Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ઇવીએમ વિવાદ બાદ આજે હિંસાની દહેશત વચ્ચે એલર્ટ

ગૃહમંત્રાલય દ્વારા રાજ્યોને એલર્ટ કરાયા : કેટલાક વર્ગ દ્વારા હિંસા ફેલાવવાની દહેશત વચ્ચે એલર્ટ

નવી દિલ્હી, તા. ૨૨  : ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને લઇને મચી ગયેલા વિવાદ વચ્ચે મતગણતરીના દિવસે હિંસા થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે જેને લઇને કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ   રહેવાની સૂચના આપી છે. સાથે સાથે કેટલાક વર્ગ દ્વારા હિંસા ભડકાવવાના નિવેદન બાદ સાવચેતી રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે. તમામ રાજ્યોથી મતગણતરી સ્થળો ઉપર તથા ઇવીએમ સ્ટ્રોંગરુમ પર સુરક્ષા વધારવા માટે પગલા લેવા કહેવામાં આવ્યું છે. ગૃહમંત્રાલય દ્વારા એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે કે, મતગણતરીના દિવસે આવતીકાલે હિંસા થઇ શકે છે. આશંકા વચ્ચે તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ વડાઓને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી સ્ટ્રોંગરુમ અને કાઉન્ટિંગ સેન્ટરોની સુરક્ષા વધારવા માટે પુરતા પગલા લેવા કહેવામાં આવ્યું છે. અનેક વર્ગ દ્વારા હિંસા ભડકાવવા માટેના નિવેદન જારી કરવામાં આવી ચુક્યા છે. આ અવ્યવસ્થા ન ફેલાય તે માટે પગલા લેવા કહેવામાં આવ્યું છે. પૂર્વ કેન્દ્રીયમંત્રી અને રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહ કહી ચુક્યા છે કે, ઇવીએમ સાથે ચેડા અને સ્વેપિંગને લઇને કઇ વિગત સપાટી ઉપર આવશે તો તોફાનો થઇ શકે છે. હથિયાર ઉઠાવવાની જરૂર પડશે તો લોકો હથિયારો ઉઠાવશે. સોશિયલ મિડિયા ઉપર પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા પણ હિંસા ભડકાવવાવાળા પોસ્ટ રજૂ કર્યા છે. કેટલાક લોકોએ ઇવીએમની  ગાડીઓને ફુંકી મારવા જેવા ઉશ્કેરણીજનક નિવેદનો કર્યા છે.

(9:06 pm IST)