ભેદભાવ કરનાર બિલ છે. જો કોઇ બિન મુસ્લિમને કેસમાં મુકવામાં આવે તો તેને એક વર્ષની સજા અને મુસ્લિમને ત્રણ વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ કલમ ૧૪ અને ૧૫નો ભંગ છે. મહિલાઓના હિતમાં આ બાબત દેખાઈ રહી નથી. મહિલાઓના હિતમાં વાત કરવામાં આવે તે સમય આવી ગયો છે. કેરળની હિન્દુ મહિલાઓથી મોદી સરકાર કેમ પ્રેમ ભાવના દર્શાવતી નથી. માત્ર મુસ્લિમ મહિલાઓ પ્રત્યે જ આટલી લાગણી કેમ દેખાઈ રહી છે. સબરીમાલામાં નિર્ણયની સામે કેમ રજૂઆત થઇ રહી નથી. બીજી બાજુ કેરળના થિરુવંતનપુરમ બેઠકમાંથી કોંગ્રેસના સાંસદ શશી થરુરે કહ્યું હતું કે, કોઇ એક સમુદાયને ટાર્ગેટ બનાવવાની બાબત યોગ્ય નથી. કોઇ એક સમુદાયને ટાર્ગેટ બનાવવાના બદલે કોમન લો લાવવામાં આવે તે જરૂરી છે. આના કારણે તમામ લોકો આની હદમાં આવી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, માત્ર એક સમુદાયને ધ્યાનમાં રાખીને બિલ કેમ બનાવવામાં આવતા નથી. મુસ્લિમ મહિલાઓની સ્થિતિમાં આ બિલના લીધે કોઇ ફેરફાર થશે નહીં. થરુરે કહ્યું હતું કે, આ બિલથી મુસ્લિમ મહિલાઓની હાલત સુધરી જશે તેમ માનવા માટે કોઇ કારણ નથી. થરુરે એમ પણ કહ્યું હતું કે, તેઓ આ બિલનું સમર્થન કરતા નથી. બીજી બાજુ સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને કહ્યું હતું કે, મુસ્લિમો માત્ર કુરાનને માને છે. જે લોકો ઇસ્લામને માનશે તે લોકો કુરાનને માનશે. કુરાન જે કહેશે તેને માનશે. કુરાન ૧૫૦૦ વર્ષ પહેલા મહિલાઓની બરોબરીના અધિકારો ઇસ્લામમાં અપાયા હતા.

(12:00 am IST)