Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

લોકોનો મુડ અને એકિઝટ પોલ મેચ થતા નથી, ત્રિશંકુ સંસદ રચાશે : ડો. તોગડિયા

ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે પ્રશ્નો : મોદીએ સાથી પક્ષો અને પ્રધાનોને જમવા બોલાવ્યા તે જ બતાવે છે કે તેઓ નબળા પડ્યા છે

રાજકોટ, તા. ૨૨ :. હિન્દુસ્થાન નિર્માણ દળના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડિયાએ લોકસભાની ચૂંટણી સંદર્ભે એકિઝટ પોલનુ તારણ અને લોકોનો મિજાજ એકબીજા સાથે બંધબેસતા ન હોવાનુ તારણ કાઢી તટસ્થ પરિણામ ત્રિશંકુ સંસદરૂપે હોવાની આગાહી કરી છે.

ડો. તોગડિયાએ જણાવેલ કે, એકિઝટ પોલ કયારેક સાચા અને કયારેક ખોટા પડયાના દાખલા છે. તેમાં મતદાન મથક દીઠ વધુમાં વધુ એક મતદારનો અભિપ્રાય લેવામાં આવતો હોય છે. ૨૦૦૪માં અટલજી વડાપ્રધાન હતા તે વખતે ચૂંટણી આવતા એકિઝટ પોલના તારણો ફરી અટલજીની સરકાર આવવાના તારણ આપતા હતા, પરંતુ તે વખતે કોેંગ્રેસના નેતૃત્વમાં યુપીએની સરકાર આવી હતી. અમેરીકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી વખતે લગભગ તમામ એકિઝટ પોલ હિલેરી કલીન્ટનને જીતતા બતાવતા હતા પરંતુ પરિણામ આવ્યુ ત્યારે ટ્રમ્પ વિજેતા થયા હતા. આ વખતે ૨૦૧૪ કરતા અલગ સ્થિતિ છે. લોકોનો મિજાજ અને એકિઝટ પોલ મેચ થતા નથી. જો મોદી જીતતા હોય તો ઈવીએમ માટે શંકાનો મિજાજ સોશ્યલ મીડીયામાં બને નહિ. ઈવીએમમાં ગરબડની વાતો અને વિડીયો ઘણુ કહી જાય છે. જો ચૂંટણીનુ પરિણામ તટસ્થ રીતે આવે તો ભાજપ ૧૭૦ની અંદર સમેટાઈ જાય અને ત્રિશંકુ સંસદ બને તેવુ મારૂ માનવુ છે.

ડો. તોગડિયાએ જણાવેલ કે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અનઅધિકૃત રીતે બટન દાબી બોગસ મતદાન કરાવતા હોવાનો વિડીયો ફરતો થાય છતા ચૂંટણી પંચ તેની સામે કોઈ પગલા ન ભરે તે બાબત ચૂંટણી પંચની વિશ્વસનિયતા સામે પ્રશ્ન ઉભા કરે છે. વડાપ્રધાન મોદીએ એનડીએના સાથી પક્ષો અને પોતાના પ્રધાનોને બોલાવી જમાડયા તે બાબત જ બતાવે છે કે તેઓ નબળા પડયા છે. શું પાંચ વર્ષમાં કયારેય મોદીએ આ પ્રકારે ભોજન સમારંભ રાખ્યો હતો ખરા ? આવતીકાલે ચિત્ર સામે આવી જશે.

(3:37 pm IST)