Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

મહાગઠબંધનનું બાળમરણ ? કોંગ્રેસ નહિ હોય ? વિપક્ષોમાં આંતરિક મહામતભેદો

ભાજપ સામે પડકાર ઉભો કરવા વિપક્ષો માત્ર વાતો કરે છેઃ બેઠકોની વહેંચણીને લઈને ગંભીર મતભેદોઃ બીનભાજપી-બીનકોંગી ગઠબંધનની તૈયારી કરતા ચંદ્રશેખર રાવઃ મમતા બેનર્જીએ મહાગઠબંધનને આપ્યો આંચકોઃ તૃણમુલની બેઠકમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસની પણ ઝાટકણી કાઢીઃ કોંગ્રેસ પણ નારાજઃ રાહુલની ઈફતારમાં સપા ન સામેલ થતા અનેક શંકાકુશંકાઓ

નવી દિલ્હી, તા. ૨૨ :. મહાગઠબંધનના પ્રયાસોને પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જોરદાર આંચકો આપ્યો છે. પોતાના પક્ષ તૃણમુલ કોંગ્રેસની એક મહત્વની બેઠકમા તેમણે ભાજપ-કોંગ્રેસ અને સીપીએમ ઉપર તીખા તમતમતા પ્રહારો કર્યા હતા. મમતાએ આ દરમિયાન ભાજપને માઓવાદીઓ તરીકે પણ ઓળખાવ્યા હતા. મમતાએ ભાજપ, કોંગ્રેસ, માકપા અને માઓવાદીઓ ઉપર આરોપ મુકયો હતો કે બંગાળમાં તેઓએ તૃણમુલ કોંગ્રેસ વિરૂદ્ધ હાથ મિલાવ્યા છે. તેમણે કહ્યુ હતુ કે સીપીએમ ભાજપના ચરણોમાં પડી ગઈ છે અને ડૂબવાથી બચવા માટે તે તણખલાનો સહારો લઈ રહી છે તો કોંગ્રેસ દિલ્હીમાં ભાજપનો વિરોધ કરે છે અને અહીં તેની સાથે હાથ મિલાવી રહેલ છે. કોંગ્રેસના નિયમ અને સિદ્ધાંતો કયાં છે ? તેમણે કહ્યુ હતુ કે, સીપીએમ, માઓવાદીઓ અને ભાજપ એ બધા સમાજના કલંક છે.

તેમણે ભાજપ ઉપર આરોપ મુકયો હતો કે રાજ્યમાં મહત્વની ટકાવારી વધારવા માટે તે ઈવીએમ સાથે છેડછાડ કરી રહ્યુ છે. ઈવીએમ સાથે છેડછાડ કરવાની ભાજપની ટેવ છે. આપણે એલર્ટ રહેવુ પડશે અને સતત વોચ રાખવી પડશે. કેન્દ્ર સરકાર ઈવીએમ મશીન સાથે છેડછાડ કરે છે.

કયારેક કોંગ્રેસ પક્ષનો હિસ્સો રહેલ મુખ્યમંત્રી મમતા બેનર્જી અત્યંત સતર્ક છે. તેમણે રાજકીય પરિસ્થિતિ અંગે વાત કરતા ભાજપ, ડાબેરીઓ અને માઓવાદીઓની સાથે દેશના મુખ્ય વિપક્ષ કોેંગ્રેસ ઉપર પણ પ્રહાર કરતા તેને દેશનું સૌથી મોટુ કલંક ગણાવ્યુ હતું. તૃણમુલ કોંગ્રેસના આ વડાએ વિપક્ષો વચ્ચે ગુપ્ત ગઠબંધન થવાની વાત જણાવી હતી. તેમણે કહ્યુ હતુ કે ચાર માથા એક સાથે આવી રહ્યા છે. તેઓ પૈસા લૂંટવા, ચોરી કરવા અને આગ લગાડવા આવી રહ્યા છે.

