Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ભારત ખાતે નવા પાકીસ્તાની એલચી તરીકે મોઇન-ઉલ-હક

 ઇસ્લામાબાદઃ ભારત અને પાકિસ્તાન જેવા પરમાણું શસ્ત્રો ધરાવતા બે દેશો વચ્ચેની તંગદીલી વચ્ચે ભારતની નવી સરકાર સાથે ફરીથી મંત્રણા શરૂ કરવા પાકિસ્તાને આજે તેના નવા દૂત તરીકે મોઇન ઉલ હકની નિમણુંક કરી હતી. તેઓ નવી દિલ્હી ખાતે પાક.ના નવા હાઇ કમિશનર તરીકે ફરજ બજાવશે. વડા પ્રધાન ઇમરાન ખાને સોમવારે હક ઉપરાત અન્ય બે ડઝન ઉપરાંત એલચીઓની નિમણુંકને બહાલી આપી હતી.

પચાસ વર્ષની આસપાસના હક હાલમાં ફ્રાન્સ ખાતે સેવા બજાવે છે. અગાઉ તેમણે વિદેશ મંત્રાલય ખાતે ચીફ ઓફ પ્રોટોકોલ તરીકે સેવા બજાવી હતી. તેઓ ૧૯૮૭ માં પાક. વિદેશ સેવામાં જોડાયા હતા અને તેમને તુર્કી, કેનેડા તેમજ શ્રીલંકા જેવા દેશોમાં મૂકવામાં આવ્યા હતા.સોહેલ મેહમુદને એપ્રીલમાં પાક.ના નવા વિદેશ સચિવ નિમવામાં આવતા હાઇ કમિશનરની જગ્યા ખાલી પડી હતી.

વડા પ્રધાન ઇમરાન ખાન સાથે લંબાણપૂર્વકની ચર્ચા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાને જ નિમણુંકને બહાલી આપી હતી, એમ વિદેશ મંત્રી શાહ મેહમુદ કુરૈશીએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમારા માટે નવી દિલ્હી ભારત ખૂબ જ મહત્ત્વનું દેશ છે. મસલત કર્યા પછી મેં મોઇન ઉલ હકને ભારતના નવા હાઇ કમિશનર તરીકે નિમવા નિર્ણય કર્યો હતો.હાલમાં તેઓ ફ્રાન્સમાં છે, પરંતુ ટુંક સમયમાં તેઓ નવી દિલ્હી ખાતે ચાર્જ સંભાળી લેશે'એમ તેમણે કહ્યું હતું.

(3:47 pm IST)