Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

વડાપ્રધાન મોદીની 'અકિલા'ને એકસકલુઝીવ મુલાકાત

સમગ્ર દેશમાં સરકાર તરફી લહેર : નિર્ણાયક સરકાર રચવા લોકો કટીબદ્ધઃ ગુજરાત પાસે ૨૬ બેઠકોની અપેક્ષાઃ ગુજરાતના વર્તમાનને જ નહિં, પરંતુ ભવિષ્યને પણ ઉજ્જવળ બનાવવુ છે : હું જે કંઈ છું તે ગુજરાતને આભારી છું

એનડીએને અગાઉ કરતાં પણ વધુ બેઠકો મળશે : પાંચ વર્ષ મેં ઈમાનદારીથી દેશની સેવા કરી છેઃ ૨૦૧૯ની ચૂંટણી વિશ્વાસ અને હકારાત્મકતાની સાથે લોકોની આંકાક્ષાઓ પૂરી કરવાની છે : કોંગ્રેસ પક્ષ હતાશામાં ડૂબેલો છે : મહાગઠબંધન મહામિલાવટ છે : વિપક્ષો દેશને પાછળ લઈ જવા માગે છેઃ ગામ્રીણ, ગરીબ અને ખેડૂતનો વિકાસ અમારા કેન્દ્ર સ્થાને : આપણા પૂર્વજોએ અને આપણા સ્વતંત્રતા સેનાનીઓએ જે સપનુ જોયુ હતું એ સપનાનુ ભારત મારે બનાવવું છે : ૨૦૨૨ સુધીમાં ૭૫ એવા પગલા નક્કી કર્યા છે જે પૂરા કરશુ : ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની છે અને બધાને મકાન પણ પૂરૂ પાડવાનું છેઃ ભારતને ૫ ટ્રિલીયન ડોલરની ઈકોનોમી બનાવવી છે : વિકાસની ગાડી બમણા જોરથી દોડાવવી છે : ૮ થી ૧૦%નો જીડીપી ગ્રોથ રેટ બનાવવો છે : શિક્ષણ વ્યવસ્થા પર વધુ ધ્યાન કેન્દ્રીત કરશુ : આવતા દિવસોમાં ભારત ૫માં ક્રમની અર્થવ્યવસ્થા બની જશે : અમે વિકાસ અને કલ્યાણના ઐતિહાસિક માર્ગે ચાલી નીકળ્યા છીએ

અકિલા : ૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીમાં શું તફાવત છે? આ ચૂંટણી ઐતિહાસિક કેમ માનવામાં આવે છે?

વડાપ્રધાન : ૨૦૧૪માં પ્રજાએ એવી આશાથી મતદાન કર્યુ હતું કે, કંઈક બદલાશે. ૨૦૧૯માં આ વિશ્વાસથી મત આપી રહ્યા છે કે, ઘણુ બધુ બદલાઈ ચૂકયુ છે.

૨૦૧૪માં લોકો કહેતા હતા કે, ‘Yes we can.’ ૨૦૧૯માં લોકો જણાવી રહ્યા છે કે ‘Yes we will.’

૨૦૧૪માં ભારત દેશના એક મોટા સમૂહે ભાજપના વિકાસના મોડલ અંગે માત્ર સાંભળ્યુ હતું. ૨૦૧૯માં દેશવાસીઓએ દેશભરમાં આનો અનુભવ કર્યો છે. ૨૦૧૯ની ચૂંટણી ફકત ભાજપ જ નથી લડતું, પરંતુ ભારતના લોકો જ લડી રહ્યા છે. આ ચૂંટણી એક એવા ચૂંટણીના સ્વરૂપમાં પણ યાદ રાખવામાં આવશે જેમાં કોંગ્રેસ સૌથી ઓછી બેઠકો ઉપર ચૂંટણી લડી રહી છે. ૨૦૧૪માં કોંગ્રેસને સૌથી ઓછી બેઠકો મળી હતી અને લોકોને લાગ્યુ હતું કે, તેઓની બેઠકો આનાથી ઓછી થઈ ન શકે, પરંતુ કોંગ્રેસ આ વખતે આને પણ ખોટુ સાબિત કરવાની છે. લોકોએ દૃઢતાપૂર્વક નિર્ણય લીધો છે કે તેઓ એક એવી સરકારને પસંદ કરશે. જે નિર્ણાયક હોય. વડીલો, યુવાનો એટલુ જ નહિં પરંતુ બાળકો સ્વપ્રેરણાથી પ્રચાર કરી રહ્યા છે કે જેથી એક મજબૂત સરકાર ફરી બિરાજમાન થઈ શકે.

આપણો દેશ ઈમાનદાર લોકોથી ભરેલો છે અને એ બધા લોકો મળીને એક એવી સરકારને ફરી ચૂંટવા માટે આકરી મહેનત  કરી રહ્યા છે. જે ઈમાનદાર હોય. આપણે કાયમ દેશમાં સત્તારૂઢ સરકારને હટાવવા માટેની લહેર નિહાળી છે. પરંતુ આ વખતે આ એક અનોખો પ્રસંગ છે કે જયારે સરકારને ફરીથી ચૂંટવા માટે તેની તરફેણમાં લહેર ચાલતી હોય.

૨૦૧૪ની ચૂંટણી આક્રોશની ચૂંટણી હતી. દેશ ભ્રષ્ટ સરકાર, વંશવાદ, Policy Paralaysisના વિરોધમાં ઉકળી રહ્યો હતો પરંતુ ૫ વર્ષમાં અમે વિકાસના જે કાર્યો કર્યા તેનું પરિણામ એ છે કે ૨૦૧૯ની ચૂંટણી Confidence, Positivity, ની સાથે સાથે Aspirationsને પૂરા કરવાની છે.

૨૦૧૪ની ચૂંટણીમાં એન્ટીઈન્કમબન્સી (સત્તા વિરોધી લહેર) હતી. ૨૦૧૯ની ચૂંટણી પ્રોઈન્કમબન્સી (સરકાર તરફી લહેર)ની ચૂંટણી છે.

દેશના પરાક્રમ અને શૌર્ય માટે, વિકાસની રફતાર જાળવી રાખવા માટે, ભ્રષ્ટાચાર અને કાળાનાણાની લડાઈને મજબૂત કરવા માટે લોકો મત આપવા ઈચ્છે છે.

અકિલા : તમે કેન્દ્રમાં પાંચ વર્ષ શાસન કર્યુ અને લોક કલ્યાણના કાર્યો પૂરા કર્યા એવા કયાં કામો છે જે લાગે છે કે બાકી રહી ગયા છે?

વડાપ્રધાન : છેલ્લા પાંચ વર્ષોમાં અમે દેશના તમામ નાગરીકોને મુળભૂત સુવિધાઓ આપવા માટે કઠીન પરિશ્રમ કર્યો છે. જે કામ આઝાદીના દસ કે વીસ વર્ષ બાદ થવા જોઈતા હતા તે અમે પૂરા કર્યા છે.

આજે જયારે અમે એક મજબૂત પાયો તૈયાર કરી લીધો છે, હવે તક છે કે અમે તેના પર એક શાનદાર ઈમારત ઉભી કરી શકીશુ.

