Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ફેસબુક ડેટા લીક : બ્રિટનમાં ઝુકરબર્ગને સમન્સ

લંડન : ફેસબુકના પાંચ કરોડ વપરાશકારની અંગત માહિતીની કહેવાતી ચોરી કરીને તેનો દુરૂપયોગ ચૂંટણીમાં ગેરરીતિ આચરવા કરાયો હોવાના આક્ષેપને લઈને ટ્રમ્પ સાથે સંકળાયેલી ડેટા - માઈનીંગ ફર્મ કેમ્બ્રીજ એનાલીટીકાના વડાને સસ્પેન્ડ કરાયા હતા અને બ્રિટિશ સરકારે આ કંપની તેમજ ફેસબુક સામે કાર્યવાહી હાથ ધરી છે. યુકેની સંસદની મીડીયા કમીટીએ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને પૂછપરછ માટે અને જુબાની આપવા બોલાવ્યા હતા.

કેમ્બ્રિજ ફોર ન્યુઝના સીઈઓ એલેકઝાન્ડર નિકસે બ્રિટનની ચેનલ ફોર ન્યુઝના છુપા વેશમાં આવેલા પત્રકારની સમક્ષ બણગા ફૂંકયા હતા કે અમારી કંપનીએ ૨૦૧૬માં અમેરીકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. ચેનલ ફોર ન્યુઝે નિકસ સાથેની વાતચીતની વિડીયો કિલપિંગ્સ પ્રસારીત કરી હતી. યુકેની સંસદની મીડીયા કમીટીના અધ્યક્ષ ડેમીયન કોલીન્સે જણાવ્યુ હતું કે અમે ફેસબુકને તેના દ્વારા ડેટા કઈ રીતે વાપરવામાં આવે છે તે અંગે અવારનવાર પૂછ્યુ હતું, પરંતુ ફેસબુકના અધિકારીઓ અમારી સમિતિને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

બ્રિટનના ઈન્ફોર્મેશન કમિશ્નર એલીઝાબેથ ડેન્હેમે જણાવ્યુ હતુ કે અમે કેમ્બ્રિજ એનાલીટીકાના સર્વર્સ તપાસવા સર્ચ વોરન્ટ માગ્યુ છે. આ ઉપરાંત અમે ફેસબુકને કેમ્બ્રીજ એનાલીટીકાના ડેટાના વપરાશનું જાતે ઓડીટ નહિં કરવાની સુચના આપી છે.દરમિયાન ફેસબુકના લાખો વપરાશકારોની અંગત માહિતી રાખવા માટે કેમ્બ્રિજ એનાલીટીકા દ્વારા વપરાતો એપ તૈયાર કરનારા કેમ્બ્રિજ યુનિવર્સિટીના એલેકઝાન્ડર કોગને દાવો કર્યો હતો કે મને આ કિસ્સામાં બલીનો બકરો બનાવાઈ રહ્યો છે.

(12:47 pm IST)