Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

મોદી સરકાર બદલશે નિયમ ???

ઓફિસમાં ૩૦ મીનીટથી વધારે કામ કર્યું તો મળશે ઓવરટાઇમ

નવી દિલ્હી તા. રરઃ ટુંક સમયમાં જ ગ્રેચ્યુઇટી, પીએફ, ઓવરટાઇમ અને કામના કલાકોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. કર્મચારીઓને ગ્રેચ્યુઇટી અને પેન્શન ફંડમાં વધારો મળશે, તો હાથમાં આવનારા પૈસા ઘટશે, એટલે સુધી કે કંપનીઓની બેલેન્સશીટને પણ અસર થશે. આનું કારણ છે ગયા વર્ષે સંસદમાં પાસ થયેલા ત્રણ લેબર કોડ બીલ સરકાર નવા લેબર કોડ નિયમો ૧ એપ્રિલથી લાગુ કરવા ઇચ્છતી હતી પણ રાજયોની તૈયારી ન હોવાથી અને કંપનીઓને એચઆર પોલિસી બદલવા માટે વધુ સમય આપવા હાલપુરતું તેને મોકૂફ રખાયું છે.

નવા ડ્રાફટ કાનૂનમાં કામકાજનો મહત્તમ સમય વધારીને ૧ર કલાક કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. ઓએસએચ કોડના ડ્રાફટ નિયમોમાં ૧પ થી ૩૦ મિનીટના વધારાના કામને પણ ૩૦ મીનીટ ગણીને ઓવરટાઇમમાં સામેલ કરવાની જોગવાઇ છે. વર્તમાન નિયમમાં ૩૦ મીનીટથી ઓછા સમયને ઓવરટાઇમ માટે માન્ય નથી ગણાતો. ડ્રાફટ નિયમમાં કોઇપણ કર્મચારીને સળંગ પાંચ કલાકથી વધારે કામ કરાવવાનું પ્રતિબંધિત કરાયું છે. કર્મચારીને દર પાંચ કલાક પછી અર્ધા કલાકનો આરામ આપવાનો નિર્દેશ પણ ડ્રાફટ નિયમોમાં સામેલ છે.

(11:40 am IST)