Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ચારા કૌભાંડમાં લાલુ પ્રસાદને સજા સંભળાવનારા જજના ઘરે ચોરી

કાનપુર તા. ૨૨ : સીબીઆઈના વિશેષ જજ શિવપાલ સિંહના જાલોન સ્થિત ઘરમાં ચોરી થયાની ઘટના સામે એવી છે. શિવપાલ સિંહ રાંચી સ્થિત સીબીઆઈની સ્પેશયલ કોર્ટના જજ છે. ચારા કૌભાંડના એક મામલામાં જજ શિવપાલ સિંહે જ લાલુ યાદવને દોષી માનતા તેમને જેલની સજા સંભળાવી હતી. શિવપાલ સિંહનું ઘર ઉત્તર પ્રદેશના જાલોનમાં આવેલું છે. બુધવારે (૨૦ જૂને) મોડી રાત્રે ચોરોએ જાલોનના શેખપુર ખુર્દ ગામમાં આવેલા જજ શિવપાલ સિંહના પૈતૃક ઘરમાં ચોરી કરી હતી. ચોરોએ દરવાજો તોડ્યો અને ઘરેથી લગભગ ૨ લાખ રૂપિયાની રોકડ અને ૬૦ હજારના ઘરેણાં તોડીને ભાગી ગયા.

પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. જાલોન પોલીસે જણાવ્યું કે, આ ગામમાં જજ શિવપાલ સિંહના ભાઈ સુરેન્દ્ર રહે છે. બુધવારે રાત્રે સુરેન્દ્ર સિંહ ગરમી હોવાથી ઘરની છત પર પરિવારના અન્ય સભ્યો સાથે ઊંઘી રહ્યા હતા. ગુરૂવારે (૨૧ જૂને) સવારે ઘરના સભ્યો નીચે આવ્યા તો જોયું કે દરવાજો તૂટેલો પડ્યો છે અને ઘરનો સામાન વેર-વિખેર પડ્યો છે. ઘરના સભ્યોએ તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસનો દાવો છે કે, ચોરો ટૂંક સમયમાં જ ઝડપાઈ જશે. પોલીસને શંકા છે કે, આ ઘટનાને આસપાસના ચોરોએ જ અંજામ આપ્યો છે.

(10:16 am IST)