અમે અમારા માટે અલગ અલગ લક્ષ્યાંકોની ત્રણ શ્રેણી નક્કી કરી છે.

આમાંથી પહેલી છે, ૨૦૨૨ સુધીમાં જયારે દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થશે.

જે હેઠળ અમે ૭૫ એવા પગલા નક્કી કર્યા છે જેને અમે ત્યાં સુધીમાં પૂરા કરી લેશુ.

અમારૂ લક્ષ્યાંક છે કે, ૨૦૨૨ સુધીમાં દેશના દરેક પરીવાર, કે જેમની પાસે ઘર નથી તેમને અમે પાકુ મકાન આપીશુ. ભારતના તમામ ઘરોમાં વિજળી પહોંચાડવાનું અમારૂ કામ લગભગ પૂરૂ થઈ ચૂકયુ છે. હવે અમારૂ લક્ષ્ય હશે કે તમામ ઘરોને ૨૪ કલાક વિજળી મળે.

ખેડૂતો માટે છેલ્લા ૫ વર્ષોમાં અમે ઘણુ બધુ કર્યુ છે અને અમારૂ લક્ષ્ય છે કે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવી.

ખેડૂતોની આર્થિક મદદ માટે અમારી સરકારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિની શરૂઆત કરી છે. દેશભરના લગભગ ૧૨ કરોડ ખેડૂત ગરીબ પરીવારોને વર્ષે ૭૫ હજાર કરોડ રૂપિયા આપવાની જોગવાઈ છે. આવતા સમયમાં અમે આ યોજનાનો લાભ દેશના તમામ ખેડૂતોને આપી દેશુ.

અમે ૨૦૨૨ સુધીમાં પ્રત્યેક ગ્રામ પંચાયતને હાઈ સ્પીડ ઓપ્ટીકલ ફાઈબર નેટવર્કથી જોડી દેશુ.

ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે અમે મોટાપાયે ગ્રામીણ સડક નવીનીકરણ અને સુધારા કાર્યક્રમ શરૂ કરશુ. જે અંતર્ગત શિક્ષણના કેન્દ્રો, સ્વાસ્થ્ય કેન્દ્રો અને બજારોને ગામડાઓ સાથે જોડી દેવામાં આવશે.

અમે ૨૦૨૨ સુધી ૧,૫૦,૦૦૦ સ્વાસ્થ્ય અને પરિવાર કેન્દ્રો સ્થાપિત કરવાનો કાર્યક્રમ બનાવ્યો છે. તેની સાથે જ અમે દરેક ગરીબના દરવાજા પર પ્રાથમિક સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવીશુ. આ માટે ટેલીમેડીસીનની જોગવાઈઓ અને ડાયગ્નોસ્ટિક લેબોરેટરી જેવી સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ.

૨૦૨૨ સુધીમાં અમે તમામ બાળકો અને ગર્ભવતી મહિલાઓનું સંપૂર્ણ રસીકરણ સુનિશ્ચિત કરીશુ.

અમે રાષ્ટ્રીય વ્યાપાર કલ્યાણ બોર્ડની રચના કરશુ અને રીટેલ વ્યાપારની વૃદ્ધિ માટે રાષ્ટ્રીય રીટેલ વ્યાપાર નીતિ બનાવીશુ.

નાના વ્યાપારીઓની સુરક્ષા માટે અમે જીએસટી હેઠળ રજીસ્ટર્ડ તમામ વેપારીઓને ૧૦ લાખ રૂપિયા સુધીનો દુર્ઘટના વિમો ઉપલબ્ધ કરાવશુ.

ખાદ્ય સુરક્ષાને પ્રોત્સાહન આપતા ગરીબ અને ઓછી આવકવાળા પરીવારોના લગભગ ૮૦ કરોડ લોકોને અમે અનાજ પર વધુમાં વધુ સબસીડી ઉપલબ્ધ કરાવવામાં સફળ થયા છીએ. તેને વિસ્તારી અમે તે પરીવારોને સબસીડી પર ખાંડ ઉપલબ્ધ કરાવીશુ.

૫૦% અને ઓછામાં ઓછા ૨૦ હજારની વસ્તીવાળા અનુસુચિત જન જાતિ ક્ષેત્રોમાં નવોદય વિદ્યાલયની જેમ એકલવ્ય મોડલ આવાસીય વિદ્યાલયોની સ્થાપના કરવામાં આવશે.

અમે આવતા દિવસોમાં એક અલગ જળશકિત મંત્રાલય બનાવીશુ. નદીઓનું ઓપ્ટીમમ યુટીલાઈઝેશન કેવી રીતે થાય, માતા - બહેનોને પાણીની અછતથી મુકત કરાવી નળથી પાણી કેવી રીતે પહોંચાડી શકાય તેના પર કામ કરવા ઈચ્છીએ છીએ.

અમારૂ બીજુ લક્ષ્ય ૨૦૨૫નું છે. અમે એ દિશામાં કામ કરી રહ્યા છીએ કે ભારત ૫ ટ્રિલીયન ડોલરની ઈકોનોમી બને.

અમારૂ ત્રીજુ લક્ષ્ય ભારતની આઝાદીના શતાબ્દી વર્ષ એટલે કે ૨૦૪૭ સુધીનું છે. જયાં અમે સુનિશ્ચિત કરવા ઈચ્છીએ છીએ કે આપણો દેશ પણ દુનિયાના સૌથી આધુનિક અને વિકસીત દેશોમાંથી એક હોય.

ભાજપ આવતા પાંચ વર્ષમાં ૨૦૪૭ના ભારતનો પાયો નાખશે. ૨૦૪૭ના મજબૂત ફાઉન્ડેશનને ૨૦૧૯થી ૨૦૨૪ દરમિયાન  જ રાખવાનો છે. આ માટે અમે સંકલ્પપત્રમાં ઘણાબધા માપદંડો નક્કી કર્યા છે.

ગામડુ, ગરીબ, કિસાન અમારા કેન્દ્રમાં છે. આ સિવાય અમારૂ ધ્યાન દેશના નવયુવકો ઉપર રહેશે જેઓ આવતા પાંચ વર્ષમાં ૨૦૪૭નું ભવિષ્ય નક્કી કરવાના છે. અમારી સંપૂર્ણ કોશિષ રહેશે કે દેશના નવ યુવાનોની પરવરીશ એ રીતે હોય કે તેમને એવા અવસર મળે જેનાથી આપણે વિકસીત ભારતનું સપનુ સાકાર કરી શકીએ.

અકિલા : આપના મનમાં હિન્દુસ્તાનની શું પરિકલ્પના છે? દેશને કઈ ઉંચાઈ પર લઈ જવા માંગો છો? દેશ શું પરિવર્તન ઈચ્છે છે?

