Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ભારતમાં સરકારી ડોકટરો ૨ મીનીટમાં તપાસે છે દર્દીનેઃ બ્રિટનમાં સરકારી ડોકટરોને ૧૦ મીનીટ પણ ઓછી પડે છે

લંડનઃ. બ્રિટનના સરકારી ડોકટરોએ દર્દીઓને ચેક કરવા માટે વધુ પાંચ મિનીટનો સમય આપવાની માંગણી કરી છે. અત્યારે તેમને ૧૦ મીનીટનો સમય મળે છે. ડોકટરોનું કહેવું છે કે, રોગોની વધી રહેલી જટીલતાને જોતા દર્દીઓને આપવામાં આવતી ૧૦ મીનીટ પુરતી નથી.

ભારતમાં સરકારી ડોકટરો પાસે દરેક દર્દીને ચકાસવા માટે ૨ મીનીટનો સમય હોય છે. બ્રિટનની રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેકટીશ્નર્સે કહ્યું કે બ્રિટનમાં ૨૦૦૩ પછી લાંબી માંદગીવાળા દર્દીઓ પ્રતિ વર્ષ આઠ ટકાના દરે વધી રહ્યા છે. ગયા વર્ષે ઓકટોબરમાં સરકાર પણ સમયની અવધી વધારવા અંગે સમીક્ષા કરી મુકી છે. જેમાં સમય વધારવાની ભલામણ કરવામાં આવી છે.

જો કે એમ પણ કહેવાયુ છે કે પાંચ મીનીટનો સમય વધારવાથી ૩૦૦ અબજ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે. તેના માટે ૨૦ હજાર ડોકટરો અને નિષ્ણાંતોની ભરતી કરવી પડશે. કેમ્બ્રીજ યુનિવર્સિટી ના એક રીસર્ચ અનુસાર ૨૦૧૭માં બ્રિટનના દર્દીઓએ ડોકટરો સાથે સરેરાશ ૯.૨૨ મીનીટનો સમય ગાળ્યો હતો. ૯૨ ટકા ડોકટરોનું કહેવુ છે કે તેમની પાસે દર્દીઓને સારી રીતે તપાસવા માટે પુરતો સમય નથી હોતો.

(3:48 pm IST)