Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ઇવીએમને લઇ વિવાદથી પ્રણવ મુખર્જી ભારે ચિંતિત

શંકા કોઇપણ પ્રકારની ન હોવી જોઇએ

નવી દિલ્હી, તા.૨૧ : લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા એક્ઝિટ પોલના તારણ આવ્યા બાદ વિરોધ પક્ષો પરેશાન દેખાઈ રહ્યા છે. એકબાજુ ૨૧ વિરોધ પક્ષોના નેતાઓએ આજે ચૂંટણી પંચ સાથે મળીને પોતાની રજૂઆત કરી હતી. બીજી બાજુ આશંકા અને આરોપોના માહોલ વચ્ચે પૂર્ણ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ મતદારોના ચુકાદા સાથે ચેડાના અહેવાલો ઉપર ચિંતા વ્યક્ત કરી હતી. એક નિવેદન જારી કરીને પ્રણવ મુખર્જીએ કહ્યું છે કે, ઇવીએમ જે ચૂંટણી પંચની કસ્ટડીમાં છે તેમની સુરક્ષા અને રક્ષણની જવાબદારી ચૂંટણી પંચની છે. પ્રણવ મુખર્જીએ કહ્યું છે કે, આ પ્રકારની અટકળબાજી માટે કોઇ સ્થાન હોઈ શકે નહીં. જે અમારા લોકતંત્રને પડકાર ફેંકી શકે તે બાબત હોવી જોઇએ નહીં. પ્રણવ મુખર્જીએ ઉમેર્યું હતું કે, જનાદેશ પવિત્ર છે. જનાદેશને લઇને કોઇપણ પ્રકારની શંકા હોવી જોઇએ નહીં. પ્રણવ મુખર્જીએ એમ પણ કહ્યું હતું કે, પોતાની સંસ્થાઓ ઉપર મક્કમ વિશ્વાસની સાથે સાથે આ તેમનો અભિપ્રાય છે કે, કામ કરનાર લોકો જ છે જે નિર્ણય કરે છે તે સંસ્થાગત સાધનો કઈ રીતે કામ કરે. આ સંદર્ભમાં સંસ્થાગત અખંડતાની ખાતરી કરવાનું કામ ચૂંટણી પંચનું રહેલું છે. આના માટે કોઇપણ પ્રકારની શંકા હોવી જોઇએ નહીં. એક્ઝિટ પોલ બાદ વિરોધ પક્ષો હચમચી ઉઠ્યા છે.

(12:00 am IST)