Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

USના પ્‍લાનો ડલાસમાં ૩૨ એકરના વિશાળ કેમ્‍પસમાં આકાર લઇ રહેલું શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળઃ ૧૭ ઓગ.થી ૧૯ ઓગ.૨૦૧૮ દરમિયાન નૂતન મંદિરનો મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ ઉજવાશેઃ અક્ષય તૃતિયાના પવિત્ર દિવસે સંતોએ નૂતન સાધુ આશ્રમમાં ભગવાનની પ્રથમ મહાપૂજા કરી થાળ ધર્યા

ડલાસ : ડલાસમાં આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિશાળ નૂતન સંકૂલમાં અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે પવિત્ર સંતોએ નૂતન સાધુ આશ્રમમાં ભગવાનની પ્રથમ મહાપુજા અને થાળ કર્યા હતા.

32 એકરના કેમ્પસમાં આકાર લઇ રહેલા ગુરુકુલના આ નૂતન સંકુલમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી સીતારામજી, શ્રી વેંકટેશ્વર બાલાજી, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, શ્રી વિઘ્નવિનાયક ગણપતિજી, શ્રી કષ્ટભંજન હનુમાનજી આદિ દેવોના નયનરમ્ય મંદિર સાથે બાલ સંસ્કાર ક્લાસીસ, સાંસ્કૃતિક ફંક્શન હોલ, વેદિક સંસ્કૃતિ પ્રદર્શન, મહેમાનો માટેના ઉતારા વગેરેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. બારે માસ ખળખળ વહેતી નદી, મનોહર સરોવર અને વૃક્ષોની હરિયાળી વચ્ચે ઘેરાયેલ આ નૈસર્ગીક અને રમણીય મંદિર; આજુ-બાજુમાં વસતા હજારો પરિવારો માટે આ એક એવું સ્થળ બની રહેશે જ્યાં આબાલ-વૃદ્ધ સહુને અધ્યાત્મિક અને સાંસ્કૃતિક માર્ગદર્શન મળશે. અહીં બાળકો માટે શનિવાર અને રવિવારે ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક વર્ગોનું આયોજન થશે. જે અમેરિકામાં જન્મેલા બાળકોને હિન્દૂ સંસ્કૃતિનો વારસો જાળવવામાં ખુબ મદદરૂપ થશે.

ઓગસ્ટની 17 થી 19 તારીખ દરમ્યાન આ નૂતન મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. અખંડ ભગવાનને ધરી રહેલા, સદગુરુ મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના દિવ્ય સાનિધ્યમાં 30થી વધારે બ્રહ્મનિષ્ઠ સંતો તથા 5000થી વધારે હરિભક્તો આ મહોત્સવનો લાભ લેવા પધારશે. આ મહોત્સવમાં વૈદિકવિધિ અનુસાર 25 કુંડીય મહા વિષ્ણુયાગ, 1008 સમૂહ મહાપુજા, શ્રીમદ્દ સત્સંગીજીવન સપ્તાહ પારાયણ, સંત સત્સંગ વ્યાખ્યાનમાળા, 51 કલાક આખાં ધૂન-અખંડ મંત્રલેખન, બાળકો-યુવાનો-મહિલાઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ, આરોગ્ય નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ જેવા અનેકવિધ ધાર્મિક-સામાજિક કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે.

તેવું સાધુ શાંતિપ્રિયદાસજીના અહેવાલ દ્વારા શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(12:09 am IST)