વડાપ્રધાન :

અપને મનમે એક લક્ષ્ય લીયે

મંઝીલ અપની પ્રત્યક્ષ લીયે

હમ તોડ રહે હે ઝંઝીરે

હમ બદલ રહે હે તસ્વીરે

યે નવયુગ હૈ, નવ ભારત હૈ,

ખુદ લીખેંગે અપની તકદીર,

હમ નિકલ પડે હૈ પ્રણ કરકે,

અપના તન - મન અર્પણ કરકે,

જીદ હૈ એક સૂર્ય ઉગાના હૈ,

અંબર સે ઉંચા જાના હૈ,

એક ભારત નયા બનાના હૈ !

હું એક એવું ભારત બનાવવા ઈચ્છું છું. જેનું સપનું આપણા પૂર્વજોએ નિહાળ્યુ હતું, આપણા સ્વતંત્રતા સૈનિકોએ નિહાળ્યુ હતું. એક એવુ ભારત જેનું સપનું આપણા ખેડૂતો નિહાળે છે, જેનું સપનુ આપણા બાળકો જુએ છે, જેનું સપનુ દરેક મહિલા નિહાળે છે, જેનું સપનું દેશનો દરેક યુવક નિહાળે છે, જેનું ૧૩૦ કરોડ ભારતીયો નિહાળે છે.

આપણે આજે જયાં પણ પહોંચ્યા છીએ ત્યાં આપણે પૂર્વજોના ત્યાગ અને તપસ્યાને કારણે પહોંચ્યા છીએ. હવે સમય આવી ગયો છે કે આપણે તેમના પ્રયાસોને કંઈક સાચી શ્રદ્ધાંજલી આપીએ.

અકિલા : ૫ વર્ષમાં ગુજરાત માટે આપે ઘણુ બધુ કર્યુ છે, હવે ગુજરાતની શું જરૂરીયાત છે? ગુજરાત માટે આપનું કયું સપનુ છે?

વડાપ્રધાન : ગુજરાત મારી માતા સમાન છે અને પુત્ર માને શું આપી શકે છે?

હું એટલુ કહી શકું છું કે, ગુજરાતના લોકોની સાથે મળીને અમે તમામ સમસ્યાઓનો ઉકેલ શોધવાનો ઈમાનદાર પ્રયાસ કરેલો છે.

આપણે વિકાસ અને કલ્યાણના ઐતિહાસિક માર્ગ પર ચાલી નીકળ્યા છીએ.

આજથી બે દાયકા પહેલા પાણીની સમસ્યાથી લોકો કેટલા પરેશાન હતા. હવે નર્મદાનું પાણી નવી ઉર્જા આપી રહ્યુ છે. સૌની યોજના સૌરાષ્ટ્ર માટે વરદાન બની છે. હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી પહોંચાડવાનું બાકી છે. જેના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે.

વાત શહેરી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રકચરની હોય કે પાણીની અછતવાળા વિસ્તારોમાં વ્હાઈટ રિવોલ્યુશનની હોય, ગુજરાતનું વિકાસ મોડલ અનોખુ રહ્યું છે.

ગુજરાતમાં ૬-૬.૫ કરોડ ગુજરાતીઓ સાથે વિકાસની જે યાત્રા અમે કરી છે તેને એક નવા મુકામ પર લઈ જવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.

ગુજરાતના દરેક નાગરીકોની દરેક જરૂરીયાતોને પૂર્ણ કરવા માટે અમે સંકલ્પબદ્ધ છીએ.

ગુજરાતના વર્તમાનને જ નહિં પરંતુ ભવિષ્યને પણ સારૂ કરવા માટે અમે કટીબદ્ધ છીએ.

અકિલા : હજુ સુધી લોકોને અચ્છે દિનનો અહેસાસ નથી થયો. ગરીબી, કુપોષણ, બેરોજગારી, એકતા, ભાઈચારો, ભ્રષ્ટાચાર, નિરક્ષરતા આ બધા સવાલો હજુ પણ ઉભા છે આ માટે શું કરવાની જરૂર છે?

વડાપ્રધાન : છેલ્લા ૫ વર્ષોમાં ભારતમાં પહેલેથી વધુ ઝડપી ગતિથી ગરીબીને મિટાવી રહ્યા છીએ. ભારત પહેલાથી ઝડપી ગતિથી કુપોષણને મિટાવી રહ્યા છીએ.

ભારત પહેલાથી અનેક ઝડપની ગતિથી નિરક્ષરતાને સમાપ્ત કરી રહ્યુ છે. ભારતમાં કોઈ મોટુ રમખાણ નથી થયુ.

આ બધી બાબતોથી એ વાત જણાય છે કે જયારે ભારતની જનતાએ નક્કી કરી લીધુ છે કે, તેઓ નામુમકિનને પણ મુમકીન બનાવી શકે છે.

જયાં સુધી રોજગારીની વાત છે તો ઈપીએફઓ અને ઈએસઆઈસીનો ડેટા જુઓ તો ખબર પડશે કે છેલ્લા એક વર્ષમાં દરેક મહિને લગભગ લગભગ ૧૦ લાખ નોકરીઓ જોડાય છે એટલે કે એક વર્ષમાં લગભગ ૧.૨૦ કરોડ નોકરીઓ. આ પ્રકાર એનસીપીએસમાં છેલ્લા ૪ વર્ષમાં ૫૫ લાખ નવા ગ્રાહકો નોંધાયા છે તો પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના હેઠળ લગભગ એક એવો ખેડૂતોને લાભ મળે છે. રોજગારીને લઈને નાસકોમના રીપોર્ટે પણ શુભ સંકેતો આપ્યા છે.

તો અનઔપચારીક સેકટરની વાત કરીએ તો છેલ્લા ૪ વર્ષમાં ૧૭ કરોડ મુદ્રા લોન આપવામાં આવી છે. આમાંથી ૪.૨૫ કરોડની લોન નવા ઉદ્યોગોને આપવામાં આવી છે. સીઆઇઆઈનો એક સર્વે જણાવે છે કે છેલ્લા ૪ વર્ષમાં એમએસએમઈ સેકટરમાં લગભગ ૬ કરોડ નવી નોકરીઓ બની છે. આ સિવાય પર્યટન વધારવાથી રોડ - રેલ્વે, એરપોર્ટ તથા મકાનો પહેલાથી બમણી ઝડપે બની રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન થયું છે.

બધા કામો થઈ જશે એવું હું ખુદ માનતો નથી પરંતુ સાચી દિશામાં અમે એક સાચો પ્રયાસ કર્યો છે અને લોકોનો અપ્રત્યાસીક સમર્થન પણ મળ્યુ છે. ઘણુ બધુ કર્યુ છે અને હજુ ઘણુ બધુ કરવાનું બાકી છે.

અકિલા : શું એનડીએને ફરી બહુમતી મળશે? શું દેશમાં પરિવર્તન કે પુનરાવર્તન થશે? તમારૂ શું કહેવું છે?

વડાપ્રધાન :  આજે ફરી એક વખત સંપૂર્ણ વિશ્વાસ સાથે કહુ છું કે જનતા જનાર્દનનો અમને ફકત વિશ્વાસ જ હાંસીલ થઈ ગયો છે એટલુ જ નહિં એનડીએ ગયા વખત કરતા ઘણી મજબૂતાઈથી પાછો ફરી રહ્યો છે.

