Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ કાલથી અરુણાચલપ્રદેશની બે દિવસીય મુલાકાતે

અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે : LACના આગળના વિસ્તારોની કરશે સમીક્ષા

નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ કળથી અરુણાચલ પ્રદેશની બે દિવસીય મુલાકાતે જશે, જે દરમિયાન તેઓ અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તે ચીન-ભારત સરહદે આગળના વિસ્તારોમાં તૈનાત સુરક્ષા દળો સાથે પણ વાતચીત કરશે.

ગૃહમંત્રી આ દરમિયાન નાગરિક સમાજ સાથે પણ વાતચીત કરશે, કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે શાહની અરુણાચલ પ્રદેશની આ બીજી મુલાકાત છે. અગાઉ તેમણે 34માં રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેવા ફેબ્રુઆરી 2020માં પૂર્વોત્તર રાજ્યની મુલાકાત લીધી હતી. ત્યારે તેમની મુલાકાતનો ચીન દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે શાહ લોહિત જિલ્લાના વાકરો ખાતે ઋષિ પરશુરામની 51 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કરશે અને લગભગ 40 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.

શનિવારે શાહ તિરાપ જિલ્લાના નરોત્તમ નગર ખાતે રામકૃષ્ણ મિશન સ્કૂલના સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપશે. આ પછી તેઓ નમસાઈ જશે અને પરશુરામની પ્રતિમાનો શિલાન્યાસ કરશે. તે રવિવારે સામાજિક સંસ્થાઓને મળશે અને નમસાઈ જિલ્લાના તેંગાપાની પાસે ગોલ્ડન પેગોડામાં પ્રાર્થના કરશે. બાદમાં શાહ નમસાઈ જનરલ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધશે અને મહત્વના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ગૃહમંત્રી નમસાઈ ખાતે આર્મી, ITBP, SSB, આસામ રાઈફલ્સ, BRO અને નેશનલ હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL) ના કર્મચારીઓ સાથે સુરક્ષા અને વિકાસ સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે અને દિલ્હી જતા પહેલા તેમની સાથે લંચ લેશે.

શાહની અરુણાચલ પ્રદેશની મુલાકાત તેમના દેશવ્યાપી પ્રવાસનો એક ભાગ છે, જે દરમિયાન તેઓ અનેક જાહેર, રાજકીય અને સત્તાવાર કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. ગૃહમંત્રી આ મુલાકાત અંતર્ગત આસામ, તેલંગાણા, કેરળ અને ઉત્તરાખંડ ગયા છે અને અનુક્રમે 27 અને 28 મેના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાતની મુલાકાત લેશે.

(12:00 am IST)