Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ઇસરોની ઉંચી ઉડાનઃ રિસેટ-૨બીનું પ્રક્ષેપણ

ગાઢ વાદળો અને મૂશળધાર વરસાદમાં પણ દુશ્મનો ઉપર નજર રાખી શકાશેઃ કુદરતી આફત વખતે યોગ્ય માહિતી મળશે : આજે સવારે શ્રી હરિકોટાથી ઉપગ્રહનું સફળતાપૂર્વક અવકાશ ગમનઃ ઇસરો ઉપર અભિનંદનની વર્ષા

શ્રી હરિકોટા, તા.૨૨: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (ISRO) બુધવારે રિસેટ-2B ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ કરી ફરી એકવાર ઈતિહાસ રચી દીધો છે. તમિલનાડુના શ્રીહરીકોટાથી રિસેટ-2B ઉપગ્રહનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું. આ પ્રક્ષેપણ પીએસએલવી-સી46થી કરવામાં આવ્યું. આ પ્રક્ષેપણ એ કારણે મહત્વપૂર્ણ છે કારણ કે તે રિસેટ સેટેલાઇટનો ચોથો ઉપગ્રહ છે. તેની મદદથી દુશ્મનો પર નજર રાખવી અને ડિઝાસ્ટરના સમયે સાચી જાણકારી એકત્ર કરવી સરળ થઈ જશે. રિસેટની સેવાને ધ્યાનમાં રાખતા ૩૦૦ કિલોગ્રામનો રિસેટ-2B સેટેલાઇટની સાથે સિન્થેટિક અપર્ચર રડાર (SAR) ઇમેજરને પણ મોકલવામાં આવ્યું છે.

ISRO ના જણાવ્યા મુજબ, વાદળ હોવાના કારણે રેગ્યુલર રિમોટ સેન્સિંગ કે ઓપ્ટિકલ ઈમેજિંગ સેટેલાઇટ ધરતી પર થઈ રહેલી નાની ગતિવિધિઓની યોગ્ય સ્થિતિ નથી જોઈ શકતા. સિન્થેટિક અપર્ચર રડાર (SAR)આ ખામીને દૂર કરશે. તેની મદદથી ઘેરા વાદળ છવાયેલાં હોય કે જોરદાર વરસાદ પડી રહ્યો હોય કે પછી રાતનું અંધારું હોય, તે સાચી તસવીર જાહેર કરશે. તેનાથી ડિઝાસ્ટરના સમયે રાહત પહોંચાડવી અને સુરક્ષાદળોને દુશ્મનોના ઠેકાણાઓની સાચી જાણકારી મેળવવામાં સરળતા રહેશે.

મળતી માહિતી મુજબ, ISRO પોતાના નવા ઉપગ્રહને 555 કિલોમીટરની ઊંચાઈ પર સ્થાપિત કરશે. સીસેટ-2 ના લગભગ સાત વર્ષ બાદ ભારતીય-રડાર ઇમેજિંગ ઉપગ્રહોની સીરીઝમાં રીસેટ-2B નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

ISRO આવનારા સમયમાં ઓછામાં ઓછા ૬ સેટેલાઇટ લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. તેમાં રિસેટ-2BR1, રિસેટ-2BR2, રિસેટ-1A, રિસેટ-1B, રિસેટ-2A મુખ્ય છે. તેમાંથી મોટાભાગના સેટેલાઇટ દુશ્મન દેશોની ગતિવિધિ પર નજર રાખી શકશે અને તસવીરોના માધ્યમથી સેનાને સાચી માહિતી પૂરી પાડવામાં મદદરૂપ સાબિત થશે.

(11:32 am IST)