Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

જમ્મુ-કાશ્મીરમાં સદભાવના માટે યોજાયેલ ઇફતાર પાર્ટીઅે ઝઘડાનું સ્‍વરૂપ ધારણ કર્યુંઃ ફાયરિંગમાં ચાર કિશોરીઓને ઇજાઃ સ્‍થાનિકોઅે આર્મીની બિરીયાની પાર્ટી સ્‍વીકારવાનો ઇન્‍કાર કરતા મામલો બીચક્યો

જમ્‍મુ-કાશ્‍મીરઃ જમ્‍મુ-કાશ્મીરમાં આર્મી દ્વારા આયોજીત ઇફ્તાર પાર્ટીમાં અંધાધૂંધ ફાયરિંગ થતા ૪ કિશોરીઓને ઇજા પહોંચી હતી. જેઓને તાબડતોબ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે ફાયરિંગમાં ઘાયલ થયેલી છોકરીઓની ઉંમર 15થી 17 વર્ષની છે. ચારેય છોકરીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેમની હાલત સ્થિર છે.

આર્મીએ દક્ષિણ કાશ્મીરના શોપિયાન જિલ્લાના ડીકે પોરા ગામમાં એક ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. કાશ્મીર ખીણમાં શાંતિ જાળવી રાખવાના આર્મીના પ્રયાસના ભાગરૂપે સદભાવના માટે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જોકે, સ્થાનિકોએ આર્મીની બિરયાની પાર્ટી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જેના કારણે ગામમાં અંધાધૂંધી અને ઝઘડો થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આર્મીની સદભાવના પાર્ટીમાં સામેલ થવાને બદલે અમુક દુર્જન લોકોએ આર્મી પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેના જવાબમાં આર્મીએ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.

જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસ.પી. વૈદે જણાવ્યું હતું કે, 'આ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. આર્મી તરફથી આ સારો સંકેત હતો, પરંતુ તેમના આયોજનમાં થોડી કચાસ હતી. મને લાગે છે કે ઇફ્તાર પાર્ટી કેમ્પની અંદર પણ યોજી શકાતી હતી. '

કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા થોડા વર્ષોથી આર્મી અને સ્થાનિક લોકોના સંબંધો વણસેલા છે. સુરક્ષા જવાનો જ્યારે પણ કોઈ આતંકી સામે કાર્યવાહી કરે છે ત્યારે સ્થાનિક લોકો તેમના કાર્યમાં વિઘ્નો ઉભા કરે છે. અનેક વખત આર્મી પર પથ્થરમારો કરવામાં આવ્યાના બનાવો બનતા રહે છે. એન્કાઉન્ટર ચાલુ હોય તેવી સ્થિતિમાં પણ સ્થાનિક લોકો આર્મીને ઘેરી વળતા હોય છે.

2016માં હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાણીના એન્કાઉન્ટર બાદ અત્યાર સુધી સુરક્ષા જવાનો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં 200 નાગરિકો માર્યા ગયા છે, તેમજ અસંખ્ય લોકો ઘાયલ થયા છે. હોસ્પિટલ્સના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે પેલેટ્સ ગનના ઉપયોગથી 1500થી વધારે લોકોની આંખમાં ઈજા પહોંચી છે.

ગયા અઠવાડિયે નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે ત્યાંના સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી. કાશ્મીર મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે કાશ્મીરનો મુદ્દો કાશ્મીરીઓને ગળે લગાડીને જ ઉકેલી શકાય છે.

મોદીએ કહ્યું હતું કે, 'ખરાબ વ્યવહાર અને ગોળીથી કાશ્મીરનો મુદ્દે નહીં ઉકેલી શકાય. દરેક કાશ્મીરીની ગળે લગાડીને જ આ મુદ્દાનું સમાધાન લાવી શકાશે.' પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમણે આર્મીને હવે પછી હિંસાની શક્યતા હોય તેવા વિસ્તારોમાં ઇફ્તાર પાર્ટીનું આયોજન નહીં કરવાની સૂચના આપી છે.

(7:42 pm IST)
  • લોકશાહી બચાવવા તમામ પક્ષોએ એકજુથ થવું જરૂરી :2019માં ભાજપને હરાવવા આમઆદમી પાર્ટી તમામ વિપક્ષ સાથે મળીને લડશે :આજે બંધારણ ખતરામાં છે અને તેને બચાવવું સમયની માંગ છે :આપના સાંસદ સંજયસિંહએ કહ્યું કે કુમારસ્વામીના શપથ સમારોહમાં આપ પાર્ટી જોડાશે access_time 1:38 am IST

  • ૫ વર્ષમાં ખાનગી બેંકોના ૧ લાખ કરોડ ડૂબ્યાઃ આઈસીઆઈસીઆઈ, એકિસસ બેંક, એચડીએફસી વગેરે બેંકોનો સમાવેશ access_time 11:17 am IST

  • જામિયા મિલિયા ઇસ્લામિયાની સત્તાવાર વેબસાઈટ આખો દિવસ હેક રહ્યાં બાદ પૂજાએ લખ્યું ''સોરી આઈ હેવ બોયફ્રેન્ડ '' : હેકરે આખું હોમપેઝ કાળું કરી નાખ્યું હતું અને તેના પર ''હેપ્પી બર્થડે પૂજા ''લખી નાખ્યું હતું :સ્ક્રીનની નીચે લાલા રંગમાં નાના અક્ષરે લખ્યું ' યોર લવ ' :આ વખતે પૂજા દ્વારા મેસેજ લકહાયો 'સોરી ' આઈ હેવ બોયફ્રેન્ડ'' access_time 1:24 am IST