Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

પહેલા ઈંધણના દરોમાં બેહદ વધારો પછી નજીવો ઘટાડો કરવો તે યોગ્ય નથી :ઉદ્ધવ ઠાકરેના પ્રહાર

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું “કેન્દ્ર સરકારે બે મહિના પહેલા પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં 18.42 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો અને આજે 8 રૂપિયાનો ઘટાડો કર્યો ; કપાતમાં વધુ ઘટાડો કરવા માંગ

મુંબઈ :કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થયેલા ઘટાડા પર પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઝાટકણી કાઢી હતી. ઠાકરેએ કહ્યું કે પહેલા ઈંધણના દરોમાં બેહદ વધારો કરવાનો અને પછી તેમાં નજીવો ઘટાડો કરવાનો ડોળ કરવો તે યોગ્ય નથી. કપાતમાં વધુ ઘટાડો કરવા કેન્દ્ર સરકાર પાસે  માંગણી કરી છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, “કેન્દ્ર સરકારે બે મહિના પહેલા પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં 18.42 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો અને આજે તેમાં 8 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પણ 18.24 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને હવે તેમાં 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

“પહેલાં અતિશય દરે કિંમતો વધારવી અને પછી નજીવા દરો ઘટાડવાનો ડોળ કરવો એ યોગ્ય નથી,” તેમણે કહ્યું. મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશના નાગરિકોને ત્યારે જ ખરી રાહત મળશે જ્યારે છ-સાત વર્ષ પહેલા એક્સાઈઝ ડ્યુટી ઘટાડાઈ હતી.

નોંધનીય છે કે અગાઉ શનિવારે જ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર “પેટ્રોલ પરની કેન્દ્રીય આબકારી જકાત પ્રતિ લીટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર ઘટાડી રહી છે”. “આનાથી પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થશે,” તેમણે કહ્યું. તેમણે કહ્યું કે એક્સાઈઝ ડ્યુટીમાં આ ઘટાડાથી સરકારની આવક પર પ્રતિ વર્ષ લગભગ એક લાખ કરોડ રૂપિયાની અસર થશે.

(12:00 am IST)