Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

પ્રજ્ઞા ઠાકુરની ઉમેદવારી સામે બસપાના માયાવતીએ ઉઠાવ્યા સવાલ : ચૂંટણીપંચ માત્ર નોટિસ જ કેમ આપે છે ? નામાંકન કેમ રદ્દ કરતુ નથી?

ચૂંટણી પંચ જો જનસંતોષ મુજબ નિષ્પક્ષતાથી કામ નથી કરી રહ્યો તો તે દેશનાં લોકતંત્ર માટે મોટી ચિંતાની વાત

લખનઉ : લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રજ્ઞા ઠાકુરને ઉમેદવાર જાહેર કરવા પર  બસપા સુપ્રિમો માયાવતીએ  આપત્તિ દર્શાવતા ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા છે.માયાવતીએ ટ્વીટ દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

ભાજપે ભોપાલથી પોતાના ઉમેદવાર તરીકે પ્રજ્ઞા ઠાકુરને ઉભા રાખ્યા છે. જેને લઇને વિપક્ષ પાર્ટીઓ સતત ભાજપનાં આ નિર્ણય પર સવાલો ઉઠાવી રહી છે. બસપા સુપ્રિમો માયાવતીએ તો આ મામલે ચૂંટણી પંચને જ ટ્વીટ દ્વારા સવાલ કર્યો છે. માયાવતીએ ટ્વીટમાં લખ્યું, 'ભોપાલથી બીજેપીની ઉમેદવાર તથા માવેગાંવ બ્લાસ્ટની આરોપી સાધ્વી પ્રજ્ઞાનો દાવો છે કે તે ધર્મયુદ્ધ લડી રહી છે. આ જ છે બીજેપી/આરએસએસનો અસલી ચહેરો જે સતત પ્રકાશમાં આવી રહ્યો છે. પરંતુ પંચ માત્ર નોટીસ જ કેમ જાહેર કરી રહી છે તે બીજેપી રત્ન પ્રજ્ઞાનું નામાંકન કેમ રદ્દ કરતુ નથી?'

માયાવતી પોતાના બેબાક નિવેદનને લઇને હંમેશા ચર્ચા બની રહે છે. તેમણે પ્રજ્ઞા ઠાકુર પર ટ્વીટ કરવાની સાથે મીડિયા અને પીએમ મોદી પર પણ પ્રહારો કર્યા છે. તેમણે ટ્વીટમાં લખ્યું, 'મીડિયાની જબરદસ્ત આલોચના હોવા છતા ચૂંટણી પંચ જો જનસંતોષ મુજબ નિષ્પક્ષતાથી કામ નથી કરી રહ્યો તો તે દેશનાં લોકતંત્ર માટે મોટી ચિંતાની વાત છે તથા આ ગિરાવટ માટે અસલી જવાબદાર કોઇ અન્ય નહી પણ બીજેપી તથા પીએમ શ્રી મોદી છે જે ગંભીર ચૂંટણી આરોપોથી ઘેરાયેલા છે.'

(9:40 pm IST)