આજે ચૂંટણી પ્રચાર કરતા મને દેશભરમાં મુલાકાતો લેવાની તક મળી છે. જે પ્રકારે માહોલ નિહાળી રહ્યો છું, જે પ્રકારના ચૂંટણી પરિણામો આવવાના છે તે પોલીટીકલ પંડિતોને આશ્ચર્યચકિત કરી દેશે.

જયારે મેં તમારી સમક્ષ એ બાબતની ચર્ચા કરી રહ્યો છું તો તેની પાછળ કંઈક નક્કર કારણો હશે. અમારી પાસે પાંચ વર્ષના વિકાસનું જે છે જેને કારણે અમે ૫૫ વર્ષ વાળા શાસન ઉપર પણ ભારે પડ્યા છીએ. લોકોમાં આજે વિશ્વાસને લઈને સંતુષ્ટિનો જે ભાવ દેખાઈ રહ્યો છે તેનાથી સ્પષ્ટ થાય છે કે

 આજે દેશ અસ્થિરતામાં નહિં, પરંતુ સ્થિરતામાં જીવવા ઈચ્છે છે

 આજે દેશ મજબૂર સરકાર નહિં, પરંતુ મજબૂત સરકાર ઈચ્છે છે.

 આજે દેશ વંશવાદમાં નહિં, પરંતુ વિકાસવાદમાં જીવવા ઈચ્છે છે.

 આજે દેશ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ઈમાનદારીથી આગળ વધવા ઈચ્છે છે.

 આજે દેશ એવી સરકાર ઈચ્છતો જે દુશ્મનો સમક્ષ જઈને રોદડા રોવે, પરંતુ એક એવી સરકાર ઈચ્છે છે કે જે દુશ્મનોના ઘરમાં જઈને તેને મારે.

 આજે દેશ એવી સરકાર નથી ઈચ્છતો, જે વિકસીત દેશોની સમક્ષ અરજ કરતો હોય એટલુ જ નહિં એક એવી સરકાર ઈચ્છે છે, જે આંખથી આંખ મિલાવીને વાત કરે.

જનતાને એ ખબર છે કે, સમગ્ર દુનિયામાં સરકારની ઈજ્જત ત્યારે જ હોય છે કે જયારે તેનામાં સાહસિક નિર્ણય લેવાનો દમ હોય અને આ નિર્ણય લેવાનો દમ ત્યારે પણ પેદા થાય છે કે જયારે તેને સવા સો કરોડ દેશવાસીઓનો સાથ મળતો હોય.

અકિલા : તમે જો ફરીથી સત્તામાં આવશો તો શું પાકિસ્તાન સાથે વાતચીત શરૂ કરશો?

વડાપ્રધાન : આતંકવાદ વિરૂદ્ધ અમારી નો ટોલરન્સની નીતિ છે. પાકિસ્તાને પોતાની ધરતી પરથી ત્રાસવાદીઓને પ્રોત્સાહન આપવાનું બંધ કરી દેવુ પડશે.

આજે તમે જુઓ છો કે બાલાકોટમાં એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના સૂર બદલાઈ ચૂકયા છે. જે કદી આપણા શાંતિના પ્રયાસો પર ધ્યાન નહોતું આપતું, આજે તે શાંતિ વાર્તા માટે કરગી રહ્યું છે.

અમારૂ સંપૂર્ણ ધ્યાન ભારતને વધુ શકિતશાળી બનાવવા ઉપર છે અને તેના ઉપર ભાર રહેશે. કારણ કે ભારત જેટલુ શકિતશાળી બનશે એટલુ જ વિશ્વ અને આ ક્ષેત્રની શાંતિમાં પોતાનું મજબૂત યોગદાન આપી શકશે.

અકિલા : વર્લ્ડ બેંક હોય કે આઈએમએફ, બધા ભારતના આર્થિક વિકાસના વખાણ કરે છે, જીડીપી ૭% છે પરંતુ ગ્રાઉન્ડ રિયાલીટી આનાથી ઉલટી છે આવુ કેમ?

વડાપ્રધાન : હું તમને જણાવી દઉં કે અત્યારે દેશનો આર્થિક વિકાસ અને સમગ્ર અર્થવ્યવસ્થા મજબૂતી સાથે પાટા ઉપર દોડી રહી છે. અમારી આર્થિક નીતિઓની જ અસર છે કે વર્લ્ડ બેંક હોય કે આઈએમએફ હોય કે બીજી એજન્સી હોય બધાએ સ્વીકાર્યુ છે કે ભારત ઝડપથી આગળ વધતી ઈકોનોમી છે અને આવતા દિવસોમાં પણ તેની ઝડપી ગતિ બની રહેશે.

૨૦૧૪માં અમે આવ્યા તે પહેલા ભારત દુનિયામાં ૧૧માં ક્રમની ઈકોનોમી હતું. આજે અમે પાંચ વર્ષમાં ૬ઠ્ઠા ક્રમે પહોંચી ગયા છીએ અને આવતા દિવસોમાં આપણે પાંચમા ક્રમની અર્થવ્યવસ્થા બનવાના છીએ.

ભારત છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વની સૌથી ઝડપથી, આગળ વધતી અર્થવ્યવસ્થા બની ચૂકયુ છે.

પહેલા જમીન પરની સ્થિતિ બદલાઈ છે,  તે પછી જ તો રેન્કીંગમાં પરિવર્તન થતુ હોય છે.

લોકો કાયમ વિચારતા હોય છે કે, રેન્કીંગમાં સુધારો થવાથી ફકત કાગળ પરની ચીજો જ બદલાય છે.... લોકોના જીવનમાં આનાથી વધુ પરિવર્તન નથી આવતું. તમે જે પ્રકારની ગ્રાઉન્ડ રિયાલીટીને લઈને સવાલ પૂછ્યો છે તેને હું ઘણો મહત્વનો ગણું છું. આનું કારણ એ છે કે પાછલી સરકારની કાર્યશૈલી એવી જ હતી. ન તો કામકાજમાં કોઈ ફેરફાર દેખાયો, કે ન રેન્કીંગમાં. યોગ્ય રીતે રેન્કીંગમાં સુધાર ત્યારે થાય છે કે જયારે લોકોના જીવનમાં પણ પરિવર્તન જોવા મળતુ હોય. હું સમજાવવા માગું છું કે, ચીજો બદલાઈ છે કઈ રીતે.

તમે જોયુ હશે કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કીંગમાં સતત ફેરફારો થયા છે. આનુ કારણ એ છે કે આપણે બિઝનેસ શરૂ કરવા અને તેને ચલાવવાની પ્રક્રિયાને સરળ કરી દીધી છે. સાથોસાથ વિજળીથી લઈને તમામ ચીજોની મંજૂરી લેવાનું સરળ બનાવી દીધુ છે. તમે જોયુ હશે કે આપણે એવી સિસ્ટમ તૈયાર કરી છે જેમાં ૫૯ મિનિટમાં એક કરોડ સુધીની લોન મળી શકે છે.

