Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવા શાહના સંકેત

એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની પણ તૈયારીઃ એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો ઉપરાંત અન્ય કેટલાક પગલા ઉપર સક્રિય વિચારણા : સરકાર ગંભીર : અમિત શાહ

નવીદિલ્હી, તા.૨૨ : દેશમાં પેટ્રોલ અને ડિઝલની વધતી જતી કિંમતોને લઇને સામાન્ય લોકોમાં નારાજગી છે ત્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે કહ્યું હતું કે, સરકાર પેટ્રોલ ડીઝલમાં વધતી જતી કિંમતોને લઇને ચિંતાતુર છે. આને લઇને ગંભીરતા પણ દાખવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન ઓઇલ કંપનીઓ સાથે મિટિંગ કરી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોને ઘટાડવા માટેના તમામ વિકલ્પો ઉપર વિચારણા થઇ રહી છે. અમિત શાહે સંકેત આપ્યા બાદ કિંમતોમાં હવે ઘટાડો થઇ શકે છે. મળેલી માહિતી મુજબ આ સપ્તાહમાં જ કિંમતોને કાબૂમાં લેવા પગલા લેવાશે. સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવાથી જ કામ ચાલશે નહીં.

બીજા પગલા પણ લેવામાં આવનાર છે. કેન્દ્ર અને રાજ્યોને વેટમાં ફેરફાર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં ભાવ વધારને અંકુશમાં લેવા માટે બનતા તમામ પ્રયાસ કરી રહી છે. પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્રપ્રધાને આજે કહ્યું હતું કે, કયા પગલાં લેવા જોઈએ તે દિશામાં પણ સરકાર વિચારી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે નવી દિલ્હી અને ફાઈનાન્સિયલ હબ ગણાતા મુંબઈમાં પેટ્રોલ અને ડિઝલની કિંમત રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે. છુટક કિંમતો રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પેટ્રોલ પંપ ઉપર કિંમતો રોકેટગતિથી વધી રહી છે. ક્રુડ ઓઈલ માટે આંતરરાષ્ટ્રીય માર્કેટ પર ભારતને આધારિત રહેવાની ફરજ પડે છે. વર્ષ ૨૦૧૪ બાદથી સૌથી ઉંચી સપાટી ક્રુડ ઓઈલની થઈ ગઈ છે. ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્ષપોર્ટીંગ કન્ટ્રી દ્વારા પેટ્રોલિયમ પેદાશોમાં કાપ મુકવામાં આવ્યા બાદ સ્થિતિ વણસી રહી છે. ધર્મેન્દ્ર પ્રધાને સંબોધનમાં કહ્યું હતું કે જુદા જુદા વિકલ્પો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ટુંક સમયમાં જ પેટ્રોલિયમ પેદાશો પર અંકુશ માટે કોઈ નવી રણનીતિ તૈયાર કરવામાં આવશે.

(10:00 pm IST)