Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ : બે નાલાયકો ઠાર

હજુ પણ અમુક આતંકીઓ આ વિસ્તારમાં છૂપાયા હોવાની આશંકાઃ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને તપાસ અભિયાન શરૂ કર્યું

શ્રીનગર તા. ૨૨ : દક્ષિણ કાશ્મીરના બડગામના ચાડૂરા પાસે આવેલા ગોપાલપોરા-કુલગામમાં મંગળવારે રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયાના સમાચાર પ્રાપ્ત થયા છે. હજુ પણ અમુક આતંકીઓ આ વિસ્તારમાં છૂપાયા હોવાની માહિતી મળી છે. સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરીને તપાસ અભિયાન શરૂ કર્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે સુરક્ષાદળોને માહિતી મળી હતી કે દક્ષિણ કાશ્મીરના ગોપાલપોરા-કુલગામ વિસ્તારમાં અમુક આતંકીઓ છૂપાયા છે. ગુપ્ત જાણકારી બાદ સુરક્ષાદળોએ ગોપાલપોરા અને કુલગામાના અનેક વિસ્તારોને ઘેરી લીધા હતા. સુરક્ષાદળો તમામ ઘરની તપાસ કરી રહ્યા હોવાની ભાળ આતંકીઓને મળી ગઈ હતી. સુરક્ષાદળોને પોતાની તરફ આવતા જોઈને આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. ભારતીય જવાનોએ જવાબમાં ફાયરિંગ કર્યું હતું. બંને તરફથી થયેલા ગોળીબારમાં બે આતંકીઓનું મોત થયું છે. બુધવારે સવાર સુધી અથડામણ ચાલુ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં છૂપાયેલા અમુક આતંકીઓ સતત ફાયરિંગ કરી રહ્યા છે.

નોંધનીય છે કે ગત દિવસોમાં અલગ અલગ જગ્યાએ થયેલી અથડામણમાં ૧૦થી વધારે આતંકીઓ માર્યા ગયા છે. પુલવામા અને શોપિયામાં ગુરુવારે આતંકીઓએ સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં છ આતંકીઓ માર્યા ગયા હતા. આ જ રીતે દક્ષિણ કાશ્મીરના પુલવામાના પંજાગામ સેકટરમાં આતંકીઓ અને ભારતીય સુરક્ષાબળો વચ્ચે શનિવારે અથડામણ થઈ હતી. સુરક્ષાબળોએ ત્રણ આતંકીઓને ઘેરી લીધા હતા, ત્રણેય આતંકીઓને સેનાના જવાનોએ ઠાર કર્યા હતા.

(11:36 am IST)