Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

IPL -2021 : રાજસ્થાન રોયલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 10 વિકેટે શાનદાર જીત : કોહલીએ 47 બોલમાં 72 રન અને પડિક્કલે 52 બોલમાં 101 રન ફટકાર્યા

મહંમદ સિરાજે 4 ઓવરમાં 3 વિકેટ અને હર્ષલ પટેલે 4 ઓવરમાં 47 રન આપીને 3 વિકેટ ઝડપી

મુંબઈ : આઈપીએલ 2021ની સિઝનની 16મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ  વચ્ચે મુંબઈમાં રમાઈ હતી. બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાને ટોસ હારીને રમતની શરુઆત કરી હતી. રાજસ્થાનના બંને ઓપનરો ઝડપથી આઉટ થયા હતા. બેંગ્લોરે 20 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવીને 177 રન કર્યા હતા. જવાબમાં બેંગ્લોરના બંને ઓપનરોએ વિકેટ ગુમાવ્યા વગર જ જીતનું લક્ષ્‍ય 16.3 ઓવરમાં પાર પાડ્યુ હતુ.

આરસીબીએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાના નિર્ણયમાં યોગ્ય ઠર્યુ હતુ. પડીક્કલે શતકીય રમત રમી હતી. આરસીબીના ઓપનર વિરાટ કોહલી અને દેવદત્ત પડીક્કલે લક્ષ્‍યાંક સુધી રમત રમીને સતત ચોથી મેચ ટીમને જીતવામાં સફળ બનાવી હતી. વિરાટ કોહલીએ 47 બોલમાં 72 રન કર્યા હતા. જ્યારે પડિક્કલે 52 બોલમાં 101 રન કર્યા હતા. બંનેએ શરુઆતથી લક્ષ્‍યાંક સુધીની રમત રમી હતી. આમ એક પણ વિકેટ ગુમાવ્યા વિના જ આરસીબીએ રાજસ્થાન સામે જીત મેળવી હતી.

બોલરોને આજે એક પણ વિકેટ નહીં મળતા નિરાશ થવુ પડ્યુ હતુ. સાથે જ પડિક્કલની ઝડપી રમતને લઈને બોલરોએ ખર્ચાળ પણ સાબિત થવુ પડ્યુ હતુ. ચેતન સાકરીયાએ 4 ઓવરમાં 35 રન આપ્યા હતા. શ્રેયસ ગોપાલે 3 ઓવરમાં 35 રન આપ્યા હતા. ક્રિસ મોરિસે 3 ઓવરમાં 38 રન આપ્યા હતા. રાહુલ તેવટીયાએ 2 ઓવરમાં 23 રન આપ્યા હતા.

ટોસ હારીને મેદાને બેટીંગ કરવા પહોંચેલા બંને ઓપનરોને ઝડપથી પેવેલિયન પરત ફરવુ પડ્યુ હતુ. જોસ બટલર 8 બોલમાં 8 રન કરી સિરાજના બોલ પર બોલ્ડ થતાં પરત ફર્યો હતો. જ્યારે મનન વહોરા 9 બોલમાં 7 રન કરીને પરત ફર્યો હતો. કેપ્ટન સંજૂ સેમસન 18 બોલમાં 21 રન કરીને સુંદરના બોલ પર કેચ આઉટ થયો હતો. ડેવિડ મિલર શૂન્ય પર જ પરત ફર્યો હતો. શિવમ દુબેએ સૌથી વધુ 32 બોલમાં 46 રન કર્યા હતા. રિયાન પરાગે 16 બોલમાં 25 રન કર્યા હતા. રાહુલ તેવટીયાએ 23 બોલમાં 40 રન કર્યા હતા. ક્રિસ મોરિસે 10 રન અને ચેતન સાકરીયા શૂન્ય પર વિકેટ ગુમાવી હતી.

મહંમદ સિરાજે 4 ઓવર કરીને 3 વિકેટ ઝડપી હતી, તેણે 27 રન આપ્યા હતા. હર્ષલ પટેલે 4 ઓવરમાં 47 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. કાય્લ જેમીસને 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. કેન રિચાર્ડસને 3 ઓવર કરીને 29 રન આપી એક વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરે 3 ઓવરમાં 23 રન આપ્યા હતા. તેણે એક વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે 2 ઓવર કરીને 18 રન આપ્યા હતા.

(11:54 pm IST)