Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

મોદી અને જિંગપિંગની વચ્ચે ૨૭-૨૮મીએ બેઠક યોજાશે

બંને વચ્ચેની વાતચીત પર તમામની નજર કેન્દ્રિત : વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની ચીની સમકક્ષ સાથે વાતચીત દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર વિશેષ ભાર મુકાયો

નવીદિલ્હી, તા.૨૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિંગપિંગ વચ્ચે આ સપ્તાહમાં ચીનમાં ફરી એકવાર વાતચીત થશે. બેજિંગમાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા જીનના વિદેશમંત્રી વાંગ યી દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ જિંગપિંગ અને મોદી વચ્ચે વુહાનમાં ૨૭મી અને ૨૮મી એપ્રિલના દિવસે અનૌપચારિક શિખર બેઠક થશે. ગયા વર્ષે ડોકલામમાં બંને દેશો વચ્ચે લાંબા સમય સુધી લશ્કરી ગતિરોધની સ્થિતિ રહ્યા બાદ બંને દેશોના રાષ્ટ્રપ્રમુખોની બેઠક ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ પહેલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આજે પોતાના ચીની સમકક્ષ વાંગ સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો ઉપર અને સંબંધોમાં સુધાર માટે ઉચ્ચ સ્તરીય સંવાદની ગતિવિધિને તીવ્ર બનાવવાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો. શાંઘાઇ સહયોગ સંગઠનના વિદેશમંત્રઓની બેઠકમાં ભાગ લેવા માટે સુષ્મા સ્વરાજ શનિવારના દિવસે ચાર દિવસના પ્રવાસે ચીન પહોંચ્યા હતા. દ્વિપક્ષીય વાતચીત પહેલા વાંગે બેજિંગ સ્થિત ગેસ્ટહાઉસમાં સુષ્માનું સ્વાગત કર્યું હતું. વાંગને ગયા મહિને સ્ટેટ કાઉન્સિલર બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદથી તેઓ ચીનમાં સૌથી સર્વોચ્ચ રાજકીય વ્યક્તિ બની ગયા છે. સાથે સાથે વિદેશ મંત્રી તરીકે પણ બનેલા છે. વાંગે કહ્યું છે કે, દ્વિપક્ષીય સંબંધોમાં ઉલ્લેખનીય વિકાસની સ્થિતિ જોવા મળી રહી છે. મોદીની વાતચીત ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. વાંગનું કહેવું છે કે, બંને દેશો વચ્ચે વાતચીતની પ્રક્રિયા રચનાત્મક દિશામાં આગળ વધી રહી છે. મોદીએ થોડાક સમય પહેલા જિંગપિંગને ફોન કર્યો હતો ત્યારબાદથી તેની અસર પણ જોવા મળી છે.

(7:47 pm IST)