Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

સાવધાન ! દૂધીનો જ્યૂસ પીવાથી પુનાની મહિલાનું મોત

વોક કર્યા પછી દૂધીનો જ્યૂસ પીધો અને બગડી તબિયત

પુના તા. ૨૨ : દૂધીનો જયૂસ હૃદય માટે ઘણો જ સારો મનાય છે, પણ એ જ દૂધીનો જયૂસ એક મહિલા માટે મોતનું કારણ બની ગયો. મહારાષ્ટ્રના પુનામાં દુધીનો જયૂસ પીધાના થોડા સમય બાદ જ ૪૧ વર્ષની મહિલાનું મોત થઈ ગયું. જાણીને આશ્ચર્ય લાગે તેવી આ ઘટના છે, પણ હકીકતમાં બની છે. મહિલાએ પોતાની રૂટિન કસરત બાદ દૂધીનો જયૂસ પીધો હતો. જયૂસ પીધાના થોડા સમય બાદ મહિલાની તબીયત બગડવા લાગી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. જયાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું.

આ ઘટના વિશે જણાવતા મહિલાના એક સંબધીએ કહ્યું કે, તે ૧૨ જૂને સવારે લગભગ ૫ કિમી વોક કર્યા બાદ પોતાના ઘરે પહોંચી હતી. તે પછી મહિલાએ સવારે લગભગ ૯.૩૦ કલાકે પહેલેથી બનાવીને એક બોટલ ભરીને રાખેલો દૂધીનો જયૂસ પીધો હતો. જયૂસ પીધાના થોડા સમય બાદ જ મહિલાની હાલત બગડવા લાગી. તબીયત બગડવા પર ઉલટી અને ઝાડા થઈ જતા તેણે ઓફિસ જવાનું માંડી વાળ્યું. જોકે, ઘરે આરામ કર્યા બાદ પણ તેની તબીયત ન સુધરી. બપોર સુધીમાં તો મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, તે પછી તેને લગભગ દોઢ વાગ્યે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ લઈ જવામાં આવી.

હોસ્પિટલમાં લઈ જવાઈ એ દરમિયાન તે બેભાન થઈ ગઈ હતી. તે પછી અચાનક તેને હાર્ટ એટેક આવવાને કારણે તેની હાલત ઘણી ગંભીર થઈ ગઈ. હોસ્પિટલમાં ડોકટરોએ એ હાલતમાં તેને તરત જ વેન્ટિલેટર પર રાખી સારવાર શરૂ કરી, તે પછી આગામી બે દિવસોમાં તેની સ્થિતિ સુધરવા પણ લાગી. પરંતુ, ૧૫ જૂને અચાનક તેના મગજમાં રકત સ્ત્રાવ થવા લાગ્યો અને તે પછી શરીરના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું. આ હાલતમાં પણ ડોકટરોએ તેને બચાવવા શકય તમામ પ્રયાસો કર્યો. પણ, ૧૬ જૂનની મધરાતે મહિલાનું મોત થઈ ગયું.

આ ઘટના બાદ પુનાના ડોકટર કપિલ બોરાવકેએ કહ્યું કે, આવું પહેલી વખત નથી બન્યું કે, જયારે દૂધીનો જયૂસ પીવાથી કોઈનો જીવ ગયો હોય. તેમણે કહ્યું કે, દર વર્ષે આવા બે મામલા આવે છે. દર વખતે લોકોને એ સલાહ પણ આપવામાં આવે છે કે કોઈપણ જયૂસનો સ્વાદ કડવો કે અલગ લાગતો હોય તો તેનું સેવન ન કરો, પરંતુ પૂરતી જાગૃતિ ન હોવાના કારણે લોકોને એવું કરવાથી રોકી પણ નથી શકાતા. તેમણે જણાવ્યું કે, દૂધીના કડવા થઈ ગયેલા જયૂસમાં કેટલાક ઝેરીલા તત્વો ઉત્પન્ન થઈ શકે છે કે જે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા વર્ષ ૨૦૧૧૧માં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની એક એકસપર્ટ કમિટીએ પોતાના એક રિપોર્ટ બાદ લોકોને અપીલ કરી હતી કે, તે દૂધીના એવા જયૂસનું સેવન ના કરે જેનો સ્વાદ બદલાઈ ગયો હોય. કમિટીનું કહેવું હતું કે, એવું કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે અને ઘણી વખત લોકોનો જીવ પણ ખતરામાં પડી શકે છે.

(10:17 am IST)