Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

હવે માલ્યાને અપરાધી જાહેર કરવાની માંગની સાથે અરજી

મુંબઈની કોર્ટમાં ઇડી દ્વારા અરજી દાખલ કરાઈ : માલ્યાની ૧૨૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિને તરત જપ્ત કરવાની માંગને મંજુરી આપવા ઇડી દ્વારા રજૂઆત કરાઈ

નવીદિલ્હી,તા. ૨૨ : મોટા બેંક લોન ડિફોલ્ટર્સ સામે કઠોર કાર્યવાહી કરવાની દિશામાં ભારત સરકારે તેની પ્રથમ સત્તાવાર હિલચાલ શરૂ કરી દીધી છે. નવા કાયદા હેઠળ મોટા બેંક લોન ડિફોલ્ટર્સ સામે પગલા લેવામાં આવી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા શરાબ કારોબારી વિજય માલ્યા સામે કોર્ટમાં જવા ઇડી દ્વારા તૈયારી કરવામાં આવી છે. ઇડીએ કોર્ટમાં રજૂઆત કરીને તેને ભાગેડુ જાહેર કરવાની માંગ કરી છે. ભાગેડુ અપરાધી તરીકે તેને જાહેર કરવાની માંગ કરીને ૧૨૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાની દિશામાં ઇડીએ રજૂઆત કરી દીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ એજન્સી દ્વારા હાલમાં જ જારી કરવામાં આવેલા નવા વટહુકમ હેઠળ મુંબઈ કોર્ટ સમક્ષ એક અરજી દાખલ કરી દીધી છે જેના ભાગરુપે વિજય માલ્યાની સંપત્તિ જપ્ત કરવાની દિશામાં પહેલ કરવામાં આવશે. આ સંદર્ભમાં મુંબઇ કોર્ટમાં રજૂઆત કરીને ખુલાસો પણ કરવામાં આવી ચુક્યો છે. ફરાર આર્થિક ગુનેગારો સામે સકંજો હવે મજબૂત કરવામાં આવનાર છે. આ નવા કાયદા હેઠળ ફરાર થયેલા લોન ડિફોલ્ટરોની તમામ સંપત્તિ જપ્ત કરવા સત્તા આપવામાં આવી છે. વિજય માલ્યા અને તેમની કંપનીની ૧૨૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાની દિશામાં નવી પહેલ કરવામાં આવી ચુકી છે. ઇડી દ્વારા પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દાખલ કરવામાં આવેલી બે ચાર્જશીટમાં પુરાવા રજૂ કરવામાં આવી ચુક્યા છે. ભૂતકાળમાં આ પુરાવા રજૂ કરીને વિજય માલ્યા માટે ફરાર અપરાધી જાહેર કરવાની રજૂઆત કરવામાં આવી હતી. માલ્યા લંડનમાં પણ મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહ્યા છે. બ્રિટનમાંથી તેમના પ્રત્યાર્પણના ભારતના પ્રયાસના ભાગરુપે તપાસ ચાલી રહી છે. જુદી જુદી બેંકોના નવ હજાર કરોડ રૂપિયાથી વધુની લોન ડિફોલ્ટ સાથે સંબંધિત મામલામાં આ તપાસ ચાલી રહી છે. પીએમએલએ હેઠળ કાયદાની પ્રવર્તમાન પ્રક્રિયા મુજબ ઇડી દ્વારા સંપત્તિ એજ વખતે જપ્ત કરી શકાય છે જ્યારે કેસમાં ટ્રાયલની પ્રક્રિયાને પૂર્ણ કરી લેવામાં આવે છે. ટ્રાયલને પૂર્ણ કરવામાં ઘણા વર્ષો નિકળી જાય છે. ભારતીય કોર્ટના અધિકાર ક્ષેત્રથી બહાર નિકળીને વિદેશ જતા રહેલા આર્થિક અપરાધીઓના શ્રેણીબદ્ધ દાખલા સપાટી ઉપર આવ્યા બાદ મોદી સરકારે આર્થિક અપરાધીઓ માટે વધુ કઠોર કાયદા લાવવાની તૈયારી દર્શાવી હતી જેના ભાગરુપે ૧૨મી માર્ચના દિવસે લોકસભામાં ફગીટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બિલ ૨૦૧૮ રજૂ કરવામાં આવ્યું હતું. જુદા જુદા મુદ્દાઓને લઇને સંસદમાં મડાગાંઠના કારણે આ મામલો હાથ ધરી શકાયો ન હતો. સંસદની કામગીરી અચોક્કસ મુદ્દત માટે મોકૂફ કરવામાં આવ્યા બાદ વટહુકમ રજૂ કરાયો હતો. ૨૧મી એપ્રિલના દિવસે કેન્દ્રીય કેબિનેટે વટહુકમને મંજુરી આપી હતી અને એજ દિવસે રાષ્ટ્રપતિએ પણ આ વટહુકમને લીલીઝંડી આપી હતી. આ વટહુકમ હેઠળ પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ ૨૦૦૨ હેઠળ ખાસ અદાલત માટે જુદી જુદી જોગવાઈઓ કરવામાં આવી ચુકી છે. ફરાર આર્થિક અપરાધી તરીકે એક વ્યક્તિને જાહેર કરવા અને તેની સંપત્તિ જપ્ત કરવાના હેતુસર પ્રવેન્સન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ખાસ અદાલત માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. ફગીટિવ ઇકોનોમિક ઓફેન્ડર એવી વ્યક્તિ છે જેની સામે ગુનાના સંદર્ભમાં ધરપકડ વોરંટ જારી કરવામાં આવે છે અને કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવાની હિંમત દાખવ્યા વગર ભારતથી વિદેશ જતા રહે છે. સાથે સાથે વિદેશ પહોંચી ગયા બાદ પરત આવવાનો ઇન્કાર કરે છે. આ વટહુકમના છત્ર હેઠળ ૧૦૦ કરોડથી વધુના લોન ડિફોલ્ટ અને ચેક બાઉન્સ થવાના મામલા તથા છેતરપિંડીના કેસો આવી ચુક્યા છે.

(7:16 pm IST)
  • સુરતના અઠવા વિસ્તારમાં જુગારની ક્લબમાં ડીજી વિજિલન્સનો સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને દરોડો ;પીઆઇ કે કે ઝાલાને સસ્પેન્ડ કરાયા :પોલીસ કમિશનરના આકરા પગલાંથી બેડામાં ફફડાટ :પીઆઇ ઝાલા અગાઉ રાજકોટમાં એસઓજી સહિતના પોલીસ મથકોમાં અનેક મહત્વની કામગીરી બજાવી ચુક્યા છે access_time 12:55 am IST

  • સાપુતારામાં વરસાદ : સાપુતારા અને સાપુતારાના ઘાટ ઉપર સતત વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 9:38 pm IST

  • ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી અને દિલ્હીની રાજકીય સ્થિતિ પર મંથન :સોશ્યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ અને દલિત સમુદાયને પાર્ટી સાથે જોડવા દલિત સંપર્કઃ અભિયાન ચલાવો :ભાજપના અધ્યક્ષ અમિતભાઇએ આપ્યો નેતાઓને નિર્દેશ:મોદી સરકારની ઉપ્લબ્ધીઓની જાણકારી લોકો સુધી પહોંચાડવામાં સોશ્યલ મીડિયાનો બખૂબી ઉપયોગ સમજાવ્યો access_time 12:52 am IST