Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

નોર્થ કોરિયામાં છેલ્લા 24 કલાકમાં તાવનાં લક્ષણો ધરાવતા નવા 2,19,030 કેસ નોંધાયા

છેલ્લા બે વર્ષમાં પહેલીવાર ત્યાં સતત પાંચમા દિવસે નવા કેસોનો રાફડો ફાટયો

નોર્થ કોરિયામાં એપ્રિલમાં યોજાયેલી લશ્કરી પરેડ પછી પહેલીવાર કોરોનાની મહામારી ફાટી નીકળી હોવાનાં સંકેતો મળે છે.છેલ્લા 24 કલાકમાં તાવનાં લક્ષણો ધરાવતા નવા 2,19,030 કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. છેલ્લા બે વર્ષમાં પહેલીવાર ત્યાં સતત પાંચમા દિવસે નવા કેસોનો રાફડો ફાટયો છે. બીજી તરફ જાપાન, થાઇલેન્ડ અને યુકેમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. યુકેમાં કોવિડ એલર્ટ લેવલ ઘટાડવામાં આવ્યું છે. નોર્થ કોરિયાએ તાવ મટાડતી દવાઓ તેમજ મેડિકલ સાધનોનું ઉત્પાદન અને સપ્લાયમાં વધારો કર્યો છે. રહસ્યમય તાવનો સામનો કરવા આખા દેશમાં લૉકડાઉન લાદવામાં આવ્યું છે.

કોરોના મહામારી જેવી ગંભીર સ્થિતિ ત્યાં સર્જાઈ છે. અમેરિકાએ તેમાંથી બહાર આવવા તમામ પ્રકારની મદદની ઓફર કરી છે. અમેરિકાએ વેક્સિન પૂરી પાડવા પણ કહ્યું છે પણ નોર્થ કોરિયા તરફથી હજી કોઈ જવાબ મળ્યો નથી. હાલ નોર્થ કોરિયામાં 2 લાખથી વધારે કેસ નોંધાયા છે.

 

ચીનનાં ઝીરો કોવિડ પોલિસી છતાં કોરોનાના કેસ સતત ભરડો લઈ રહ્યા છે. શાંઘાઈ અને બેઇજિંગમાં તકેદારીનાં તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. ચીને કોરોનાને વધતો રોકવા ઝીરો કોવિડ પૉલિસી અપવાની છે આમ છતાં ત્યાં કેસમાં ઉછાળો આવી રહ્યો છે. બેઇજિંગમાં નાન્શિનયુઆન ક્મ્પાઉન્ડમાં 13,000 નેગેટિવ લોકોને ફરજિયાત ક્વોરન્ટાઇનમાં ધકેલવામાં આવ્યા છે. શાંઘાઈ અને બેઇજિંગ ઉપરાંત કેટલાક પ્રાંતમાં હજી લૉકડાઉન કડકપણે અમલમાં છે.

ચીનનાં પ્રેસિડેન્ટ શી જિનપિંગની ઝીરો કોવિડ પોલિસીની પોલ ખૂલી ગઈ છે. શાંઘાઈ અને બેઇજિંગ સહિત અનેક પ્રાંતમાં કોરોનાનાં ઢગલાબંધ કેસ મળી રહ્યા છે. સતત એક દોઢ મહિનાનાં લૉકડાઉન છતાં નવા કેસ આવી રહ્યા છે. પ્રતિબંધોથી કંટાળેલા લોકો દ્વારા મોટા શહેરોમાં ઠેરઠેર દેખાવો અને વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે. લોકો જિનપિંગ સરકારને રાજકીય રીતે જવાબદાર ઠરાવવા ઓનલાઈન ઝુંબેશ ચલાવી રહ્યા છે.

 

(12:31 am IST)