Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

મહારાષ્ટ્ર - ગુજરાતમાં સતત વધે છે કેસ

ચિંતાજનક... ભારત કોરોના દર્દીઓના મામલે ઇટાલી - સ્પેનથી આગળ નીકળી ગયું

નવી દિલ્હી તા. ૨૨ : ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના સક્રિય દર્દીઓની સંખ્યા ઇટલી - સ્પેન કરતા વધારે થઇ ગઇ છે. દેશમાં ગુરૂવારે સક્રિય દર્દીઓનો આંકડો ૬૩૬૨૪ થઇ ગયો. જ્યારે ઇટલીમાં ૬૨૭૫૨ અને સ્પેનમાં ૫૪૭૬૮ સક્રિય દર્દીઓ છે. તો સક્રિય દર્દીઓ બાબતે ભારત પાંચમાં નંબરે પહોંચી ગયું છે. પહેલા નંબર પર અમેરિકા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ગુરૂવારના આંકડાઓ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૫૬૦૯ નવા દર્દીઓ આવ્યા અને ૧૩૨ લોકોના મોત થયા. કોરોના પોઝીટીવનો આંકડો ૧,૧૨,૩૫૯ ઉપર પહોંચ્યો છે. જ્યારે મોતનો આંકડો ૩૪૩૫ થઇ ગયો છે. કોરોના જંગ જીતીને સાજા થનારાઓની સંખ્યા ૪૫૩૦૦ થઇ છે.  મંત્રાલય અનુસાર, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધારે ચિંતાજનક સ્થિતિ છે. આ બંને રાજ્યોમાં કુલ બે હજારથી વધુ મોત થઇ ચૂકયા છે. મહારાષ્ટ્રમાં ૧૩૯૦ અને ગુજરાતમાં ૭૪૯ મોત થયા છે. ભારત માટે સારા સમાચાર એ છે કે અત્યાર સુધીમાં ૪૦.૩૨ ટકા દર્દીઓ સાજા થઇ ચૂકયા છે. મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં અત્યારે ૬૩૬૨૪ દર્દીઓની સારવાર ચાલે છે. જ્યારે ૪૫૨૯૯ સાજા થઇ ચૂકયા છે. મંત્રાલય અનુસાર ૭૦ ટકાથી વધારે મૃતકોને અન્ય બિમારીઓ હતી.  દિલ્હીમાં ગુરૂવારે સતત ત્રીજા દિવસે ૫૦૦થી વધારે કેસ જાહેર થયા. ગુરૂવારે એક જ દિવસમાં કોરોના સંક્રમણના ૫૭૧ કેસ આવ્યા. જે અત્યાર સુધીનો એક દિવસમાં સૌથી વધારે કેસ આવવાનો રેકોર્ડ છે. દિલ્હીમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧૧૬૫૯ થઇ ગઇ છે.

(11:04 am IST)