Global Innovation Indexની વાત કરવામાં આવે તો તેમાં પણ ભારતની રેન્કીંગમાં ઉલ્લેખનીય સુધારો થયો છે. ૨૦૧૪માં ભારતની Innovationનું રેન્કીંગ ૭૬ હતું. જે ૨૦૧૮માં ૫૭ થઈ ગયું. Innovationમાં થયેલો આ સુધારો આપણા સમાજમાં સ્પષ્ટ દેખાય છે.

છેલ્લા પાંચ વર્ષમાં સ્ટાર્ટ અપને લઈને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે. જેને કારણે ભારત આજે દુનિયાના સૌથી મોટા Start up ecosystems માંથી એક છે. અટલ ઈનોવેશન મિશન હેઠળ અનેક સ્કુલોમાં ટિકરીંગ પ્રયોગશાળાઓ ચાલુ થઈ છે અને સ્કુલ પણ એક Innovation based societyનો પાયો નાખી રહી છે. Patent હોય કે registered ટ્રેડમાર્ક અમારી સરકારમાં તેની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે.

દેશમાં શ્રેષ્ઠ હોવાની આ તસ્વીર વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરીઝમ કોમ્પીટીટીવનેસ ઈન્ડેક્ષ પરમાં છે. જયાં ઉલ્લેખનીય સુધારો થયો છે. ૨૦૧૩માં ભારતનું પ્રવાસનનું રેન્કીંગ ૬૫નું હતું. જે ૨૦૧૭માં ૪૦નું થઈ ગયું છે. એટલુ જ નહિં ભારતમાં વિદેશી પર્યટકોની સંખ્યામાં પણ જોરદાર વધારો થયો છે.

આ ઉદાહરણોથી સ્પષ્ટ જણાય છે કે હવે ગ્રાઉન્ડ રિયાલીટી બદલાઈ છે તો રેન્કીંગમાં સુધારો થાય છે.

અકિલા : રાહુલ ગાંધીએ ન્યાય યોજના, રાફેલ કાંડ, જીએસટી, નોટબંધી, એક પાર્ટીનું શાસન જેવા અનેક મુદ્દાઓ ઉઠાવ્યા છે આમાં કેટલો દમ છે?

વડાપ્રધાન : તમે ખુદ વિચારો કે આ મુદ્દાઓમાં કેટલો દમ છે? મેં મીડીયામાં જે જોયું તેનાથી સ્પષ્ટ થઈ ગયુ છે કે લોકોએ હવે નક્કી કરી લીધુ છે કે કોંગ્રેસના જુઠ્ઠાણાની જાળમાં હવે કદી આવવું નથી.

સાચુ તો એ છે કે પોતાની ન્યાય યોજના થકી કોંગ્રેસે ખુદ સ્વીકારી લીધુ છે કે ૧૦ દાયકાઓ સુધી તેણે દેશ સાથે માત્ર અન્યાય કર્યો છે.

 સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે શું કોંગ્રેસ ૮૪ના દંગા પીડિતોને ન્યાય આપશે?

 શું કોંગ્રેસ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના યુવાનોને ન્યાય આપશે? કે જેમને ચૂંટણી જીત્યા પછી બેરોજગારીનું ભથ્થુ આપવાનું વચન આપ્યુ હતું.

 કોંગ્રેસે તો કર્ણાટક, પંજાબ અને આ ત્રણ રાજયોના ખેડૂતો પણ ન્યાય માગી રહ્યા છે જેમને કોંગ્રેસે દેવામાફીના નામ પર ઠગ્યા છે.

 કોંગ્રેસે જે સરદાર પટેલ, બાબાસાહેબ, સુભાષચંદ્ર બોઝની સાથે જે અન્યાય કર્યો છે શું તે તેમની સાથે ન્યાય આપી શકશે?

 કોંગ્રેસના અન્યાયની યાદી ઘણી લાંબી છે.

નોટબંધીની વાત કરીએ તો આ નિર્ણયથી એવા લોકોને પેટમાં દુઃખાવો થયો છે જેમની કાળી કમાણી ડૂબી ગઈ છે. તમે જુઓ ૧.૩ લાખ કરોડ રૂપિયા જે અનડિસ્કલોઝડ હતા તે લોકોએ ડિસ્કલોઝડ કર્યા છે. ત્રણ લાખથી વધુ નકલી કંપનીઓ હતી, શેલ કંપનીઓ હતી, એક રૂમમાં સેંકડો કંપનીઓ ચાલતી હતી અને હવાલાત કારોબાર ચાલતો હતો એ બધો ઉજાગર થયો છે.

તો જીએસટી પર આંગણી ઉડાવવાનું શું તેમને શોભા દયે છે? એ લોકો પણ જીએસટી પર માત્ર વાતો કરે છે. પરંતુ અમે તેને લાગુ કરી બતાવ્યુ. દેશમાં આર્થિક સુધારાની દિશામાં આ એક ઐતહાસિક પગલુ સાબિત થયુ. જીએસટી લાગુ થયા બાદ દેશના નાગરીકોને મોટાભાગની વસ્તુઓ પહેલા કરતા સરેરાશ અડધા ટેકસ પર ઉપલબ્ધ છે. આનાથી રોજબરોજના ઉપયોગમાં આવતી ૯૯% ચીજો પર ટેકસ ઘટી જતાં સામાન્ય લોકોની સારી એવી બચત થઈ રહી છે.

જયાં સુધી રાફેલની વાત છે, એક જુઠ્ઠાણાની ૧૦૦ વખત બોલી સાચુ સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

એ તેમની હતાશાને દર્શાવે છે. પોતાના પિતા પર બોફોર્સ બોફોર્સના લાગેલા કલંકને મિટાવવાની હતાશા સિવાય કશુ નથી. તેથી તેઓ બીજા કોઈનું નામ બદનામ કરવા ઈચ્છે છે. અત્યાર સુધી તેઓએ જેટલા પણ આરોપો મૂકયા છે તે બધા ખોટા સાબિત થયા છે. એટલુ જ નહિં આ મામલાને જે પણ ફોરમમાં લઈ જવામાં આવ્યો છે ત્યાં પણ તે ખોટો સાબિત થઈ ચૂકયો છે. લોકોએ પણ આ બધા આરોપોને ફગાવી દીધા છે અને હવે એ લોકો ફરી એ જ કરવા જઈ રહ્યા છે.

અકિલા : તમે જીતશો તો સામાન્ય લોકોને પહેલી ભેટ શું આપશો?

વડાપ્રધાન : ફરીથી સરકાર બનાવ્યા બાદ દેશવાસીઓને શું ભેટ આપવી તેને સસ્પેન્સ રહેવા દયો.

પરંતુ નવા કાર્યકાળમાં મારી સરકારની પ્રાથમિકતા શું હશે એ અંગે હું તમને થોડીક વાત કરવા માંગુ છું.

