Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ખાંડની નિકાસને પ્રોત્‍સાહન આપવા સરકારે ૨૦ ટકાની નિકાસ જકાત રદ્દ કરી

નવી દિલ્‍હીઃ ખાંડની નિકાસને પ્રોત્‍સાહન આપવા માટે કેન્‍દ્ર સરકારે ૨૦ ટકા નિકાસ જકાત રદ્દ કરી છે. નાણામંત્રાલયના નોટિફિકેશન અનુસાર અત્યારના નિકાસ વોલ્યુમને આધારે નિકાસ જકાત રદ કરવાના પગલાથી સરકારની આવકમાં રૂપિયા 75 કરોડનો ઘટાડો થશે.

ઉલ્લેખનીય છે કે, ઉદ્યોગ સંગઠન ઇન્ડિયન શુગર મિલ્સ એસોસિયેશન (ISMA) અને નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ શુગર ફેક્ટરીઝ ખાંડના વધારાના સ્ટોકના નિકાલ માટે અને ઘટી રહેલા ભાવને અટકાવવા નિકાસ જકાત રદ કરવાની માંગણી કરતા હતા. ISMA 2017-18 માટે ભારતમાં ખાંડના ઉત્પાદનનો અંદાજ અગાઉના 2.61 કરોડ ટનથી વધારી 2.95 કરોડ ટન કર્યો છે.

શુગર બ્રોકર અભિજિત ઘોરપડેએ જણાવ્યું હતું કે, સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. મંગળવારે નિકાસ જકાત રદ કરવાના નિર્ણયની ખાંડના ભાવ પર કોઈ અસર થઈ નથી. વધારાની ખાંડનો દેશની બહાર નિકાલ કરવો જરૂરી છે.

ઉદ્યોગવર્તુળોના જણાવ્યા અનુસાર 2017-18ના ક્લોઝિંગ સ્ટોકમાં ઘટાડો કરવા ખાંડ ઉદ્યોગ ઓક્ટોબર 2018 સુધી 15-20 લાખ ટનના નિકાસનો લક્ષ્યાંક ધરાવે છે. ગયા મહિને સરકારે ખાંડની આયાત જકાત બમણી વૃદ્ધિ સાથે 100 ટકા કરી હતી અને ઘટતા ભાવને અંકુશમાં રાખવા મિલોનું વેચાણ નિયંત્રિત કર્યું હતું.

વેપારીઓના જણાવ્યા અનુસાર ખાંડના વૈશ્વિક ભાવ દબાણ હેઠળ હોવાથી નિકાસ જકાત રદ થવાથી તેના સ્થાનિક ભાવ પર ખાસ અસર નહીં થાય. ઉદ્યોગ ખાંડની નિકાસ પર સબસિડીની માંગણી કરી રહ્યો છે. સરકારના પગલાથી ખાંડના શેરોમાં સુધારો નોંધાયો હતો.

ISMAના વાઇસ પ્રેસિડન્ટ રોહિત પવારે જણાવ્યું હતું કે, નિકાસ જકાત રદ થવાથી ખાંડના ભાવ પર સેન્ટિમેન્ટની રીતે બહુ અસર થઈ નથી, પણ અમે આગામી સમયમાં નિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકારના પગલાને હકારાત્મક ગણીએ છીએ. બ્રાઝિલમાં ખાંડનું ઉત્પાદન ઘટવાના અંદાજથી ભારત પાસે રો શુગરની નિકાસ માટે સારી તક છે.

જાણકારોના મતે ભારતની વિવિધ શુગર રિફાઇનરી મહદ્અંશે બ્રાઝિલની ખાંડનું પ્રોસેસિંગ કરી તેની પુન: નિકાસ કરે છે. હવે સરકાર સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહિત કરશે તો ભારતની રિફાઇનરી સ્થાનિક રો શુગર તરફ વળી શકે. વધુમાં ખાંડ ઉદ્યોગને આશા છે કે, સરકાર બાંગ્લાદેશને બ્રાઝિલને બદલે બાંગ્લાદેશને ભારતની રો શુગર ખરીદવા સમજાવી લેશે.

(5:24 pm IST)