Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

શહીદોના બાળકોના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ રક્ષા મંત્રાલય ઉઠાવશેઃ ૧૦ હજારની મર્યાદા હટી

નવી દિલ્હી તા. ૨૨ : સંરક્ષણ મંત્રાલયે શહીદોના પરિવારોને મોટી રાહત આપી છે. શહીદો, દિવ્યાંગ, લાપતા અધિકારીઓ અને જવાનોના બાળકોના શિક્ષણ માટે મંત્રાલયે ટ્યુશન અને છાત્રાલયની ફી માટે ચુકવવવામાં આવતા પૈસાની મર્યાદા જે પ્રતિ માસ રૂ.૧૦૦૦૦ હતી તેને દૂર કરવાનો આદેશ આપ્યો છે. જોકે સરકારે જયારે આ સીમાને મર્યાદિત કરી હતી ત્યારે સૈનિકોએ દુઃખ વ્યકત કર્યું હતું.

તેથી રક્ષા મંત્રાલયે આ આદેશને પરત ખેંચી ઓફિસર રૈંક અને અધિકારી રૈંક સિવાયના શહીદોના બાળકોનો તમામ ભણતરનો ખર્ચ ઉઠાવવાનો નિર્ણય લીધો છે. તેથી દિવ્યાંગ અને લાપતા અધિકારીઓની સાથે સાથે જે જવાનો જંગના મેદાનમાં શહીદ થયા છે તેમના બાળકોને આ નિર્ણયથી લાભ મળશે. શહીદોના બાળકોના ભણતર ખર્ચ માટે મર્યાદિત સીમા રાખવાના નિર્ણયને બદલવા માટે કેન્દ્રીય બજેટમાં એલાન કરી દેવામાં આવ્યું છે.

મહત્વનું છે કે હોસ્ટેલ અને ટ્યૂશન ફીની મર્યાદા રૂ.૧૦૦૦૦ રાખવામાં આવી હોવાથી પરિવારજનો સામે અનેક મુશ્કેલીઓ આવી પહોંચતી હતી. તેથી બાળકોની માતાઓએ રક્ષામંત્રાલયને આ અંગે પત્ર લખ્યો હતો. ઉપરાંત ત્રણેય સેના દ્વારા પણ આ વખતે પત્ર લખવામાં આવ્યો હતો. પંજાબના ચીફ મિનિસ્ટર કેપ્ટન અમરિંદર સિંહે રક્ષામંત્રી નિર્મલા સીતારમણને આ અંગે નિર્ણય બદલવા માટે જણાવ્યું હતું.ઙ્ગ

આ સ્કીમ ત્રણેય સેના માટે લાગુ પડે છે. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ઘ બાદ આ સ્કીમની શરુઆત કરવામાં આવી હતી. જેમાં ટ્યૂશન અને અન્ય ફીસ (હોસ્ટેલ, પુસ્તકો, યૂનિફોર્મ) માટેનો ખર્ચ ફાળવવામાં આવતો હતો. પરંતુ ટ્યૂશન અને હોસ્ટેલ ફીસ માટે રૂ.૧૦૦૦૦ મર્યાદિત કરવામાં આવ્યા હતા. જોકે આ નિર્ણય ૭માં પગાર પંચના આધારે લેવાયો હતો. પરંતુ હવે સરકાર દ્વારા આ નિયમમાં ફેરફાર કરાયો છે.

(4:44 pm IST)