Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

પોલ મુજબ જ પરિણામો તો બ્રાન્ડ વડાપ્રધાન નરેન્દ્રમોદી વધુ શક્તિશાળી

આતંકવાદ સામે વધુ કઠોર કાર્યવાહી થઇ શકશે : નોટબંધી અને જીએસટી જેવા અનેક વધારે કઠોર નિર્ણય અર્થતંત્રના હિતમાં લેવાશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રભુત્વ વધશે

નવી દિલ્હી, તા. ૨૨ : લોકસભાની ચૂંટણીના પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવનાર છે. પરિણામોને લઇને ભારે ઉત્સુકતા છે. જાણકાર લોકો માની રહ્યા છે કે, જો પરિણામો એક્ઝિટ પોલના તારણ મુજબ આવશે તો બ્રાન્ડ મોદીની તાકાત અનેકગણી વધશે. સાથે સાથે મોદી ભારતીય જનતા પાર્ટીમાં તથા એનડીએમાં વધારે પ્રભાવશાળી બનીને ઉભરી આવશે. સાથે સાથે નવી સરકારમાં વધુ કઠોર નિર્ણયો લેવાનો સિલસિલો શરૂ થશે. આવનાર પાંચ વર્ષોમાં દેશની દિશા નક્કી કરવામાં નવી સરકારની ભૂમિકા ચાવીરુપ રહેશે. બહુમતિ સાથે ૨૦૧૪માં સત્તા સંભાળ્યા બાદ મોદીએ પોતાના શાસનકાળમાં અનેક કઠોર નિર્ણયો અને અનેક સાહસી નિર્ણયો કર્યા હતા જે વિતેલા વર્ષોમાં સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં અગાઉ ક્યારે પણ લેવાયા ન હતા. એકબાજુ અર્થતંત્રને અસર કરે તે રીતે નોટબંધી અને જીએસટી જેવા ખુબ જ કઠોર નિર્ણયો લેવાયા હતા જેના લીધે સામાન્ય લોકો અને વેપારી વર્ગને માઠી અસર થઇ હતી. લાખો નાના કારોબારીને નુકસાન થયું હતું. આ પ્રકારના કઠોર પગલા છતાં મોદી દેશભરમાં તેમની લોકપ્રિયતા ટકાવી શક્યા હતા. આ કઠોર નિર્ણયો વચ્ચે દેશના લોકોને ગર્વ થાય તે રીતે વિદેશ નીતિના મુદ્દે ભારતનો ડંકો વિશ્વભરમાં રહ્યો હતો. અમેરિકા સહિતના દેશોએ ભારતના અવાજની નોંધ લીધી હતી. આતંકવાદ, યોગ સહિતના મુદ્દા ઉપર છેલ્લા પાંચ વર્ષના ગાળામાં  ઉલ્લેખનીય કામ થયું હતું. આતંકવાદના મુદ્દે મોદી સરકારે અતિ કઠોર વલણ અપનાવીને પાકિસ્તાનને વૈશ્વિક મોરચા ઉપર બિલકુલ અલગ કરી દેવા અને ચીનને પણ ખુલ્લુ પાડી દેવામાં સફળતા મેળવી હતી. ભારતે આ પાંચ વર્ષના ગાળામાં પાકિસ્તાનમાં બે વખત ઘુસીને હુમલા કરીને પોતાની તાકાતનો પરિચય આપ્યો હતો. આ ગાળા દરમિયાન પણ અમેરિકા, ફ્રાંસ, બ્રિટન સહિતના દેશો ભારત સાથે ઉભા રહ્યા હતા. કુખ્યાત આતંકવાદી મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં પણ ભારતે સફળતા મેળવી હતી. આવી સ્થિતિમાં આવનાર દિવસોમાં એક્ઝિટ પોલના તારણ મુજબ પરિણામ રહેશે તો ત્રાસવાદના મુદ્દા ઉપર ભારતને વધુ મોટી સફળતા મળી શકે છે. આતંકવાદી ગતિવિધિ હજુ સુધી સંપૂર્ણપણે બંધ થઇ નથી ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં દેશના તમામ ભાગોમાં કોઇ ત્રાસવાદી હુમલા થઇ શક્યા નથી. આવી સ્થિતિમાં આતંકવાદ ઉપર અંકુશ મુકવામાં સફળતા મળશે.

(7:49 pm IST)