Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ત્રીજા દોરમાં ૩૯૨ કરોડપતિ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે

ભાજપના સૌથી વધુ ૮૧ કરોડપતિ ઉમેદવાર : ભાજપના ૮૧ ઉપરાંત કોંગ્રેસના ૯૦ પૈકી ૭૪ કરોડપતિ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં :સરેરાશ સંપત્તિ ૨.૯૫ કરોડ

નવી દિલ્હી, તા. ૨૨ : લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આવતીકાલે મતદાન યોજાનાર છે. રાજકીય પક્ષો દ્વારા ૩૯૨ કરોડપતિ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જે પૈકી ૮૧ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના છે. દરેક ઉમેદવારની સરેરાશ સંપત્તિ ૨.૯૫ કરોડની છે. ત્રીજા તબક્કામાં સૌથી અમીર ઉમેદવારની વાત કરવામાં આવે તો સમાજવાદી પાર્ટીના દેવેન્દ્રસિંહ યાદવ છે. મોટાપક્ષોમાં ભારતીય જનતા પાર્ટીના ૯૭ ઉમેદવાર પૈકી ૮૧ ઉમેદવાર કરોડપતિ છે જ્યારે કોંગ્રેસ પાર્ટીના ૯૦ ઉમેદવાર પૈકી ૭૪ ઉમેદવાર કરોપતિ છે. સમાજવાદી પાર્ટીના ૧૦ પૈકીના ૯ ઉમેદવાર કરોડપતિ છે. એનસીપીમાંથી તમામ ૧૦ ઉમેદવાર કરોડપતિ છે. સૌથી અમીર ઉમેદવારની વાત કરવામાં આવે તો દેવેન્દ્રસિંહ યાદવની સંપત્તિ ૨૦૪ કરોડ રૂપિયાની છે. ઉત્તરપ્રદેશમાં ઇટા બેઠક પરથી તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે ત્યારબાદ એનસીપીના છત્રપતિ ઉદયનારાયણ રાજે પ્રતાપસિંહ મહારાજની સંપત્તિ ૧૯૯ કરોડ રૂપિયાની છે. પ્રતાપસિંહ મહારાષ્ટ્રમાં સતારા બેઠક  પરથી ઉમેદવાર છે. કોંગ્રેસના પ્રવિણસિંહ બરેલી પરથી ચૂંટણી મેદાન પર છે. તેમની સંપત્તિ ૧૪૭ કરોડની છે. મોટા રાજકીય પક્ષોમાં ભાજપના ઉમેદવાર પૈકી દરેક ઉમેદવારની સરેરાશ સંપત્તિ ૧૩.૦૧ કરોડની છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પૈકી સરેરાશ સંપત્તિ ૧૦.૯૬ કરોડની છે. બસપના ઉમેદવારની સંપત્તિ ૧.૨૨ કરોડની છે. શિવસેનાના ઉમેદવારની સરેરાશ સંપત્તિ ૨.૬૯ કરોડની છે જ્યારે સીપીએમના ઉમેદવારની સરેરાશ સંપત્તિ ૧.૯૬ કરોડની, એનસીપીના ઉમેદવારની સરેરાશ સંપત્તિ ૪૮.૪૯ કરોડની નોંધાઈ છે. નેશનલ ઇલેક્શન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા ૧૬૧૨ ઉમેદવાર પૈકી ૧૫૯૪ ઉમેદવારની એફિડેવિટમાં તપાસ કરવામાં આવ્યા બાદ આ આંકડા જારી કરવામાં આવ્યા છે.

૧૮ ઉમેદવાર એવા છે જે ઉમેદવારોની સંપત્તિની ચકાસણી ચોક્કસ કારણોસર કરી શકાય નથી. રિપોર્ટ તૈયાર કરતી વેળા પૂર્ણ એફિડેવિટમાં કેટલીક ખામીઓ જણાઈ આવી છે જેના લીધે આંકડા મળી શક્યા નથી પરંતુ મોટાભાગે તમામ ઉમેદવારના આંકડામાં ચકાસણી કરવામાં આવી ચુકી છે. આજે મતદાનના એક દિવસ પહેલા મતદારો અને ઉમેદવારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. તમામ પક્ષો પોતપોતાના જીતના દાવાઓ કરી રહ્યા છે.

 

(7:53 pm IST)