વિકાસના મામલામાં અમારી સરકારનો રેકોર્ડ શાનદાર રહ્યો છે અને અમે વિકાસના એજન્ડાને નિર્ધારીત લક્ષ્યાંકોની સાથે આગળ પણ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

અમે આપણા દેશને Fragile Fiveની શ્રેણીમાંથી કાઢીને સૌથી ઝડપથી વિકસીત અર્થવ્યવસ્થા બનાવવામાં સફળ રહ્યા છીએ. અમારૂ હવે પછીનું લક્ષ્યાંક ૨૦૨૫ સુધી તેને ૫ ટ્રિલીયન ડોલરનું અર્થવ્યવસ્થા બનાવવાનું છે.

પહેલા ૫ વર્ષમાં અમે લૂંટારાઓને જેલના દરવાજા સુધી લાવવામાં સફળ રહ્યા. હવે અમે જોઈશું કે ભ્રષ્ટાચારમાં સામેલ લોકો જેલમાં જાય. અમે ભ્રષ્ટાચાર વિરૂદ્ધની લડાઈને વધુ મજબૂત કરશું.

૨૦૧૪માં દેશમાં મોબાઈલ અને તેના પાર્ટસ બનાવવાના માત્ર ૪ યુનિટ હતા. હવે આ સંખ્યા ૨૬૮ની થઈ છે. હવે અમે ભારતને દુનિયાનું મેન્યુફેકચરીંગ હબ બનાવવા કટીબદ્ધ છીએ.

હાઈવે બનાવીને તમામ ગામડાઓ સુધી વિજળી પહોંચાડીને અને ગેસ કનેકશન આપીને અમે સામાન્ય લોકોની જિંદગી સરળ બનાવી છે. હવે અમે આવતી પેઢી માટે આધુનિક સુવિધાઓનું નિર્માણ કરશુ. જેમ કે ગેસ ગ્રીડ, વોટર ગ્રીડ અને હાઈવે વગેરે.

સ્ટાર્ટ અપ થકી અમે યુવાનોને જોબ સિકરથી જોબ ક્રિએટર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. તેને અમે તે પછીના સ્તર પર લઈ જશુ. ૨૦૨૪ સુધી ૫૦ હજાર નવા સ્ટાર્ટ અપને ૫૦ લાખ સુધીની લોન બેંક ગેરેંટી વગર આપવાની યોજના શરૂ કરશુ.

અમે ખેડૂતોની આર્થિક મદદ માટે ઐતિહાસિક પીએમ કિસાન સમ્માન નિધિ યોજના શરૂ કરીશુ. હવે અમે દરેક ખેડૂતને તેના દાયરામાં લાવશુ.

અમે અસંગઠિત ક્ષેત્રના કામદારોને સામાજીક સુરક્ષા આપીશુ. ભવિષ્યમાં અમે નાના દુકાનદારો અને નાના ખેડૂતો માટે પણ પેન્શનની શરૂઆત કરશુ.

અમે ભારતમાલા અને સાગરમાલા જેવી વિશાળ યોજનાઓની શરૂઆત કરી છે. આવતા તબક્કામાં અમે એગ્રી રૂરલ સેકટર માટે ૨૫ લાખ કરોડ અને વિશ્વ સ્તરીય ઈન્ફાસ્ટ્રકચર વિકસીત કરવા માટે ૧૦૦ લાખ કરોડ રૂપિયાનું નિવેશ કરશુ.

અમે ૮ થી ૧૦% જીડીપી ગ્રોથ રેટ બનાવવાનો પ્રયાસ કરશુ.

અમે શિક્ષણ વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રીત કરશુ, ખાસ કરીને અમારૂ ધ્યાન શિક્ષણમાં વિશ્વ સ્તરીય ગુણવત્તા મેળવવા પર હશે. એનો અર્થ એ કે કુરીકુલમને અપગ્રેડ કરવામાં આવશે, શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરી દેવામાં આવશે, સંશોધન ઉપર ભાર મૂકવામાં આવશે અને શિક્ષણને ઉદ્યોગ સાથે જોડવાની કવાયત થશે. વર્ક ફોર્સને શિક્ષિત અને સ્કીલ્ડ બનાવ્યા વગર ૮ થી ૧૦%નો ગ્રોથ રેટ ટકાઉ નથી હોતો.

અમે ગરીબ અને ખેડૂતોના સશકિતકરણની દિશામાં કામ કરતા રહેશુ. બધા માટે પાકુ ઘર, ખેડૂતોની આવક બમણી કરવા જેવી કેટલીક યોજનાઓ ૨૦૨૨ સુધીમાં પૂરી કરવાનુ લક્ષ્યાંક છે. આગળ પણ ખેડૂતોના હિતોમાં સુધારા અમારી ટોચની પ્રાથમિકતાઓમાં હશે.

અકિલા : લોકો ભાજપને જ મત શા માટે આપે? મુસ્લિમ મતદાર શું ભાજપને સમર્થન આપશે?

વડાપ્રધાન : લોકો ભાજપને વોટ શા માટે આપે, જો આ સવાલનો જવાબ જાણવા ઈચ્છતા હો તો એ કરોડો મહિલાઓને પૂછો જેમને પહેલી વાર શૌચાલય મળ્યુ છે.

 લોકો ભાજપને વોટ શા માટે આપે, જો આ સવાલનો જવાબ ઈચ્છતા હો તો એ ગરીબ મહિલાઓને પૂછો જેમને પહેલી વાર ધુમાડાથી મુકિત મળી છે.

 લોકો ભાજપને વોટ શા માટે આપે, જો આ સવાલનો જવાબ જાણવા ઈચ્છતા હો તો એ લાખો ગ્રામીણોને પૂછો જેમને પહેલી વાર પાક્કુ મકાન મળ્યુ છે.

 લોકો ભાજપને વોટ શા માટે આપે, જો આ સવાલનો જવાબ જાણવા ઈચ્છતા હો તો એવા લોકોને પૂછો જેમનો આયુષ્યમાન યોજના હેઠળ પહેલીવાર વિનામૂલ્યે ઈલાજ થયો હોય.

 લોકો ભાજપને વોટ શા માટે આપે, જો આ સવાલનો જવાબ જાણવા ઈચ્છતા હો તો એવા ખેડૂતોને પૂછો જેમને કોઈપણ વચન આપ્યા વગર અમે સમ્માન નિધિ આપવાનું શરૂ કર્યુ છે.

 લોકો ભાજપને વોટ શા માટે આપે, જો આ સવાલનો જવાબ જાણવા ઈચ્છતા હો તો એવા ગરીબોને પૂછો જેમનું પહેલી વાર બેંકમાં ખાતુ ખુલ્યુ છે.

 લોકો ભાજપને વોટ શા માટે આપે, જો આ સવાલનો જવાબ જાણવા ઈચ્છતા હો તો એવા યુવાનોને પૂછો જેમણે મુદ્રા લોન લઈને વ્યવસાય શરૂ કર્યો છે કે સ્ટાર્ટ અપના માધ્યમથી રોજગાર આપનારા બન્યા છે.

તમે સમજી લ્યો કે આ યાદી ઘણી લાંબી છે. જવાબ દેવાવાળા તમને આ દેશના કરોડો નાગરીક મળી જશે. જેમની સરકારના અદ્દભૂત કાર્યોને કારણે જિંદગી સરળ બની હોય અને જેમનો વિકાસ થયો હોય.