મમતા બેનર્જી કયારેક કોંગ્રેસ પક્ષના સભ્ય હતા. તેમણે અલગ પક્ષ બનાવી કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો. તેઓ કાયમ સોનિયા ગાંધીને મળતા હોય છે. આમ છતા ૨૦૧૯માં ભાજપ વિરૂદ્ધ સંયુકત વિપક્ષના મોરચામાં કોંગ્રેસની હિસ્સેદારી પર તેઓ કોઈ ચોક્કસ વાત જણાવતા નથી. રાહુલની ઈફતાર પાર્ટીમા તેમણે પોતાના પક્ષના પ્રતિનિધિ તરીકે દિનેશ ત્રિવેદીને મોકલ્યા હતા, પરંતુ તેઓ કોેંગ્રેસથી હાલ તૂર્ત તો દૂર રહેવા માંગતા હોય તેવુ જણાય છે.

અત્રે નોંધનીય છે કે ચંદ્રશેખર રાવ બીનકોંગી અને બીનભાજપી મોરચાનો એજન્ડા તૈયાર કરવામાં લાગ્યા છે. ૨૦૧૯ની ચૂંટણી પહેલા મહાગઠબંધન રચવાના પ્રયાસોમાં તિરાડો જોવા મળી રહી છે. પીએમ મોદીના નેતૃત્વવાળા ભાજપ સામે પડકાર ઉભો કરવા મહાગઠબંધનની જરૂર છે, પરંતુ વિપક્ષોમાં આંતરીક મતભેદોને કારણે મહાગઠબંધનને હકીકત બનાવવાનો માર્ગ હાલતૂર્ત દેખાતો નથી. વિપક્ષોમાં બે પ્રકારની વિચારધારા ચાલી રહી છે. પહેલી વિચારધારા એ  છે કે કેન્દ્રમાં કોંગ્રેસ તરફથી ગઠબંધન બનાવવામાં આવે, બીજી વિચારધારામાં કોંગ્રેસ અને ભાજપ બન્નેથી અલગ રહી ત્રીજો મોરચો બનાવવામાં આવે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીની ઈફતાર પાર્ટીમાં સપાના કોઈ પ્રતિનિધિ નહી આવતા કોંગ્રેસ નારાજ છે. મહાગઠબંધનના માર્ગમાં બેઠકોની વહેંચણી પણ મોટો મુદ્દો છે. તાજેતરમાં મમતા બેનર્જી દિલ્હી આવ્યા હતા અને કેજરીવાલને સમર્થન આપ્યુ તેનાથી પણ કોંગ્રેસ નારાજ છે. કોંગ્રેસનું માનવુ છે કે આનાથી એ સંકેત ગયો છે કે વિપક્ષ એક જુથ નથી. સીપીઆઈના નેતા ડી.રાજાનું કહેવુ છે કે, બધા પક્ષોએ વ્યવહારીક દ્રષ્ટિથી કામ કરવુ જોઈએ અને ઉદારતા દાખવવી જોઈએ. વિપક્ષોના નેતાઓ એવુ પણ કહે છે કે અત્યારે મહાગઠબંધનની વાત કરવાનું ઉતાવળુ હશે.(૨-૪)

(12:22 pm IST)
  • જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો : હુમલામાં ૮ જવાન ઘાયલ થયા છે : સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને આતંકીઓ સામે કાર્યવાહી ચાલુ કરી હોવાનું જાણવા મળે છે access_time 4:44 pm IST

  • મુખ્યમંત્રી પદની દૌડમાં મારુ નામ માત્ર અફવા: વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકાર સ્થિર:વડોદરામાં કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ રૂપાલાએ પોતે મુખ્યમંત્રીની રેસમાં હોવાનું નકાર્યું ;છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે access_time 1:04 am IST

  • કાલે શનિવારે પેટ્રોલમાં લીટરે 9 પૈસા અને ડીઝલમાં 7 પૈસાનો ઘટાડો થશે :આજે શુક્રવારે પેટ્રોલમાં લીટરે 14 પૈસાનો ઘટાડો થયો હતો જયારે ડીઝલના ભાવ યથાવત રાખ્યા હતા:ઘટ્યા સવારે છ વાગ્યાથી લાગુ પડશે access_time 1:36 am IST