Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ઉત્તરાખંડનું જંગલ ભડભડ સળગે છે

અનેક દુર્લભ વન્ય જીવોનો ભોગ લેવાઇ ગયો : ૫ દિવસથી લાગેલા દવમાં લાખો - કરોડોની વન સંપદા હોમાઇ ગઇ : આગ હજુ પણ બેકાબૂ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગત છેલ્લા પાંચ દિવસથી જંગલમાં આગ લાગી છે. જંગલમાં લાગેલી આ આગના કારણે જયાં લાખો રૂપિયાની વન સંપદામાં નુકસાન થઇ રહ્યું છે, તો બીજી બાજુ વન્ય જીવ પણ આગની ચપેટમાં આવી ગયા છે. પ્રશાસને આગના કારણે વન વિભાગની સાથે રાજય આપદા પ્રબંધન બળ (એસડીઆરએફ)ને પણ આગ ઓલવવાના કામમાં લગાવી દેવામાં આવ્યા છે. જો કે તેમ છતાં પણ આગ પર કાબુ હજુ સુધી મેળવી શકાયો નથી.

ઉત્તરાખંડના તમામ જંગલોમાં છેલ્લા પાંચ દિવસથી લાગેલી આગના કારણે લાખો રૂપિયાની વન સંપત્તિ સળગીને રાખ થઈ ગઈ છે. ઉત્તરકાશી, બાગેશ્વર, અલ્મોડા, ટિહરી, હરિદ્વાર, નૈનીતાલ, ઉત્તરકાશી અને પૌડીના જંગલોમાં લાગેલી આગની સામે વન વિભાગ કંઇ પણ કરી શકયું નથી તેવુ જોવા મળી રહ્યું છે.

એક મળતા અહેવાલ મુજબ ઉત્ત્।રકાશીમાં છેલ્લા પાંચ દિવસથી જંગલમાં આગ લાગી છે. જેને લઇને રાજયની વન સંપત્ત્િ।ને ભારે નુકસાન પહોંચ્યું છે. આગના કારણે દુર્લભ વન્ય જીવોના પણ મોત નિપજયા છે. SDRFની ટીમો સતત પોખરી અને અનેરીના જંગલોમાં લાગેલી આગ બુઝાવવાના કામમાં લાગી છે.

જયારે ટિહરી અને બાદશાહીથૌલના જંગલ અને શ્રીનગરમાં ચૌરાસ ક્ષેત્રમાં ગુંઠાઈમાં જંગલમાં લાગેલી આગ બુઝાવવા માટે અત્યાર સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ટિહરી અને શ્રીનગર સહિત કુમાઉં મંડળના અલ્મોડા જિલ્લાના દ્વારાહાટ ક્ષેત્રમાં પણ જંગલ આગની ચપેટમાં આવી ગયું છે.

એટલું જ નહીં આગના કારણે સ્થાનિક લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો જંગલમાં લાગેલી આગના કારણે ભારે ધૂમાડો ફેલાયો છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.

(11:47 am IST)