આજે જયારે દેશે પાંચ વર્ષ સુધી નિરંતર ઝડપથી પ્રગતિ કરી છે ત્યારે એ વિચારવાનું છે કે અહિંથી આપણે આગળ જવાનું છે કે પછી પાછુ ફરવાનું છે?

ભાજપ દેશને આગળ લઈ જવા ઈચ્છે છે. બીજી તરફ મહામિલાવટી ગઠબંધનના એ બધા પક્ષો છે જેઓ દેશને પાછળ ધકેલવા ઈચ્છે છે અને પોતાના પરિવારોને આગળ લઈ જવા ઈચ્છે છે. હવે તમે જ જણાવો, શું દેશ ફરીથી પાછળ જવા ઈચ્છશે?

જયાં સુધી મુસ્લિમોની વાત છે તો અમે એ સ્પષ્ટ કહી દેવા ઈચ્છીએ છીએ કે અમે કોઈપણ જ્ઞાતિ, ધર્મ કે સંપ્રદાયના નામ પર મતો નથી માગતા. આ એ જ પ્રકારે છે જે રીતે અમે વિકાસ કાર્યોનો લાભ જાતિ કે ધર્મને જોઈને નથી આપતા.

તમે જોયુ હશે કે ૨૦૧૪ની ચૂંટણી એટલા માટે પણ ઐતિહાસિક હતી કે દેશે જાતિ અને ધર્મની દિવાલ તોડીને મતદાન કર્યુ હતું. આ વખતે પણ આવુ જ થવાનું છે.

અકિલા : તમારા શાસનકાળ દરમિયાન ગૌહત્યા, ગૌમાંસ, મોબલીંચીંગ, દલીતો પર અત્યાચાર જેવા મામલાઓ સામે આવ્યા છે. સુપ્રિમ કોર્ટ જેવી બંધારણીય સંસ્થાઓ ઉપર સવાલો ઉઠ્યા છે આવુ કેમ?

વડાપ્રધાન : જુઓ. કોઈપણ મામલો હોય હંમેશાથી અમારૂ માનવું છે કે કોઈપણ વ્યકિતને કાયદો હાથમાં લેવાની છૂટ નથી હોતી. સાથોસાથ એવા કોઈપણ મામલામાં કાયદાને પોતાનું કામ કરવા દેવુ જોઈએ અને દોષિતોને સજા મળવી જોઈએ.

જયાં સુધી બંધારણીય સંસ્થાઓની સ્વાયતતાનો સવાલ છે તો તેને વિડંબણા જ કહેશુ કે એ સવાલ એવા લોકો ઉઠાવી રહ્યા છે. જેમણે દેશ પર કટોકટી ઠોકી બેસાડી હતી. દેશને કેદખાનામાં તબદીલ કરી દીધો હતો. જો સુપ્રિમ કોર્ટ તેની ઇચ્છા અનુસાર ફેંસલા ન આપે તો ન્યાયાધીશ વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા ઈચ્છતા હતા. જો ચૂંટણીમાં લોકો તેઓને નકારી દયે તો તેઓ ઈવીએમ અને ચૂંટણીપંચ પર સવાલો ઉઠાવતા હોય છે. હકીકતમાં એવા લોકો ઈચ્છે છે કે તે ભ્રષ્ટાચારમાં ડુબેલી રહે અને સીબીઆઈ અને ઈડી જેવી સંસ્થાઓ નમાલી થઈને બેસી રહે.

હમણા તમે થોડા દિવસ પહેલા જ જોયુ હશે કે આ પક્ષોએ ફરીથી ઈવીએમ પર રોવાનુ શરૂ કર્યુ છે. જયારે તેઓ ત્રણ રાજયમાં ચૂંટણી જીત્યા ત્યારે કોઈએ ઈવીએમને યાદ નહોતુ કર્યુ.

હવે તમે જ જણાવો, બંધારણીય સંસ્થાઓની ગરીમા અને સમ્માનને સમાપ્ત કરવાનું કામ કોણ કરી રહ્યું છે?

અકિલા : સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતાને તમે કયો સંદેશો આપવા માગો છો?

વડાપ્રધાન : ગુજરાતથી મને હંમેશા ભરપૂર પ્રેમ અને આર્શીવાદ મળ્યા છે. આજે હું જે પણ છું તેનું એક મોટુ કારણ ગુજરાત છે. અહિં લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેવાને કારણે મને જે અનુભવ મળ્યો તે આજે મને ઘણો કામ આવે છે.

તમે બધાએ પાંચ વર્ષ પહેલા મને ગુજરાતથી દેશની રખેવાળી કરવા માટે દિલ્હી વિદા કર્યો હતો. આ તમારા બધાનો સ્નેહ અને આશિષ છે. જેને કારણે મા ભારતીની સેવામાં સ્વયંને તન અને મનથી સમર્પિત કરવાનું મને શૌભાગ્ય મળ્યુ છે.

ગુજરાતે મને પાળી પોષીને દેશની સેવાના મુકામ સુધી પહોંચાડ્યો છે. સૌથી પહેલા ગુજરાતે જ મારા કામને જાણ્યુ, મારા જીવનને નજીકથી જોયુ, મને ઓળખ્યુ અને સમગ્ર હિન્દુસ્તાન એ વિચારવા માટે મજબૂર બન્યુ કે જેણે ગુજરાતને આટલા લાંબા સમય સુધી સેવાઓ આપી તે સમગ્ર દેશમાં પણ વિકાસનો ઝંડો બુલંદ કરી શકે છે. તમારો પ્રેમ અને વિશ્વાસ છેલ્લા પાંચ વર્ષમાં ડગલે ને પગલે કામ આવ્યો છે. જેનું પરિણામ છે કે મેં પાંચ વર્ષમાં મોટા અને કડક નિર્ણયો લીધા છે, ગરીબોના જીવનની પણ કાળજી લીધી છે. વિશ્વની મોટી મોટી તાકાતો સામે સામી છાતીએ સામનો કર્યો છે.

૨૦૧૪માં જયારે દેશે પૂર્ણ બહુમતી સોંપી તો એ સમયે ગુજરાતે તમામ ૨૬ બેઠકો આપી મહત્વની ભૂમિકા ભજવી હતી. મને આજે ફરી વિશ્વાસ છે કે આ વખતે પણ ગુજરાતની પ્રજા મને ૨૬ બેઠકોનો આર્શીવાદ આપશે.

હું સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતને એ જ સંદેશ આપવા ઈચ્છું છું કે આજે હું જે પણ છું તે આપ બધાના કારણે છું. મેં અત્યાર સુધી જે કોઈ પણ નિર્ણય લીધા છે તે તમારા સાથ અને આશીર્વાદને કારણે લીધા છે તેથી એ મારો સંદેશ નહિં પરંતુ ગુજરાતના લોકોનો આભાર છે.

અકિલા : આટલી બધી ભાગદોડ, વ્યસ્તતા, તનાવ... તમે આ બધી બાબતોથી થાકતા નથી? શું તમારૂ મન રજા પર જવા નથી ઈચ્છતું? તમારી તંદુરસ્તીનું શું રહસ્ય છે?

