Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

હવે આઇડિયાની એફડીઆઈ દરખાસ્ત પર સક્રિય વિચારણા

૧૦૦ ટકા એફડીઆઈ દરખાસ્ત પર વિચારણા : વોડાફોન સાથે મર્જર પહેલા નવી દરખાસ્ત પર વિચારણા

મુંબઈ, તા. ૨૨ : વોડાફોન સાથે મર્જર પહેલા આઈડિયાની ૧૦૦ ટકા એફડીઆઈ દરખાસ્ત હાલમાં વિચારણા હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. મળેલી માહિતી મુજબ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશનની વિચારણા હેઠળ કંપનીમાં ૧૦૦ ટકા વિદેશી મૂડીરોકાણને મંજુરી આપવા આઈડિયા સેલ્યુલર લિમિટેડની દરખાસ્ત ઉપર વિચારણા ચાલી રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આઈડિયા સેલ્યુલર અને વોડાફોન ઇન્ડિયાના પેન્ડિંગ મર્જરના સંદર્ભમાં આ દરખાસ્ત ખુબ ઉપયોગી બની ગઇ છે. દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની બનવા આઈડિયા સેલ્યુલર અને વોડાફોન ઇન્ડિયાના મર્જરને લઇને વાતચીત ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, વર્તમાન વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણની નીતિમાં ઓટોમેટિક એપ્રુવલ રુટ હેઠળ એક ભારતીય ટેલિકોમ્યુનિકેશન કંપનીમાં ૪૯ ટકા સુધી હિસ્સેદારી ખરીદવા વિદેશી કંપનીને મંજુરી આપવામાં આવેલી છે પરંતુ સરકારની મંજુરી ૪૯ ટકાથી વધુની હિસ્સેદારી ખરીદવા માટે જરૂરી રહેશે. આઇડિયા અને વોડાફોને વર્ષ ૨૦૧૭માં જાહેરાત કરી હતી કે તેઓ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનવા તેમના ઓપરેશનને મર્જ કરી દેશે. ૩૩ અબજ ડોલરથી વધુની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની બની જશે. ૩૧મી માર્ચ ૨૦૧૮ના આંકડા મુજબ આઇડિયામાં વિદેશી હિસ્સેદારી ૩૪ ટકાની આસપાસ છે. પ્રમોટર ગ્રુપમાં ૭.૪૯ ટકાની હિસ્સેદારી છે. મર્જર કરવામાં આવેલી આઈડિયા અને વોડાફોન કંપનીમાં કસ્ટમરોની સંખ્યા ૪૧ કરોડ સુધી પહોંચી જશે.

(7:43 pm IST)