Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

હવે ખાનગી કારને ટેકસી તરીકે વાપરવાની મંજૂરી અપાશે

રસ્તા પર વાહનોની વધી રહેલી સંખ્યાને નિયંત્રણમાં રાખવા સરકાર સક્રિય

નવી દિલ્હી તા. ૨૨ : સરકાર રસ્તા પર વાહનોનું પ્રમાણ ઘટાડવા અને વ્હિકલ શેરિંગને પ્રોત્સાહન આપવા ઓલા અને ઉબર પ્લેટફોર્મ પર ખાનગી કાર્સને ટેકસી તરીકે ચલાવવાની મંજૂરી આપે તેવી શકયતા છે. દેશમાં પ્રદૂષણરહિત ટ્રાન્સપોર્ટેશનને ઉત્ત્।ેજન આપવા રચાયેલા ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સુધારો કરવાની ભલામણ કરી છે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર 'ટેકસીની પરમિટના નિયમ હળવા થવાની શકયતા છે. જેથી પ્રાઇવેટ કારનું સરળતાથી ટેકસીમાં રૂપાંતર કરી સર્વિસ એગ્રિગેટર્સ તરીકે તેનો ઉપયોગ કરી શકાય.' અત્યારે પ્રાઇવેટ કારને ટેકસી તરીકે ચલાવવા માટે કોમર્શિયલ નંબર મેળવવા લગભગ અડધો ડઝન મંજૂરી અને કલીયરન્સની જરૂર પડે છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર ટેકસની હળવા નિયમ હેઠળ પેસેન્જરની સુરક્ષા ચિંતાનો વિષય રહેશે. તેના માટે યોગ્ય નીતિવિષયક પગલાંની જરૂર પડશે. અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે, બજારમાં ઉપલબ્ધ મર્યાદિત એગ્રિગેટર સર્વિસિસને કારણે ઓલિગોપોલી માર્કેટની સ્થિતિ ઊભી થશે. એક ટોચના સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, 'પોલિસીના વિવિધ મુદ્દા પર સંબંધિત પક્ષકારો સાથે ચર્ચાની મદદથી ચિંતાઓ ઉકેલવાની જરૂર છે.'

તાજેતરમાં ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, 'રોડ અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ખાનગી વાહનોની સંખ્યા નિયંત્રિત કરવી જરૂરી છે અને આ હેતુ માટે નવી ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવું જરૂરી છે.' ગડકરીએ જણાવ્યું હતું કે, 'પેસેન્જર વ્હિકલની સંખ્યા હાલના દરે વધતી રહેશે તો સરકારને રાષ્ટ્રીય હાઇવેના વિસ્તરણ માટે રૂ. ૧ લાખ કરોડની જરૂર પડશે.'

રોડ પરનો ટ્રાફિક ઘટાડવા માટેના અન્ય વિકલ્પોમાં સરકારી અધિકારીઓ માટે સપ્તાહના નિશ્ચિત દિવસોમાં ફરજિયાત પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ અને રોડ પાર્કિંગ પર ઊંચી ફી વસૂલવાની બાબતોનો સમાવેશ થાય છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર સપ્તાહના અમુક દિવસે સરકારી અધિકારીઓ માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ફરજિયાત બનાવવો જોઇએ. ઉલ્લેખનીય છે કે, નીતિ આયોગે જુલાઈ ૨૦૧૭માં દેશમાં પ્રદૂષણના પ્રમાણમાં ઘટાડો કરવાની માર્ગરેખા તૈયાર કરવા ચાર ટાસ્ક ફોર્સની રચના કરી હતી.

૮ લાખ ૮૦ હજાર ક્રેડિટ કાર્ડની માહિતી હેકર્સ ચોરી જઇ શકે છે

નવી દિલ્હી તા. ૨૨ : ટ્રાવેલ વેબસાઈટ એકસપીડિયાની માલિકીની ઓર્બિટ્સે જણાવ્યું છે કે વેબસાઈટ દ્વારા બુકિંગ કરાવતી વખતે ૮,૮૦,૦૦૦ ક્રેડિટ કાર્ડ નંબરોની અપાયેલી જાણકારીનો ઉપયોગ હેકર્સ કરી શકે છે. રિપોર્ટ અનુસાર, આ ઉપરાંત અમેરિકન એકસપ્રેસ પણ સાયબર એટેકનો ભોગ બની હોવાના સમાચાર આવ્યા છે.

કંપની દ્વારા જારી નિવેદન પ્રમાણે, માર્ચમાં તેમને એ વાતના પુરાવા મળ્યા હતા કે હેકર્સે ઓકટોબરથી ડિસેમ્બર સુધીમાં સિસ્ટમ દ્વારા જાણકારી પ્રાપ્ત કરી હતી. આ દરમિયાન હેકર્સે ગત બે વર્ષોમાં ગ્રાહકોનાં ડેટા પણ મેળવ્યા હતા. આ ઘટના જાન્યુઆરી, ૨૦૧૬થી લઈને ડિસેમ્બર, ૨૦૧૭ના ગાળામાં બની હતી. હેકર્સે જે માહિતી ચોરી છે, તેમાં નામ, જન્મતારીખ, સરનામુ, ઈમેઈલ આઈડી, જેન્ડર અને પેમેન્ટ કાર્ડની માહિતી સામેલ છે.

 

(11:43 am IST)