Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

આ વર્ષે અલનિનો નબળુ પણ વરસાદ નોર્મલ આસપાસ રહેશે

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગામી ત્રણેક દિવસમાં ઉત્તર આંદામાનના દરિયામાં પહોંચી જશે : આગામી દિવસોમાં ગરમીનો પારો ૪૨-૪૩ ડિગ્રી આસપાસ રહેશે : અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર

રાજકોટ, તા. ૨૨ : હાલમાં દેશભરમાં ગરમીનું મોજું ફરી વળ્યુ છે. તો તેમાં સૌરાષ્ટ્ર-ગુજરાત પણ બાકાત નથી. તાપ સાથે અસહ્ય બફારાનો અનુભવ થઈ રહ્યો છે. સૌ કોઈ હવે ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યા છે ત્યારે આ વર્ષે અલનીનો વિશે વિવિધ ફોરકાસ્ટ મોડલો પોતાના અભિપ્રાય આપી રહી છે. ભારતીય હવામાન ખાતાએ કહ્યું છે કે આ વર્ષે અલનીનો વીક રહેશે. દેશમાં ચોમાસુ નોર્મલ આસપાસ જ રહેશે.

સામાન્ય રીતે અલનીનોના ત્રણ પ્રકાર હોય છે. વીક, મોડ્રેડ અને સ્ટ્રોંગ. સામાન્ય રીતે અલનીનોની દરેક વર્ષોમાં અલગ - અલગ ઈફેકટ જોવા મળતી હોય છે અને તેની તીવ્રતા પણ અલગ પ્રકારની હોય છે. આ વર્ષે અલનીનો વીક એટલે કે રહેશે આમ છતાં વરસાદ નોર્મલ આસપાસ જ રહેશે.

આંકડા મુજબ જોઈએ તો ૧૯૭૭ બાદ અલનિનોની અસર એક જ વખત પડી ન હતી. ૧૯૮૭માં સ્ટ્રોંગ હતું. માઈનસ ૧૯ ટકા, ૧૯૯૧માં (મોડ્રેડ) માઈનસ ૯.૭%, ૧૯૯૭માં (સ્ટ્રોંગ) +૨.૨ ટકા વધુ વરસાદ. ૨૦૦૨માં (મોડ્રેડ) માઈનસ ૧૯ ટકા, ૨૦૦૪માં (વીક) માઈનસ ૧૪ ટકા, ૨૦૦૯માં (મોડ્રેડ) માઈનસ ૨૨ ટકા અને ૨૦૧૫માં (સ્ટ્રોંગ) જે માઈનસ ૧૪ ટકા વરસાદ ઓછો થયો હતો.

હાલમાં ગરમીનું પ્રમાણ રહેશે. મહત્તમ તાપમાન ૪૨-૪૩ ડિગ્રી આસપાસ રહેશે. પવનનું જોર પણ રહેશે. ભારતીય હવામાન ખાતુ કહે છે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ આંદામાનમાં પહોંચી ગયુ છે. જે આગામી બે - ત્રણ દિવસમાં ઉત્તર આંદામાનના દરિયામાં પહોંચી જશે.

(1:25 pm IST)