Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

IL&FS કટોકટી : નિર્દેશકો ઉપર વ્યાપક દરોડાથી ચકચાર

મુંબઈમાં જુદા જુદા સ્થળો ઉપર દરોડા પડ્યા : મની લોન્ડરિંગ સાથે સંબંધિત મામલામાં કાર્યવાહી કરાઈ

નવી દિલ્હી, તા. ૨૨ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કરોડો રૂપિયાના આઈએલ એન્ડ એફએસ લોન ચુકવણી ચુકથી જોડાયેલા મની લોન્ડરિંગના મામલામાં આજે મુંબઈમાં ઉંડી ચકાસણી હાથ ધરી હતી. અધિકારીઓએ માહિતી આપતા કહ્યું હતું કે, નિર્દેશકોના સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓના કહેવા મુજબ આઈએલએન્ડએફએસના ઓછામાં ઓછા ચાર નિર્દેશકોની ઓફિસો અને આવાસ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. ઇડીના આ દરોડાના કારણે ખળભળાટ મચી ગયો હતો. આ પહેલા તપાસ સંસ્થાઓએ આ મામલામાં ફેબ્રુઆરીમાં તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.

 તપાસ સંસ્થાએ આ પ્રકરણમાં મની લોન્ડરિંગ કાયદા હેઠળ કેસ દાખલ કર્યા બાદ દરોડાની પ્રક્રિયા હાથ ધરી હતી. તપાસ હજુ પણ બાકી છે. પુરાવા એકત્રિત કરવાના હેતુસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૂળભૂત માળખાકીય ક્ષેત્ર માટે લોન આપનાર કંપનીના લોન સંકટ એ વખતે વધુ ઘેરા બન્યા હતા જ્યારે ગ્રુપની કંપનીઓએ સપ્ટેમ્બર ૨૦૧૮માં લોનની ચુકવણી કરવામાં ભુલ કરી હતી. આઈએલએન્ડએફએસ પર કુલ ૯૧૦૦૦ કરોડ રૂપિયાનું દેવું થયેલું છે. આઈએલએન્ડએફએસ તેમજ તેમની સંબંધિત કંપનીઓએ સિડબી અને લોનની ચુકવણી કરવામાં નિષ્ફળતા મેળવી હતી. ઇડીનો મામલો દિલ્હી પોલીસની અપરાધ શાખા દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં કેસ દાખલ કરીને ઉંડી તપાસ શરૂ કરાઈ હતી. કંપની ગુરુગ્રામ મેટ્રો યોજના માટે ખાસ એકમ ઇઓડબલ્યુના એક અધિકારીએ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહીની શરૂઆત થઇ હતી. આઈએલએન્ડએફએસ કટોકટીને લઇને જંગી નાણાં ડુબવાનો ખતરો પણ રહેલો છે જેને લઇને ઇડી અને અન્ય તપાસ સંસ્થા તપાસ કરી રહી છે.

(8:34 pm IST)