વડાપ્રધાન : અત્યાર સુધી માનવામાં આવતુ હતુ કે વડાપ્રધાનનું પદ તો સત્તાના ઉપભોગ માટે હોય છે. જયારે મેં તેને એક જવાબદારીનું પદ ગણ્યુ છે. જયારે તમારા ખભા પર ૧૩૦ કરોડ ભારતીયોની જવાબદારી હોય તો પછી કઈ રીતે કોઈ પોતાની થકાન કે પછી વેકેશન અંગે વિચારી શકે.

જયારે આપણા સૈન્યના જવાનો વર્ષના ૩૬૫ દિવસ દેશની સરહદો પર પોતાની ફરજ નિભાવી રહ્યા હોય એવામાં હું કઈ રીતે રજા કે આરામ અંગે વિચારી શકું?

તમામ પર્વ - તહેવારો પર જયારે આપણા પોલીસ દળના જવાનો દિવસ - રાત કામ પર ડટેલા હોય છે એવામાં કંઈ રીતે હું મારી રજા અંગે વિચારી શકું?

પ્રસ્તાવના

ભારત દેશ હાલ પોતાના લોકતંત્રનું મહાપર્વ મનાવી રહ્યું છે. કુલ ૭ તબક્કામાં યોજાઈ રહેલા આ ચૂંટણી મહાપર્વનું અત્યાર સુધીમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂકયુ છે અને હવે આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. પ્રથમ બે તબક્કાના મતદાન, તે માટેનો પ્રચાર, હિંસા સહિતની બાબતો ચિંતા ઉપજાવે તેવી છે. સૌથી વધુ ધ્યાન આ વખતે પ્રચાર દરમિયાન જોવા મળેલો બિનજરૂરી ગરમાવો અને થયેલા વાણી વિલાસ તરફ કેન્દ્રીત થયુ છે. કોઈપણ રાજકીય પક્ષ હોય તેના અમુક નેતાઓ આ વખતે લોકતંત્રને શોભે નહિં તેવા આગ ઝરતા નિવેદનો કરી પોતાના તરફી માહોલ ઉભો કરી રહ્યા છે, મર્યાદાઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે. દેશભરમાં જાણે કયો પક્ષ શંુ કરવા માંગે છે? તેને બદલે માહોલ એક જ દેખાય છે અને તે છે 'નમો ને લાવો અને નમો ને હટાવો' આ બાબત રાજકીય પંડિતો માટે અને વિશ્લેષકો માટે પણ ચિંતાની બાબત બની છે. અત્યાર સુધીમાં બે તબક્કાના મતદાનમાં કુલ ૧૮૬ બેઠકોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ચૂકયુ છે અને હવે આવતીકાલે ૧૧૫ બેઠકો માટે મતદાન યોજાવાનું છે. ચૂંટણીના ત્રીજા તબક્કાથી માંડીને ૭માં તબક્કા સુધીનું મતદાન સત્તારૂઢ એનડીએ માટે અત્યંત મહત્વનું બની રહેવાનું છે. આ મતદાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે અગ્નિ પરીક્ષા સમુ બની રહેવાનું છે, કારણ કે તેમાં તેમના ગૃહરાજય ગુજરાતમાં પણ મતદાન થવાનું છે. આયારામ-ગયારામના ઘટનાક્રમો, નિરસસમો ચૂંટણી પ્રચાર આવા માહોલમાં રાજયની ૨૬ એ ૨૬ બેઠકો જાળવી રાખવાનો પડકાર ભાજપ સમક્ષ મોઢુ ફાડીને ઉભો છે. ૨૦૧૪નું પુનરાવર્તન કરવા વડાપ્રધાને ગુજરાતમાં અનેક સભાઓ યોજી છે અને માહોલ ઉભો કરવા પ્રયાસ કર્યો છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે છેલ્લા ૫ વર્ષમાં ગુજરાત માટે ઘણુ બધુ કર્યુ છે, ઘણી બધી ભેટ આપી છે અને હજુ ઘણુ બધુ કરવાની નેમ રાખી છે. દેશ-વિદેશમાં જેમનું નામ માનથી લેવામાં આવે છે અને જેઓ માટે ૫૬ ઈંચની છાતી ધરાવતા વ્યકિત હોવાનું કહેવાય છે એવા નિર્ણાયક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રવિવારે 'અકિલા'ને રસપ્રદ અને લંબાણપૂર્વકની મુલાકાત આપી છે. ગુજરાતમાં કોઈ સાંધ્ય દૈનિકને વડાપ્રધાને મુલાકાત આપી હોય તેવો આ પહેલો પ્રસંગ છે. 'અકિલા'ને પણ આ મુલાકાતનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું છે. જે માટે 'અકિલા' અત્યંત ગૌરવની લાગણી અનુભવે છે. વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે 'અકિલા' માટે સમય ફાળવવા બદલ સમગ્ર 'અકિલા' પરિવાર વડાપ્રધાનનો હૃદયપૂર્વક આભાર માને છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન સાથે થયેલી પ્રશ્નોત્તરી નીચે મુજબ છે.

 કિરીટ ગણાત્રા : મેનેજીંગ તંત્રી

અજીત ગણાત્રા : તંત્રી

(11:42 am IST)
  • ફરીવાર સાધ્વી પ્રજ્ઞા વિવાદી નિવેદનમાં ફસાયા ;કહ્યું અયોધ્યામાં મેં ઉપર ચડીને તોડ્યો હતો વિવાદી ઢાંચો ;ચૂંટણી આયોગે ફટકારી નોટિસ :24 કલાકમાં માંગ્યો જવાબ :આતંકવાદી હુમલામાં શહીદ થયેલ મહારાષ્ટ્ર પોલીસના વરિષ્ઠ અધિકારી હેમંત કરકરે અંગે આપેલ વિવાદી નિવેદન બાદ ભોપાલ સંસદીય સીટના ભાજપના ઉમેદવાર સાધ્વીએ વધુ એક વિવાદી નિવેદન આપ્યું છે access_time 11:33 pm IST

  • કોંગ્રેસ, હાર્દિક પટેલને નજીકના ભવિષ્યમાંજ રાષ્ટ્રીય યુવા કોંગ્રેસના પ્રમુખ બનાવી રહી હોવાની જોરશોરથી ચાલી રહેલી ચર્ચા : જો આ શક્ય થશે તો હાર્દિકનું રાજકીય કદ બહુ મોટું થઈ જશે : સંભવતઃ એકાદ બે દિવસમાજ કોંગ્રેસ આ જાહેરાત કરે તેવી સેવાય રહી છે સંભાવના access_time 10:59 pm IST

  • રાજ્યમાં કથળતા શિક્ષણના સ્તરને લઈને હાઇકોર્ટે લીધી ગંભીર નોંધ: માંગ્યો જવાબ:શિક્ષકો ખાનગી ટ્યુશન કરતા હોવાની પણ લીધી ગંભીર નોંધ ;સરકારી શાળાના કથળતા શિક્ષણ અંગે હાઇકોર્ટ ગંભીર access_time 12:47 am IST