Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ફરી મોદી સરકાર ન બને તેવી પ્રાર્થના કરોઃ આર્ક બિશપ

દિલ્હી ના રોમન કેથોલિકના આર્ક બિશપે પાદરીઓને પત્ર લખ્યોઃ દેશની હાલની સ્થિતિ લોકતંત્ર માટે જોખમી છેઃ પત્રથી રાજનીતિમાં વિવાદ જાગશે

નવી દિલ્હી તા.૨૨: દિલ્હીના રોમન કેથોલિક આર્ક બિશપે પાદરીઓને લખેલા એક પત્ર થી વિવાદ ઉભો થયો છે. આઠમી મેના રોજ લખેલા પત્રમાં એમણે હાલની રાજનૈતિક પરિસ્થિતિ ને અશાંત જાહેર કરતા આવતા વર્ષે થનારી લોકસભાની ચૂંટણી માટે પ્રાર્થના કરવાની અપિલ કરી છે. એવું માનવામાં આવે છેકે પરોક્ષ રીતે એમણે ૨૦૧૯માં નરેન્દ્ર મોદીની સરકાર ન બને તે માટે પ્રાર્થના કરવાની અપિલ કરી છે. ભાજપાએ આ પત્ર સામે વાંધો ઉઠાવ્યો છે.

 પત્રમાં એમણે લખ્યું છેકે, આપણે હાલના અશાંત રાજનૈતિક માહોલના સાક્ષી છીએ. હાલની પરિસ્થિતિ માં દેશની ધર્મ નિરપેક્ષતા અને લોકતંત્રના સિધ્ધાંત પર ખતરો ઉભો થયો છે. રાજનેતાઓ માટે પ્રાર્થના કરવાની આપણી પવિત્ર પરંપરા છે. ૨૦૧૯માં નવી સરકાર બનશે ત્યારે ૧૩ મેથી આપણે દેશ માટે પ્રાર્થના કરવી જોઇએ. તેમણે ખ્રિસ્તી સમુદાયના લોકોને આવતા વર્ષે થનારી ચૂંટણી માટે પ્રાર્થના ઉપરાંત દર શુક્રવારે ઉપવાસ પણ કરવાની અપિલ કરી છે જેથી દેશમાં શાંતિ અને ભાઇચારો જળવાઇ રહે. ભાજપના પ્રવકતા શંકર કપુરે આ બાબતે જણાવ્યું કે આર્ક બિશપે સમાજના નામે રાજનૈતિક બયાન કર્યુ છે તે નિંદનીય છે, તેમને ખબર હોવી જોઇએ કે દેશ સુરક્ષિત હાથોમાં છે અને આ સરકારનો મુળ મંત્ર જ એ છે કે સોૈનો સાથ સહુનો વિકાસ.

આર્ક બિશપે આ બાબતે ચોખવટ કરતા કહયું કે દરેક ચૂંટણી પહેલા શાંતિ અને નિષ્પક્ષ ચૂંટણી માટે આવી પ્રાર્થના કરવાનું કહેવામાં આવે છે. ૨૦૧૪માં અને એની પહેલા પણ આવું થયું હતું. આ વખતે કેટલાક લોકો એ જાણી જોઇને તેને રાજનૈતિક રંગ આપ્યો છે. દેશની અશાંત રાજનૈતિક પરિસ્થિતિ  વિષે આર્ક બિશપની ઓફીસે જણાવ્યું કે હાલની પરિસ્થિતિ ચોક્કસ રીતે ચિંતાજનક છે પણ તે કોઇ ખાસ સરકાર કે પાર્ટી માટે નથી કહેવામાં આવ્યું, તેમણે કહયું કે પત્રમાં નવી સરકાર શબ્દના ઉપયોગ નો ખોટો અર્થ લેવામાં આવી રહયો છે. દરેક ચૂંટણી પછી એક નવી સરકાર બને છે પછી તે કોઇ નવી પાર્ટી બનાવે છે કે જુની પાર્ટી ફરીથી સરકાર બનાવે, સરકાર તો નવી જ કહેવાય.

(12:43 pm IST)