Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

તમિળનાડુ : કોપર પ્લાન્ટના વિરોધમાં હિંસા, ૧૨ના મોત

લાઠીચાર્જ કરવા, ટીયરગેસના સેલ છોડવા ફરજ : અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી : કલમ ૧૪૪ લાગૂ કરાઈ : સ્થિતિ વિસ્ફોટક : સુરક્ષા કર્મી સાથે સંઘર્ષ

તુતીકોરિન,તા. ૨૨ : તમિળનાડુના તુતીકોરિનમાં વેદાંતા સ્ટરલાઇટ કોપર યુનિટની સામે ચાલી રહેલા પ્રદર્શને આજે હિંસક વળાંક લઇ લીધો હતો. આ પ્રદર્શનમાં હજુ સુધી ૧૨થી વધુ લોકોના મોત થઇ ગયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. સ્ટરલાઇટથી થનાર પ્રદૂષણને ધ્યાનમાં લઇને સ્થાનિક લોકો છેલ્લા ઘણા મહિનાથી સ્ટરલાઈટ કોપર યુનિટનો વિરોધ કરી રહ્યા હતા. ઘટનામાં માર્યા ગયેલા ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા છે. સમગ્ર શહેરમાં વિસ્ફોટક સ્થિતિ પ્રવર્તી રહી છે. લોકોના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં લઇને પોલીસે સીઆરપીસીની કલમ ૧૪૪ લાગૂ કરીને સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા છે. નોંધનીય છે કે, મદ્રાસ હાઈકોર્ટના આદેશ મુજબ સ્ટરલાઈટ કોપર યુનિટને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. મંગળવારના દિવસે યુનિટના વિરોધમાં પ્રદર્શન કરી રહેલી ભીડ અચાનક ઉગ્ર બની ગઈ હતી અને સુરક્ષા કર્મીઓ સાથે મારામારી કરવામાં આવી હતી. લોકોએ પોલીસના અનેક વાહનોને પણ ટાર્ગેટ બનાવ્યા હતા. પોલીસે સ્થિતિ બગડવાની સ્થિતિને ધ્યાનમાં લેતા ટીયરગેસના સેલ છોડ્યા હતા જેથી ભાગદોડ મચી ગઈ હતી. આ ભાગદોડમાં ૨૦થી પણ વધારે લોકો ઘાયલ થયા હતા. નારાજ થયેલા લોકોએ અનેક વાહનોને આગચાંપી દીધી હતી. બીજી બાજુ પ્લાન્ટના વિસ્તારની સામે શહેરના જુના બસ સ્ટેન્ડમાં લોકોએ શાંતિપૂર્ણરીતે દેખાવો કર્યા હતા. તમિળનાડુ સરકારે પ્રદર્શન દરમિયાન મૃત્યુ પામનાર લોકોના પરિવારના સભ્યોને ૧૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.  સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઘાયલ થયેલા લોકોને ત્રણ લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે આ ઘટના માટે તપાસ માટે આદેશ કરી દીધા છે. આના માટે એક પંચની પણ રચના કરવામાં આવી ચુકી છે. મળેલી માહિતી મુજબ અહીં સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીને બંધ કરવા માટે લોકો ૧૦૦ દિવસથી પણ વધુ સમયથી દેખાવો કરી રહ્યા હતા. લોકોએ જાહેરાત કરી હતી કે, મંગળવારના દિવસે તેઓ માર્ચ યોજશે. તુતીકોરિનના જિલ્લા અધિકારી એન વ્યકંટેક્સને મળશે. આજે મોટી સંખ્યામાં લોકો લેડી ઓફ સ્નો ચર્ચની નજીક એકત્રિત થયા હતા. દેખાવકારોની એક ટોળકી મદાથુર ગામથી રવાના થઇ હતી. આગળ વધતાની સાથે જ આ માર્ચમાં સામેલ રહેલા લોકો હિંસા ઉપર ઉતરી આવ્યા હતા. પોલીસે તેમને પરત જવા માટે કહ્યું હતું. આનું પરિણામ વધુ હિંસામાં ફેરવાઈ ગયું હતું. દેખાવકારોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. પહેલા તો પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો. ત્યારબાદ ટોળા ઉપર તેની કોઇ અસર ન થતાં ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા. ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા ત્યારે દેખાવકારોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. ચેન્નાઈમાં મત્સ્યમંત્રી ડી જયકુમારે કહ્યું છે કે, તેઓ કલેક્ટરની ઓફિસમાં ઘુસવાના પ્રયાસ કરી રહ્યા હતા અને હિંસા ઉપર ઉતરી રહ્યા હતા. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. બીજી બાજુ મુખ્યમંત્રી પલાનીસામીએ બનાવને લઇને દુખ વ્યક્ત કર્યું છે. અધિકારીઓ સાથે બેઠક યોજી છે. બીજી બાજુ ડીએમકેના નેતા સ્ટાલિને પોલીસની કાર્યવાહીનો વિરોધ કર્યો છે. બીજી બાજુ અભિનેતા રજનીકાંતે લોકોના મોત માટે તમિળનાડુ સરકારને જવાબદાર ઠેરવી છે.

(7:27 pm IST)