Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

મુઝફ્ફરનગર હિંસા કેસોને પરત ખેંચવા યોગીની તૈયારી

ભાજપના નેતાઓ સામે કેસ પાછા ખેંચી શકાય : મુઝફ્ફરનગરના ડીએમ અને એસએસપીને પત્ર લખીને કેસો પરત ખેંચવા અંગે અભિપ્રાય આપવા આદેશ કરાયો

લખનૌ, તા. ૨૨ : યોગી સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભરીને મુઝફ્ફરનગર હિંસાના પગલામાં ભાજપના નેતાઓ સામે કેસ પરત ખેંચી લેવાની દિશામાં કૂચ કરી લીધી છે. રાજ્ય સરકારે મુઝફ્ફરનગરના ડીએમ અને એસએસપીને પત્રો મોકલીને ભાજપના નેતાઓ સામે ક્રિમિનલ કેસો પરત ખેંચવાના સંદર્ભમાં તેમના અભિપ્રાય લઇ લેવામાં આવ્યા છે. રમખાણમાં સામેલ હોવાનો ભાજપના નેતાઓ ઉપર આક્ષેપ થયેલો છે. યોગી સરકારે મુઝફ્ફરનગર હિંસા મામલામાં નવો વળાંક લીધો છે. યોગી સરકારે મુઝફ્ફરનગર અને સામલી બંને જગ્યાઓએ હત્યાના ૧૧ પ્રયાસ અને હત્યાના ૧૩ બનાવ સહિત તમામ ૧૩૧ કેસો પાછા ખેંચવાની પ્રક્રિયા હાથ ધરી છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત કરવામાં આવી ચુક્યા છે. અખબારે દસ્તાવેજોને નિહાળ્યા બાદ ઘટસ્ફોટ કર્યો છે કે, ઉત્તર પ્રદેશ સરકાર એવા કેસો પરત ખેંચી રહી છે જેમાં આઈપીસીની કલમો સામે આરોપો મુકવામાં આવ્યા છે. આ મામલામાં આરોપીઓને સાત વર્ષની જેલની સજા થઇ શકે છે. વધુમાં ધાર્મિક આધાર પર દુશ્મનાવટ ફેલાવવાના આરોપસર કલમ ૧૫૩એ હેઠળ ૧૬ કેસો રહેલા છે જ્યારે જાણી જોઇને ધર્મના અપમાન કરવાના મામલા માટે કલમ ૨૯૫એ હેઠળ બે કેસો રહેલા છે. રાજ્ય સરકારે આ દિશામાં સક્રિય પહેલ કરી દીધી છે. આ કેસો ઉત્તર પ્રદેશના પ્રધાન સુરેશ રાણા, પૂર્વ કેન્દ્રીયમંત્રી સંજીવ બાલિયાન, સાંસદ ભારતેન્દુસિંહ, ધારાસભ્ય ઉમેશ મલિક, પાર્ટી નેતા સાધ્વી પ્રાચી સામે દાખલ કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી મહિનામાં પત્રો મોકલવામાં આવ્યા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ, સ્પેશિયલ સેક્રેટરી, ઉત્તરપ્રદેશના ન્યાય વિભાગને આ પત્રો મોકલવામાં આવ્યા હતા. મુઝફ્ફરનગરના પોલીસ અધિકારીઓના અભિપ્રાય પણ મેળવવામાં આવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, મુઝફ્ફરનગર અને આસપાસના વિસ્તારોમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૨૦૧૩માં વ્યાપક કોમી હિંસા ભડકી ઉઠી હતી જેમાં ૬૦થી પણ વધુ લોકોના મોત થયા હતા. ૪૦૦૦૦થી વધુ લોકો વિસ્થાપિત થયા હતા. ઉત્તર પ્રદેશના ઇતિહાસની સૌથી ખતરનાક કોમી હિંસા તરીકે આને ગણવામાં આવે છે. આગામી દિવસોમાં ભાજપના નેતાઓ સામે મુઝફ્ફરનગર હિંસા કેસોને પરત ખેંચવામાં આવે ત્યારે રાજકીય હોબાળો થવાની પણ શક્યતા છે. બાલિયનનું કહેવું છે કે, તમામ આરોપી હિન્દુ લોકો હોવાની બાબત સપાટી ઉપર આવી ચુકી છે. ગયા મહિનામાં જ યોગી સરકાર સમક્ષ ૧૭૯ કેસોના સંદર્ભમાં રજૂઆત કરવામાં આવી હતી. આ ૧૭૯ કેસો પરત ખેંચવાને લઇને વિચારણા ચાલી રહી હતી જેમાં ૮૫૦ હિન્દુઓની ધરપકડ કરાઈ હતી. મુઝફ્ફરનગર અને સામલી જિલ્લામાં આ તમામ કેસો નોંધાયા હતા.

(7:33 pm IST)