Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

પાકિસ્તાનના લોકો નથી ઇચ્છતા કે મોદી ફરી ભારતના વડાપ્રધાન બને

સર્જિકલ સ્ટ્રાઇક - એર સ્ટ્રાઇકથી હજી ફફડે છે લોકો

અમૃતસર તા. ૨૨ : ૧૭મી લોકસભાની ચૂંટણીના પરિણામને હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે. લગભગ તમામ એકિઝટ પોલ્સમાં એનડીએને બહુમતી મળતી હોવાની શકયતાઓ રજૂ કરવામાં આવી છે. આ બધાની વચ્ચે એક નવી વાત સામે આવી છે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની. લોકસભા ચૂંટણીના એકિઝટ પોલ વિરોધી પાર્ટીઓના માટે મોટી ચિંતાનો વિષય બની રહ્યો છે ત્યારે આવું જ કંઈક પાકિસ્તાનમાં પણ જોવા મળી રહ્યું છે. પાકિસ્તાનના નાગરિકોનું કહેવું છે કે, તેઓ નથી ઈચ્છતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી સત્તામાં આવે. આ પાછળનું કારણ વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણા પર સર્જિકલ સ્ટ્રાઈકથી ઉભી થયેલી ગભરામણ માનવામાં આવે છે.

મોટા ભાગના પાકિસ્તાની નાગરિકો નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર ફરી આવવા અંગેના મીડિયાના રિપોર્ટ્સના આધારે પોતાનો મત સોશિયલ મીડિયા દ્વારા રજૂ કરી રહ્યા છે. લાહોરના રહેવાસી શાહી આલમે એક પાકિસ્તાની ટીવી ચેનલને કહ્યું- 'મોદી સત્તામાં ના આવવા જોઈએ, તેમણે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરાવી.'

એક અન્ય વ્યકિત એઝાઝે કહ્યું- 'મને મોદીની બહુમતી સાથે ફરી સત્તામાં આવવા પર શંકા છે. મને વિશ્વાસ છે કે તેમને બહુમતી નહીં મળે જે પાકિસ્તાન માટે સારું છે.' જણાવી દઈએ કે, થોડા મહિના અગાઉ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે જો મોદી ૨૦૧૯ની ચૂંટણીમાં જીતે છે તો બન્ને દેશો વચ્ચે શાંતિવાર્તાને તક મળી શકે છે.

લંડનમાં રહેતા પાકિસ્તાની બિઝનેસમેન રિયાઝ કહે છે, 'પાકિસ્તાનમાં રહેતા લોકોના વિચાર વિદેશમાં રહેતા લોકોથી અલગ છે. અમારું માનવું છે કે મોદી સત્તામાં ફરી આવવા જોઈએ. આ પાકિસ્તાનની ધરતી પર સંચાલિત થનારા આતંકી સંગઠન માટે એક નિવારક તરીકે કામ કરશે અને પાકિસ્તાન સરકાર પર અમારી માતૃભૂમિથી આતંકવાદને ખતમ કરવાનું દબાણ કરશે.'

(3:23 pm IST)