Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

કાર ડિસ્કાઉન્ટ ઓફર મામલે મારૂતી વિરૂદ્ધ CCI દ્વારા તપાસ

ડીલરો માટે છૂટની સીમા નક્કી કરી જેનાથી ગ્રાહકોને નુકસાન

નવી દિલ્હી, તા. ૨૨ :. ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (સીસીઆઈ), દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતી સુઝુકી વિરૂદ્ધ અનુચિત રીતભાત અપનાવવાના આરોપોની તપાસ કરી રહ્યુ છે. સૂત્રો અનુસાર કંપની પર આરોપ છે કે તેણે ડીલરો માટે છૂટની મર્યાદા નક્કી કરી હતી જેના લીધે તેમની વચ્ચેની પ્રતિસ્પર્ધા સમાપ્ત થઈ ગઈ અને તેનાથી ગ્રાહકોને નુકસાન થયું. જો ડીલરો પર કંપનીનું દબાણ ન હોત તો ગ્રાહકોને ફાયદો થાત. જાપાનની સુઝુકી મોટર કોર્પની ભાગીદારી વાળી મારૂતી ભારતમાં જાણીતી બ્રાંડ છે કંપનીમાં સુઝુકીની ૫૧ ટકા ભાગીદારી છે. ગયા નાણાકીય વર્ષમાં મારૂતીએ ૧૭.૩ લાખ વાહનો વેચ્યા અને તેના દેશભરમાં ૩૦૦૦ ડીલરો છે.

એ સ્પષ્ટ નથી થયું કે મારૂતીએ આવુ કયા સમયગાળામાં કર્યુ હતુ પણ આ બાબતની માહિતી ધરાવતા એક સૂત્રએ કહ્યું કે સીસીઆઈ લગભગ દસ મહિના માટે આ આરોપોની તપાસ કરી રહ્યુ છે. આ અંગે કોઈ અંતિમ નિર્ણય નથી લેવાયો અને આ અંગે કોઈ માહિતી જાહેર નથી થઈ. મારૂતિ સુઝુકી અને સીસીઆઈ દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. વાહન નિર્માતા કંપનીઓ ડીલરોને હોલસેલ કિંમતે કાર વેચે છે. ડીલરો પછી ગ્રાહકોને ઉંચી કિંમતે કાર વેચે છે. જેમાં તેમનુ કમિશન પણ સામેલ હોય છે. છૂટ આપવાનું તથા ઓછો નફો લેવાનું ડીલરો પર આધાર રાખે છે. સૂત્રોએ કહ્યું કે ઘણીવાર કાર નિર્માતા કંપનીઓ ડીલરો માટે છૂટની મર્યાદા નક્કી કરી આપે છે જેથી તેમના વચ્ચે કોઈ સ્પર્ધા ન થાય, પણ કાયદા અનુસાર જો તેના લીધે દેશમાં પ્રતિસ્પર્ધા પર અસર થતી હોય તેના પર મનાઈ થઈ શકે.

૨૦૧૭માં સીસીઆઈએ દક્ષિણ કોરીયાની કંપની હ્યુડાઈના ભારતીય એકમ પર ૧.૨૫ કરોડનો દંડ ફટકાર્યો હતો. કંપની ઉપર પ્રતિસ્પર્ધા નિયમોના ઉલ્લંઘનનો આરોપ હતો. સીસીઆઈને પોતાની તપાસ અધિકતમ છૂટની મર્યાદા નક્કી કરી દીધી હતી.

(11:33 am IST)