Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

પુલવામા હુમલા માટે આખા પાકિસ્તાનને દોષિત ગણી ન શકાય

પુલવામાના પુરાવા આપો : પિત્રોડાએ કોંગ્રેસની આબરૂના કર્યા ધજાગરા

બાલાકોટ એર સ્ટ્રાઇકમાં ૩૦૦ લોકો માર્યા ગયા હોય તો સરકાર તેના પુરાવા આપે : શું વાસ્તવમાં એ સ્ટ્રાઇક થઇ છે : પાકિસ્તાન સાથે વાતચીત કરવી જોઇએઃ રાહુલના વિશ્વાસુ અને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા સમિતિના સભ્ય સામ પિત્રોડાના નિવેદનથી ખળભળાટ : મોદી - જેટલી વગેરેએ સામ પિત્રોડા પર માછલા ધોયા : સૈન્યનું અપમાન કરવું એ વિપક્ષની આદત છેઃ૧૩૦ કરોડની પ્રજા આવા લોકો અને આવા પક્ષોને ન તો માફ કરશે કે ન તો ભૂલશેઃ વડાપ્રધાન મોદી

નવી દિલ્હી તા. ૨૨ : ચૂંટણી માહોલમાં નેતાઓના વિવાદાસ્પદ નિવેદન પણ ચર્ચાનો વિષય બની રહે છે. જેમ કે ગઇકાલે સપા નેતા રામગોપાલ યાદવે પુલવામા હુમલાને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના મોટા નેતા અને ગાંધી પરિવારના નજીક મનાતા સામ પિત્રોડા એ પણ એક મોટું નિવેદન આપી દીધું છે. પિત્રોડા એ કહ્યું કે પુલવામા હુમલા માટે આખા પાકિસ્તાનને દોષિત ગણાવું યોગ્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે મુંબઇ હુમલા માટે આખું પાકિસ્તાન જવાબદાર નથી. પિત્રોડા એ એર સ્ટ્રાઇકમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અંગે પણ પૂછયું છે.

તેમણે કહ્યું કે જો એરફોર્સે ૩૦૦ લોકોને માર્યા તો ઠીક છે. શું તેના તથ્ય અને પુરાવા આપી શકો છો? પિત્રોડાએ કહ્યું કે ભારતના લોકોને જાણવાનો અધિકાર છે કે એરફોર્સ એ પાકિસ્તાનમાં કેટલી તબાહી મચાવી અને તેનાથી શું ફરક પડ્યો.

તેમણે કહ્યું કે મેં ન્યૂયોર્ક ટાઇમ્સમાં રિપોર્ટ વાંચ્યો આથી મને વધુ જાણવાની ઇચ્છા છે. શું ખરેખર હુમલો થયો? શું ખરેખર ૩૦૦ લોકો મર્યા? એક નાગરિક હોવાના નાતે મને જાણવાનો અધિકાર છે અને મારી ડ્યુટી છે કે હું પ્રશ્ન કરૃં. તેનો મતલબ એ નથી કે હું રાષ્ટ્રવાદી નથી કે હું બીજાનો પક્ષ લઇ રહ્યો છું. જો તમે કહો છો કે ૩૦૦ લોકો મર્યા છે તો વૈશ્વિક મીડિયા એમ કેમ કહી રહી છે કે કોઇ મર્યું નથી. મને એક નાગરિક તરીકે આ ખરાબ લાગે છે.ઙ્ગ

ગાંધી પરિવારના ઘણા નજીક ગણાતાં અને ઇન્ડિયન ઓવરસિઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ પુલવામા હુમલા પર વિવાદીત નિવેદન આપતાં કહ્યું કે આ હુમલાને લઇને આખા પાકિસ્તાનને દોષી ન કહી શકાય. ઇન્ડિયન ઓવરસિઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાના નિવેદન પર પલટવાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિવેદન સેનાનું અપમાન છે.

કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના નિવેદન પર વડાપ્રધાન મોદીએ નિશાન સાધ્યું. પીએમ મોદીએ સામ પિત્રોડાને કોંગ્રેસના દરબારી ગણાવ્યાં. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસે ફરી સેનાનું અપમાન કર્યું છે. કોંગ્રેસમાં આતંકીઓને જવાબ આપવાની હિંમત નથી. કોંગ્રેસે દેશની સેનાનું અપમાન કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે અમે આતંકીઓને તેમની જ ભાષામાં જવાબ આપીશું. સેના પર સવાલ ઉઠાવવા વિપક્ષની આદત પડી ગઇ છે.

(3:17 pm IST)