Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

સોશ્યલ મીડિયામાં ફેલાતા ખોટા સમાચારોને નાબુદ કરવા માટે આવા સમાચારોને ઓળખવા જરૂરીઃ મોટાભાગે આ સમાચારો વિદેશના હોય છે અને તેનું અેડીટીંગ કરવામાં આવે છે

મુંબઇઃ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફેક મેસેજની સમસ્યા ખુબ ગંભીર રુપ ધારણ કરી રહી છે. આવા ફેક ન્યુઝને કારણે લોકો હિંસા પર ઉતરી આવે છે. તમને ફેસબુક, વોટ્સએપ પર જે પણ ફોરવર્ડ મેસેજ કે ફોટો આવે તેના પર વિશ્વાસ કરતા પહેલા ચકાસો કે તે ખરેખર વાસ્તવિક છે કે નહીં.

તમને એવા ફોટો મળતા હશે જેમાં ક્રાઈમ સીન હોય અથવા તો કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોય. મોટાભાગે આ તસવીરો વિદેશની હોય છે, જે આર્મી હેલિકોપ્ટર ક્રેશ, એજ્યુકેશનલ વીડિયો અથવા જૂની મીડિયા રિપોર્ટમાંથી લેવામાં આવેલી હોય છે. કોઈ એક ગેંગનો ફોટો એડિટ કરવામાં આવે છે અને તેમને હત્યારા બતાવવામાં આવે છે. સીરિયા, બ્રાઝીલના યુદ્ધના દ્રશ્યોનો ઉપયોગ મહત્તમ થતો હોય છે. આ ફોટોમાં દેશના કોઈ પણ ગામ અને સમુદાયનું નામ લખીને વાયરલ કરવામાં આવે છે અને લોકોને ડરાવવામાં આવે છે કે હવે આ ટોળું તમારા વિસ્તારમાં આવીને હુમલો કરશે.

ઘણી વાર એક જ ફોટોને અનેક રીતે એડિટ કરીને અલગ અલગ કેપ્શન સાથે ફોરવર્ડ કરવામાં આવે છે. આવા મેસેજ ફોરવર્ડ કરનારા લોકોની ઓળખ કરવી ઘણી મુશ્કેલ હોય છે. તાજેતરમાં જ એવી ઘટનાઓ સામે આવી છે જેમાં આવા ફેક મેસેજને કારણે ભીડ દ્વારા નિર્દોષ લોકો સાથે મારપીટ કરવામાં આવી હોય.

આમ તો ફેક અને મૉર્ફ્ડ ફોટોની ઓળખ કરવી મુશ્કેલ છે, પરંતુ તમે આ રીતે ઓખળવાનો પ્રયત્ન કરી શકો છો. આવા કોઈ પણ ફોટોને Google Images પર અપલોડ કરો. ત્યારપછી સર્ચ પર ક્લિક કરો. આ ફોટોનો ઉપયોગ ક્યાં અને ક્યારે કરવામાં આવ્યો હતો તેનું આખું વિશ્લેષણ સામે આવશે.

રિયલ ફોટોની ક્વૉલિટી એકદમ હાઈ હોય છે. તમે ફોટોને ઝુમ કરશો અથવા ધ્યાનથી જોશો તો કદાચ તમને સમજાઈ જશે કે તે અસલી છે કે નકલી. જો કે આજકાલ ઈન્ટરનેટ પર એટલો કન્ટેન્ટ હોય છે કે ઓળખ કરવી લગભગ અશક્ય છે. માટે જો તમને શંકા હોય તો આવા મેસેજ બીજા કોઈને ફોરવર્ડ ન કરો. મેસેજ સાચો છે કે ખોટો જે જાણવાનો પ્રયત્ન કરો.

(12:00 am IST)