Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

અમે પાંચ વર્ષમાં જે કર્યુ તે મોદીએ તમારી પાસેથી છીનવ્યુઃ રાહુલ ગાંધી

અમેઠીના તિલોઈમાં જંગી જનસભાને કોંગ્રેસ અધ્યક્ષનું સંબોધનઃ એક વર્ષમાં ૨૨ લાખ જગ્યાઓ ભરવા ફરી હુંકાર : વડાપ્રધાનને ૨ કરોડ રોજગારીનું વચન યાદ કરાવતા કોંગ્રેસ અધ્યક્ષ

અમેઠીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠીના તિલોઈમાં જનસભાને સંબોધિત કરી હતી. આ પહેલા તેમને ચૂંટણી અધિકારીએ કલીન ચીટ આપી દેતા તેમનું ફોર્મ સ્વીકારી લેવાયેલ.

રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં સીધું જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ ઉપર નિશાન તાકતા જણાવેલ કે મોદીએ ફકત હિન્દુસ્તાનની જનતા પાસેથી જ ચોરી નથી કરી, સૌથી વધુ ચોરી ચોકીદારે તમારી પાસેથી કરી છે. છેલ્લા પાંચ વર્ષોમાં અમે જે પણ તમારા માટે કર્યુ તે મોદીજીએ તમારી પાસેથી છીનવી લીધુ છે.

કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં જણાવેલ કે મોદીએ દેશના ૧૫ લોકોને કરોડો રૂપિયા આપ્યા, અમે ગરીબોને ન્યાય આપીશુ. નરેન્દ્ર મોદીએ ગબ્બર ટેક્ષ લગાવ્યો. તમારા ખીસ્સામાંથી પૈસા કાઢી, ચોરોના હાથમાં ગયા. જેવો તમે માલ ખરીદવાનું બંધ કર્યુ તેવું હિન્દુસ્તાનની ફેકટરીએ માલ બનાવવાનું બંધ કર્યુ. જેથી બેરોજગારી વધી ગઈ. ૨૭ હજાર યુવાઓએ દર ૨૪ કલાકમાં પોતાની નોકરી ગુમાવી.

રાહુલ ગાંધીએ મોદીનો રોજગારીનો વાયદો યાદ કરાવતા જણાવેલ કે મોદીએ ૨ કરોડ રોજગાર દેવાનું કહયું હતુ પણ યુવાઓ નોકરી ગુમાવી રહ્યા છે. અમે ન્યાય આપીશુ. ૭૨ હજાર રૂપિયા વાર્ષીક આપીશુ. તમે માલ ખરીદવાનું શરૂ કરશો. કોઈ શર્ટ ખરીદશે, ચશ્મા, પેન ખરીદ શે એટલે ફેકટરીઓ ચાલુ થઈ જશે અને રોજગાર મળવા લાગશે.

તેમણે લોકોને જણાવેલ કે તમે મને ઓળખો છો, હું ખોટું નથી બોલતો. હું અમેઠી, રાયબરેલી અને હિન્દુસ્તાનની જનતાને કહેવા માંગું છુ કે ૨૨ લાખ નોકરીઓ ખાલી પડી છે. એક વર્ષમાં આ જગ્યાઓ ભરી દઈશ. ૧૦ લાખ યુવાઓને પંચાયતોમાં જ નોકરીઓ આપી શકાય તેમ હોવાનું રાહુલે અંતમાં જણાવેલ.

(3:58 pm IST)